દર વર્ષે 12 મે એ નર્સિંગ સેવાના સ્થાપક ફ્લોરેન્સ નાઇટીંગેલની જન્મજયંતિ પર વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય નર્સિંગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
ફ્લોરેન્સનો જન્મ 12 મે 1820ના રોજ થયો હતો. ફ્લોરેન્સની યાદમાં, તેમના જન્મદિવસ પર, 12 મે દર વર્ષે ’આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. આખી જીંદગી માંદા રહીને માંદાઓની સેવા કરતી ફ્લોરેન્સનું બાળપણ બીમારી અને શારીરિક નબળાઈની પકડમાં વીત્યું હતું.
સૌ. યુનિ.ના મનોવિજ્ઞાન ભવન દ્વારા 810 નર્સ પર સર્વે કરાયા બાદ ચોંકાવનારા તારણો સામે આવ્યા
નર્સિંગને આરોગ્યનો સૌથી મોટો વ્યવસાય માનવામાં આવે છે. શારીરિક, માનસિક અને સામાજિક જેવી તમામ બાબતો દ્વારા દર્દીની સંભાળ લેવા માટે સારી રીતે પ્રશિક્ષિત અને અનુભવી હોવું મહત્વપૂર્ણ છે. આજે, કોરોના રોગચાળાના સમયમાં, નર્સો પણ તેમની ભૂમિકા તત્પરતાથી નિભાવી રહી છે અને દર્દીઓની સારી સંભાળ રાખીને વિશ્વમાં એક સ્થાન હાંસલ કરી રહી છે અને આજે આ કોવિડ રોગચાળાના સમયમાં, તેઓ ડોકટરો સાથે ખભે ખભા મિલાવીને સેવા આપી રહી છે. પણ છતાં તેઓ ઘણી સમસ્યાઓ નો સામનો કરી રહી છે.
ઘણી વખતે તેમની પર હુમલાઓ થતા જોવા મળે છે અને તેમના સન્માનને હાની પહોંચે છે એ જ બાબતને ધ્યાને લઈને ડો.ધારા આર. દોશી અને મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ ડો.યોગેશ જોગસણ દ્વારા 810 નર્સની ભૂમિકા ભજવતી અને નર્સિંગ નો અભ્યાસ કરતી મહિલાઓ નો સર્વે કર્યો જેમાં નીચે મુજબની માહિતી પ્રાપ્ત થઈઅનુભવો વર્ણવતા જણાવ્યું કે ઘણી વાર પેશન્ટ ના રીલેટીવ નુ ખરાબ વર્તન, ઘણી વાર પેશન્ટ ની દૂઆ પણ મળે અને ઘણી વાર તેમને સમજાવવા પણ અઘરા પડી જાય. જયારે પેશન્ટ સ્વસ્થ થઈ જાય ત્યારે ખુબ આનંદ આવે પણ જયારે અમારા કાર્યની નોંધ ન લેવાય ત્યારે દુખી થવાય છે, અધિકારી ગણ દ્વારા ક્યારેક કામગીરીમાં સાંભળવું પડે છે અને અપમાન સહન કરવું પડે છે.
દર્દી જ્યારે સારવારથી સારું થઈ જાય ત્યારે ખૂબ જ આત્મસંતોષ લાગણી થાય છે પરંતુ જ્યારે કોઈ કારણસર દર્દીનું મૃત્યુ થાય તેવા સંજોગોમાં દર્દીના સગા દ્વારા કરવામાં આવતા હુમલા તેમજ ગેરવર્તણૂક ખૂબ જ ખરાબ લાગે છે ખાસ કરીને ઘણી જગ્યાએ ડોક્ટરોના કે નર્સોના પ્રોટેક્શન માટે કોઈ ખાસ વ્યવસ્થા નથી તેનાથી ખૂબ જ જોખમી સંજોગો માં કામ કરી રહ્યા હોય તેવો અનુભવ થાય છે.
- શું તમે તમારા કાર્યને કરવામાં ઘણા પડકારોનો સામનો કરો છો? જેમાં 95.2% એ હા જણાવી
- શું તમારે તમારા કાર્ય દરમિયાન હિંસાનો શિકાર બનવું પડે છે? જેમાં 67.7% એ હા જણાવી
- શું કાર્ય સ્થળ પર તમે તમારી જાતને સેઈફ અનુભવો છો? જેમાં માત્ર 37.1% એ હા જણાવી
- ઓવર ટાઇમ વખતે તણાવ કે ચિંતા અનુભવાય છે? જેમાં 90.3% એ હા જણાવી
- શું તમને ડોક્ટર જેટલું મહત્વ મળી રહે છે? જેમાં 91.9% એ ના જણાવી
- શું તમારે ભેદભાવનો સામનો કરવો પડે છે? જેમાં 93.5% એ હા જણાવી
- શું તમે એવું અનુભવો છો કે તમારા યોગદાનની નોંધ ઓછી લેવાય છે? જેમાં 93.5% એ હા જણાવી
- વધુ પડતા કાર્યબોજને કારણે પારિવારિક સમસ્યાઓ થાય છે? જેમાં 91.9% એ હા જણાવી
- કોરોના પછી કાર્યભાર કે તણાવ વધુ અનુભવાય છે? જેમાં 77.4% એ હા જણાવી
- ઈમરજન્સી વખતે પારિવારિક કાર્યો છોડીને જતું રહેવું પડે ત્યારે તણાવ અનુભવાય છે? જેમાં 87.1% એ હા જણાવી
- તમારા કાર્ય પ્રમાણે તમને મહત્વ મળી રહે છે? જેમાં 85.5% એ નાં જણાવી
- કોરોના પછી ક્યારેક તમને નર્સિંગ ફિલ્ડ છોડી દેવાનો વિચાર આવ્યો? જેમાં 59.7% એ હા જણાવી
- તમે આ ફિલ્ડ શા માટે પસંદ કર્યું છે? જેના જવાબમાં 66.1% એ જણાવ્યું કે સેવા સાથે આર્થિક વેતન માટે, 11.3% એ જણાવ્યું કે સેવા માટે, 14.5% એ જણાવ્યું કે નોકરીની તકો માટે અને 8.1% એ જણાવ્યું કે વિદેશ સ્થાઈ થવા માટે આ ફિલ્ડ પસંદ કર્યું
- તમને તમારા પરિવારે આ ફિલ્ડ છોડવા ક્યારેય દબાણ કર્યું છે? જેમાં 83.9% એ ના જણાવ્યું