ગાંધીનગરમાં પૂ. રાકેશભાઈની નિશ્રામાં મુખ્યમંત્રી વિજય ‚પાણી અને નાયબમુખ્યમંત્રી નીતિન પટેલની ઉપસ્થિતિમાં શ્રીમદ રાજચંદ્રજીની પ્રેરકગાથા ‘યુગપુરુષ’નો ૧૫૦મો નાટય શો રજુ કરાયો: ૧૮ ધારાસભ્યો, મહાનુભાવોની હાજરી
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના મહાત્મા યુગપુરુષ શ્રીમદ રાજચંદ્રજીની પ્રેરકગાથાને વર્ણન કરતું નાટક ‘યુગ પુરુષ’નો ૧૫૦મો શો ગાંધીનગરમાં મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલની ઉપસ્થિતિમાં યોજાયો હતો.
શ્રીમદ રાજચંદ્રજીના સત્ય અને અહિંસાના સંદેશને સર્વ સમાજ તથા સમગ્ર વિશ્ર્વ સુધી પહોંચાડવાનું લક્ષ્ય સાથે પૂ.રાકેશભાઈના નેતૃત્વ હેઠળ યુવા ટીમ અલગ-અલગ શહેરો, રાજય સહિત દેશ-દુનિયામાં ભ્રમણ કરી નાટય રજુ કરે છે. આ નાટયપ્રયોગનો ૧૫૦મો શો ગઈકાલે ગાંધીનગરમાં રાકેશભાઈની નિશ્રામાં અને મુખ્યમંત્રી ‚પાણી તથા નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલની હાજરીમાં ભવ્યતાથી સંપન્ન થયો. આ પ્રસંગે નીતિનભાઈ પટેલએ પ્રસંગોચિત પ્રવચનમાં જણાવ્યું હતું કે, યુગપુરુષના આ નાટયથી સત્ય અને અહીંસાનો બોધ મળે છે. આ બોધ અત્યારની પેઢીને આ નાટક દ્વારા મળે છે. શ્રીમદ રાજચંદ્રજીના જીવન પરથી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીને જીવનદર્શન મળ્યું અને હવે નવી પેઢી માટે આ સંસ્કારોનું સિંચન થઈ રહ્યું છે. હજુ આ સંદેશ વિશ્ર્વવ્યાપી માટે પ્રસરે તેવી આશા સાથે આ નાટકની ખુબ સરાહના કરી હતી.આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય ‚પાણીએ પૂ.રાકેશભાઈનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું. જયારે રાકેશભાઈએ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીને આશીવર્ચન પાઠવ્યા હતા.