ટીવી, મોબાઇલ, બાઇક અને રોકડ મળી ‚રૂ.૧.૩૦ લાખનો મુદામાલ કબ્જે
ઇન્દોર ખાતે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાતી વન-ડે મેચ પર સુરેન્દ્રનગરના જીન રોડ પર મોબાઇલની દુકાનમાં ક્રિકેટનો સટ્ટો રમતા દુકાનદારને એલસીબીએ ઝડપી પૂછપરછ કરતા રાજકોટના નામચીન બુકી સહિત બે શખ્સોને કપાત આપતો હોવાનું બહાર આવતા પોલીસે બંને શખ્સોની શોધખોળ હાથધરી છે. આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ સુરેન્દ્રનગરમાં જીન રોડ પર આવેલી સિરાજ નામની મોબાઇલની દુકાનમાં ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડતા સિરાજ જીગર દાદવાણી નામના શખ્સની એલસીબીના હેડ કોન્સ્ટેબલ પ્રવિણભાઇ સહિતના સ્ટાફે દરોડો પાડી રૂ૧.૩૦ લાખની કિંમતના ટીવી, મોબાઇલ, બાઇક અને રોકડ કબ્જે કરી ધરપકડ કરી છે.
સિરાજ દાદવાણીની પૂછપરછ દરમિયાન તેને મોબાઇલમાં વઢવાણના અમજદ નામના શખ્સ પાસેથી સોદો લઇ અને રાજકોટના નામચીન બુકી અલાઉદીન કપાત આપતો હોવાની કબૂલાત આપી છે. પોલીસે રાજકોટના અલાઉદીન સામે ગુનો નોંધી તપાસ હાથધરી છે.