દિલ્હી કેપિટલ્સની ટિમ પોઇન્ટ ટેબલમાં ચોથા સ્થાને પહોંચી: મિચેલ માર્શે 48 બોલમાં 68 રનની આક્રમક ઇનિંગ રમી
મિચેલ માર્શની અડધી સદી બાદ શાર્દુલ ઠાકુર સહિત બોલર્સે કરેલા શાનદાર પ્રદર્શનની મદદથી દિલ્હી કેપિટલ્સે આઈપીએલ ટી20 ક્રિકેટ ટુર્નામેન્ટની 15મી સિઝનમાં સોમવારે રમાયેલા મુકાબલામાં પંજાબ કિંગ્સ સામે 17 રને વિજય નોંધાવ્યો હતો. આ વિજય સાથે જ દિલ્હી કેપિટલ્સની ટીમ પોઈન્ટ ટેબલમાં ટોપ-4માં પહોંચી ગઈ છે. પંજાબે ટોસ જીતીને દિલ્હીને પ્રથમ બેટિંગનું આમંત્રણ આપ્યું હતું.
મિચેલ માર્શે 63 રનની ઈનિંગ્સ રમી હતી જેની મદદથી દિલ્હીએ નિર્ધારીત 20 ઓવરમાં સાત વિકેટે 159 રનનો સ્કોર નોંધાવ્યો હતો. જેના જવાબમાં પંજાબની ટીમ 20 ઓવરમાં નવ વિકેટે 142 રન જ નોંધાવી શકી હતી. દિલ્હી 13 મેચમાં 14 પોઈન્ટ સાથે ચોથા ક્રમે પહોંચી ગઈ છે. જ્યારે પંજાબની મુશ્કેલીઓ વધી છે. પંજાબ હાલમાં 13 મેચમાં 12 પોઈન્ટ સાથે સાતમાં ક્રમે છે.
160 રનના લક્ષ્યાંકને પાર પાડવા મેદાનમાં ઉતરેલી પંજાબ કિંગ્સની શરૂઆત ઘણી સારી રહી હતી. જોની બેરસ્ટો અને શિખર ધવનની ઓપનિંગ જોડીએ 3.5 ઓવરમાં 38 રન ફટકારી દીધા હતા. જોકે, આ જોડી આઉટ થઈ ત્યારબાદ ટીમે ઉપરા ઉપરી વિકેટો ગુમાવી દીધી હતી. બેરસ્ટો 15 બોલમાં ચાર ચોગ્ગા અને એક સિક્સરની મદદથી 28 રન નોંધાવીને આઉટ થયો હતો. જ્યારે ધવને 16 બોલમાં 19 રન ફટકાર્યા હતા. 38 રને પ્રથમ વિકેટ ગુમાવનારી પંજાબની ટીમે 67 રનમાં તો પોતાની છ વિકેટ ગુમાવી દીધી હતી.
પંજાબ કિંગ્સે દિલ્હી કેપિટલ્સને પ્રથમ બેટિંગનું આમંત્રણ આપ્યું હતું. પંજાબે પ્રથમ બોલ પર જ દિલ્હીને ઝટકો આપ્યો હતો. આક્રમક ઓપનર ડેવિડ વોર્નર પ્રથમ બોલ પર જ આઉટ થઈ ગયો હતો. પંજાબના બોલર્સનું પ્રદર્શન શાનદાર રહ્યું હતું પરંતુ મિચેલ માર્શની અડધી સદીની મદદથી દિલ્હીએ 20 ઓવરમાં સાત વિકેટે 159 રનનો પડકારજનક સ્કોર નોંધાવ્યો હતો. વોર્નર આઉટ થયા બાદ સરફરાઝ ખાન અને મિચેલ માર્શે બાજી સંભાળી હતી.
આ જોડીએ આક્રમક બેટિંગ કરીને 51 રનની ભાગીદારી નોંધાવી હતી. સરફરાઝે 16 બોલમાં પાંચ ચોગ્ગા અને એક સિક્સરની મદદથી 32 રનની ઈનિંગ્સ રમી હતી. જોકે, મિચેલ માર્શે પોતાની આક્રમક બેટિંગ જારી રાખી હતી. તેને લલિત યાદવનો સાથ મળ્યો હતો. લલિત યાદવ સાથે મળીને માર્શે 47 રનની ભાગીદારી નોંધાવી હતી. લલિતે 21 બોલમાં 24 રન નોંધાવ્યા હતા. જ્યારે માર્શે 48 બોલમાં ચાર ચોગ્ગા અને ત્રણ સિક્સર સાથે 68 રનની આક્રમક ઈનિંગ્સ રમી હતી.
રિશભ પંત સાત અને રોવમેન પોવેલે બે રનનું યોગદાન આપ્યું હતું. અક્ષર પટેલ 17 રન નોંધાવીને અણનમ રહ્યો હતો. પંજાબ માટે લિયામ લિવિંગસ્ટોન અને અર્શદીપ સિંહે ત્રણ-ત્રણ વિકેટ ઝડપી હતી જ્યારે કાગિસો રબાડાને એક સફળતા મળી હતી.