ચોરી કર્યા બાદ ઊંઘી નથી શકતા, જમી નથી શકતા, સતત બેચેની રહે છે: ચોરોએ પૂજારીને પત્ર લખ્યો
કોણ કહે છે કે ભગવાન નથી ? ચિત્રકૂટમાં એક એવી ઘટના સામે આવી છે કે જેને ધ્યાને લેવામાં આવે તો ચોક્કસ કહી શકાય કે, ભગવાનની હાજરી ચોક્કસથી સંસારમાં છે જ. ચિત્રકૂટમાં ૩૦૦ વર્ષ જૂના મંદિરમાંથી ચોરોએ ૧૬ જેટલી મૂર્તિઓ ચોરી લીધી હતી પરંતુ ચોરી કર્યા બાદ ચોરો સાથે એવી ઘટના બની જેના લીધે ચોરો મૂર્તિ પરત કરવા મજબૂર થઈ ગયા. ચોરીની ઘટનાને અંજામ આપ્યા બાદ ચોરોને રાતે ઊંઘ આવતી ન હતી, બિહામણાં સ્વપ્ન ડરાવતાં હતાં. તેઓ શાંતિથી જીવી શકતા ન હતા અને અંતે ચોરોએ આ તમામ મૂર્તિઓ પરત કરી દીધી હતી તેમજ એક પશ્ચાતાપ સાથેનો પત્ર પણ પૂજારીને લખ્યો હતો જેમાં તેમની સાથે બનેલી ઘટનાઓ નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે
ચિત્રકૂટના પ્રખ્યાત બાલાજી મંદિરમાંથી લાખોની કિંમતની મૂર્તિની ચોરી થઈ હતી. એક સપ્તાહ પહેલા તરુહા ગામમાં રામલીલા ગ્રાઉન્ડ સ્થિત ૩૦૦ વર્ષ જૂના ભગવાન બાલાજી મંદિરમાંથી ૧૬ કિંમતી મૂર્તિઓની ચોરી થઈ હતી. ચોરોએ આ પત્રને મૂર્તિઓ પાસે રાખતા કહ્યું કે ચોરી થઈ ત્યારથી તેમને ડરામણા સપના આવી રહ્યા છે. એટલા માટે તેઓ મૂર્તિઓ પરત કરી રહ્યા છે. જોકે, ચોરોને ઓળખવા અને પકડવા માટે પોલીસ ટીમ બનાવવામાં આવી છે.
કારવી કોતવાલીના ઈન્સ્પેક્ટર રાજીવ સિંહે જણાવ્યું કે, ‘બાલાજી મંદિરના પૂજારી મહંત રામ બાલક દાસે ૧૬ મૂર્તિઓની ચોરીની ફરિયાદ નોંધાવી હતી. જેમાં ૫ કિલો અષ્ટધાતુની મૂર્તિ અને ૧૦ કિલો વજનની તાંબાની ભગવાન બાલાજીની ૩ મૂર્તિઓ, ૧૫ કિલો વજનની ૪ તાંબાની મૂર્તિ સહિત રોકડ અને ચાંદીની વસ્તુઓની ચોરી થઈ હતી. ૯ મેની રાત્રે બનેલી ઘટના અંગે એફઆઈઆર નોંધવામાં આવી હતી.
એક અઠવાડિયા પછી, માણિકપુર શહેરના મહાવીર નગર વોર્ડમાં સ્થિત મહંત રામ બાલક દાસના ઘરની બહારથી ચોરાયેલી મૂર્તિઓ સાથે એક પત્ર મળી આવ્યો હતો. આ પછી મહંતે મૂર્તિઓ પોલીસને સોંપી દીધી. હાલમાં અષ્ટધાતુની કિંમતી મૂર્તિઓ હજુ પણ પહોંચની બહાર છે. મહંત રામ બાલક દાસે જણાવ્યું કે સવારે જ્યારે તેઓ ગાયોને ચારો અને પાણી આપવા નીકળ્યા તો તેમને ત્યાં એક પત્ર પડેલો જોવા મળ્યો. તેમાં મૂર્તિઓનો પણ ઉલ્લેખ હતો.
પત્રમાં લખવામાં આવ્યું હતું કે, ‘મૂર્તિ ચોર્યા બાદ તે ઉંઘી શકતા નથી અને ડરામણા સપના આવે છે. એટલા માટે મૂર્તિઓ પરત કરવામાં આવી રહી છે અને તમારે ફરીથી મંદિરમાં મૂર્તિઓ સ્થાપિત કરવી જોઈએ. પત્ર વાંચીને મહંતે મૂર્તિઓની શોધ કરી અને ઘરની બહાર ટોપલીની નીચે રાખેલી કોથળીમાંથી મૂર્તિઓ મળી. તેઓને પિત્તળ અને તાંબાની ૧૨ મૂર્તિઓ મળી પરંતુ અષ્ટ ધાતુની બે મૂર્તિઓ મળી ન હતી. તેણે કોતવાલી પોલીસને જાણ કરી અને પોલીસ હેડક્વાર્ટર પહોંચ્યા પછી મૂર્તિઓ પાછી પોલીસને સોંપી દીધી હતી.