એ-ગ્રુપમાં પાસ થનારા વિદ્યાર્થીઓ ઘટ્યા, ઇજનેરીમાં 40 હજારથી વધુ સીટ ખાલી રહેશે !!!
ધો.12 વિજ્ઞાન પ્રવાહમાં સૌથી વધુ વિદ્યાર્થીઓ ફિઝીક્સ-કેમેસ્ટ્રીમાં નાપાસ થયા હતાં. આ બંને વિષયમાં 32-32 હજાર વિદ્યાર્થીઓ નાપાસ થયા હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત બાયોલોજીમાં પણ 12 હજાર અને મેથ્સમાં 7 હજાર જેટલા વિદ્યાર્થીઓ નાપાસ થયા છે. સરળ ગણાતા કોમ્પ્યૂટર વિષયમાં પણ 6 હજાર જેટલા વિદ્યાર્થીઓ પાસ થઇ શક્યા ન હતાં. જો કે, પાંચ વિષયનું પરિણામ 100 ટકા રહેવા પામ્યું હતું.
આમ સાયન્સમાં મુખ્ય વિષયોએ વિદ્યાર્થીઓનું ગણિત બગાડ્યુ હતું. આ ઉપરાંત વિજ્ઞાન પ્રવાહના પરીણામમાં એ-ગ્રુપમાં પાસ થનારા એટલે કે ઇજનેરીમાં પ્રવેશ માટે લાયક વિદ્યાર્થીની સંખ્યા 26,183 છે જેની સામે ડિગ્રી ઇજનેરીમાં બેઠક અંદાજે 65 હજારથી વધારે છે. સેન્ટ્રલ બોર્ડ સહિતના અન્ય બોર્ડના વિદ્યાર્થીની પણ ગણતરી પણ કરવામાં આવે તો ચાલુ વર્ષે ઇજનેરીની 35 હજારથી વધારે બેઠકો ખાલી રહેશે તે નક્કી છે.
કોરોનાને કારણે ગત વર્ષે ધો.12 સાયન્સ સહિત તમામ બોર્ડની પરીક્ષામાં પણ વિદ્યાર્થીને માસ પ્રમોશન અપાયું હતું. આ માસ પ્રમોશન પછી અંદાજે 36 હજારથી વધારે બેઠકો ખાલી પડી હતી. ચાલુ વર્ષે 67 ટકા પ્રમાણે માત્ર 26,183 વિદ્યાર્થી પાસ થાય છે. એ અને એ-બી ગ્રુપમાં પાસ થયેલા તમામ વિદ્યાર્થી ઇજનેરીમાં પ્રવેશ મેળવે તો પણ 35 હજારથી વધારે બેઠક ખાલી પડે તેમ છે.
એ અને એ-બી ગ્રુપમાં પાસ થયેલા પૈકી અંદાજે 5 હજારથી વધુ વિદ્યાર્થી અન્ય કોર્ષમાં પ્રવેશ મેળવતા હોય છે. જેની સામે સેન્ટ્રલ બોર્ડના 5 હજારથી વધુ વિદ્યાર્થી ડીગ્રી ઇજનેરીમાં પ્રવેશ માટે અરજી કરતા હોય છે. આમ સરવાળે ઇજનેરીમાં પ્રવેશ માટે 26 હજારથી વધારે વિદ્યાર્થી દાવેદારી કરે તેવી કોઇ શક્યતા નથી.
ધો.12 સાયન્સમાં દર વખતની જેમ આ વખતે પણ કેમેસ્ટ્રી અને ફીઝીક્સે સૌથી વધુ વિદ્યાર્થીઓનો ભોગ લીધો હતો. કેમેસ્ટ્રીમાં 10,4450 વિદ્યાર્થીઓમાંથી 71,904 વિદ્યાર્થી પાસ થયા હતા. આમ કેમેસ્ટ્રીનું 68.84 ટકા પરીણામ આવ્યું હતું. કેમેસ્ટ્રીમાં 32,546 વિદ્યાર્થીઓ નાપાસ થયા હતા. આ જ રીતે ફિઝીક્સમાં પણ 10,4129 વિદ્યાર્થીઓ પૈકી 72,041 વિદ્યાર્થીઓ પાસ થયા હતા. આમ ફિઝીક્સનું 69.18 ટકા પરીણામ આવ્યું હતું.
11 હજાર વિદ્યાર્થીઓ ત્રણ વિષયમાં નાપાસ થયા
શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરાયેલા પરીણામ પર નજર કરતા સાયન્સમાં ત્રણ વિષયમાં નાપાસ થનાર વિદ્યાર્થીઓની સંખ્યા સૌથી વધુ હતી. ત્રણ વિષયમાં 10,911 જેટલાં વિદ્યાર્થીઓ નાપાસ થયા છે. જ્યારે એક વિષયમાં નાપાસ થનાર વિદ્યાર્થીઓની સંખ્યા 940 જેટલી છે. બે વિષયમાં નાપાસ થનાર વિદ્યાર્થીઓની સંખ્યા 9,460 છે. આ જ રીતે ચાર વિષયમાં 4,550 વિદ્યાર્થીઓ નાપાસ થયા છે જ્યારે પાંચ વિષયમાં 699, 6 વિષયમાં 33, સાત વિષયમાં 69, આઠ વિષયમાં 307 અને નવ વિષયમાં 65 વિદ્યાર્થીઓ નાપાસ થયા છે.