આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ: વી ટ્રીટ ગોડ હિર્લ્સ ફકત દવાથી રોગ અમારો નહી મટે, સંબંધ જરા ઉમેરો સારવારમાં
સમગ્ર વિશ્વમાં 12 મે, ફ્લોરેન્સ નાઈટિંગેલનાં જન્મદિવસને “આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ” રૂપે ઉજવવામાં આવે છે. ’નર્સ દિવસ’ ઉજવવાનો સૌપ્રથમ પ્રસ્તાવ અમેરિકાનાં સ્વાસ્થ્ય, શિક્ષા અને કલ્યાણ વિભાગનાં અધિકારી ’ડોરોથી સદરલેન્ડ’ એ મુક્યો હતો. એ પછી અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડી.ડી. આઈજનહાવરએ આ દિવસ ઉજવવા માટેની છૂટ આપી. 1953 માં પહેલી વખત ’નર્સ ડે’ મનાવવામાં આવ્યો હતો જ્યારે આંતરરાષ્ટ્રીય પરિષદે આ દિવસને 1965માં પ્રથમ વખત ઉજવ્યો. સૌપ્રથમ નર્સિંગનાં કાર્યને શરૂ કરનાર પ્રખ્યાત ફ્લોરેન્સ નાઈટિંગેલનાં જન્મદિવસ 12 મે, 1974નાં દિવસને “આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ” તરીકે ઉજવવાનો નિર્ણય કરવામાં આવ્યો.
છેલ્લા બે વર્ષ દરમિયાન કોરોનાકાળમાં આપણે જોયું છે કે ડોક્ટર્સ અને નર્સ પોતાના જાનના જોખમે રોજના 18 થી 20 કલાક કામ કરી પોતાના અને પોતાના પરિવારનાં સ્વાસ્થ્યનાં ભોગે લાખો લોકોને સાજા સારા કરવામાં નિમિત બન્યા હતા. નર્સિંગ એ દુનિયામાં સૌથી મોટા આરોગ્ય વ્યવસાયનાં રૂપમાં મનાવવામાં આવે છે.
જ્યારે ડોકટર્સ બીજા રોગીઓને જોવામાં વ્યસ્ત હોય છે એ સમયે અન્ય રોગીઓની 24 કલાક દેખરેખ કરવા માટે નર્સિંગની અત્યંત જરૂરિયાત રહેતી હોય છે. નર્સ એ રોગીઓનો મનોબળ વધારે છે તેમજ તેમની બીમારીઓને નિયંત્રિત કરવામાં તે સ્નેહશીલ અને સહાયક બને છે.
હોસ્પિટલમાં ભલે કોઈ પણ વ્યક્તિ સારવાર લેવા આવ્યો હોય અને ખુબ ઓછા સમય માટે આવ્યો હોય તો પણ નર્સિંસ તેમની સાથે તાદાત્મ્ય બાંધી લેતી હોય છે અને નિસ્વાર્થ ભાવે પેશન્ટની સેવા કરતી હોય છે. ઘરમાં મા જેમ તેનાં બાળકો બીમાર હોય ત્યારે તેમની ચાકરી કરતી હોય છે બિલકુલ એ જ રીતે નર્સિંસ પોતાનું કાર્ય કરતી હોય છે. ખાસ કરીને બાળકોને ટ્રીટ કરવાનો તેમનો અંદાજ જ જુદો હોય છે. માણસ બીમાર થાય, હોસ્પિટલમાં દાખલ થયો હોય ત્યારે તેને દવાની સાથે એક હૂંફની પણ જરૂરીયાત હોય છે.
કોઈ વ્યક્તિ સતત એની ખબર પૂછતું રહે તેવી તેની ઈચ્છા કાયમ રહેતી હોય છે. આવા સમયે ઘરનાં સભ્યોની ગેરહાજરીમાં તેને નર્સ ખુબ મદદરૂપ થાય છે. હોસ્પિટલમાં દાખલ થનાર વ્યક્તિ સાથે કોઈ પણ સંબંધ ન હોવા છતાં નર્સ પોતાનું કાર્ય સતત કરતી જતી હોય છે. સ્વાસ્થ્ય સેવાઓમાં નર્સિંગનાં યોગદાનને સન્માનિત કરવા માટે, રોગીઓનાં કલ્યાણ માટે નર્સિંસને શિક્ષિત કરવા માટે, નર્સિંગ સંબંધિતવિવિધ મુદ્દાઓની ચર્ચા કરવા માટે તેમજતેમની મહેનત અને સમર્પણની સરાહનાં કરવા માટે ભારત સરકાર દ્વારા નર્સિંગને પ્રોત્સાહન આપવા માટે આ દિવસે ફ્લોરેન્સ નાઈટિંગેલનાં પુરસ્કાર પણ આપવામાં આવે છે.