સેન્સેક્સે 54 હજાર અને નિફ્ટીએ 16 હજારની સપાટી ઓળંગતા રોકાણકારોમાં ખુશાલીનો માહોલ: અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયામાં ધોવાણ યથાવત
ભારતીય શેરબજારમાં છેલ્લા ઘણા સમયથી ચાલી આવતી એકધારી મંદી ગઇકાલે અટકી છે. આજે સતત બીજા દિવસે શેરબજારમાં તેજીનો માહોલ જોવા મળ્યો હતો. જો કે, અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયાનું ધોવાણ યથાવત છે. આજે સેન્સેક્સે ફરી એક વખત 54 હજારની અને નિફ્ટીએ 16 હજારની સપાટી ઓળંગતા રોકાણકારોમાં ખુશાલી વ્યાપી જવા પામી હતી.
આજે સતત બીજા દિવસે ભારતીય શેરબજારમાં તેજી જોવા મળી હતી. સેન્સેક્સ અને નિફ્ટીમાં તોતીંગ ઉછાળા જોવા મળ્યા હતા. સેન્સેક્સે આજે 54 હજારની સપાટી ઓળંગતા ઇન્ટ્રા-ડેમાં 54,252.06ની સપાટી હાંસીલ કરી દીધી હતી. જ્યારે નિફ્ટી પણ 16 હજારની સપાટીને ઓળંગવામાં સફળ રહી હતી. નિફ્ટીએ ઇન્ટ્રાડેમાં 16244.20 સપાટીને હાંસલ કરી હતી.
આજની તેજીમાં વેંદાતા, ઇન્ટેલેક્ટ ડીઝાઇન, હિન્દ કોપર, હિન્દાલ્કો, રિલાયન્સ, ટાટા સ્ટીલ અને એફડીએસફી બેંક જેવી કંપનીના શેરોના ભાવમાં 11 ટકા જેટલો તોતીંગ ઉછાળો જોવા મળ્યો હતો. જ્યારે મંદીમાં પણ એક્સકોર્ટ, ઓરોબિન્ટો ફાર્મા, ડો.લાલ પેથલેબ અને દાલમીયા ભારત જેવી કંપનીના ભાવના શેરોમાં કડાકો બોલી ગયો હતો. છેલ્લા ઘણા સમયથી શેરબજારમાં ચાલી આવતી મંદી ચાલુ સપ્તાહના આરંભથી અટકી જવા પામી છે. જેનાથી રોકાણકારોમાં એક નવા જ વિશ્ર્વાસનો સંચાર થયો છે. છેલ્લા બે દિવસથી રોકાણકારો વિશ્ર્વાસ સાથે ખરીદી કરી રહ્યા હોવાના કારણે બજારમાં તેજી જોવા મળી રહી છે.
આગામી દિવસોમાં પણ તેજી જળવાઇ રહે તેવું જાણકારો માની રહ્યા છે.
આ લખાઇ રહ્યું છે ત્યારે સેન્સેક્સ 1331 પોઇન્ટના ઉછાળા સાથે 54305 પોઇન્ટ પર અને નિફ્ટી 417 પોઇન્ટના ઉછાળા સાથે 16259 પર કામકાજ કરી રહ્યો છે. જ્યારે અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો 11 પૈસાના ઘટાડા સાથે 76.56 પર ટ્રેડ કરી રહ્યો છે.