વર્ષ 2001 થી 2010 દરમિયાન બેંકના એજન્ટે રૂ.3.71 લાખની કરી ઉચાપત
નાના અને મધ્યમવર્ગની ગૃહિણીની બચત ઓળવી ગયો તો
અબતક,સબનમ ચૌહાણ, સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર મર્કન્ટાઈલ કો. ઓપ. બેંક દ્વારા ગૃહલક્ષ્મી રીકરીંગ ડીપોઝીટની સ્કીમ ચાલતી હતી.જેમાં એજન્ટ તરીકે કામ કરતા વ્યકતીએ ડોર-ટુ-ડોર લોકો પાસેથી વર્ષ 2001થી 2010 દરમિયાન રૂપિયા 3,71,803 ઉઘરાવી બેંકમાં જમા ન કર્યાની ફરીયાદ બેંકના મેનેજરે વર્ષ 2010માં નોંધાવી હતી. આ અંગેનો કેસ તાજેતરમાં ચાલી જતા કોર્ટે બેંકના એજન્ટને તકસીરવાન ઠેરવી 3 વર્ષની સજા અને દંડ ફટકાર્યો છે.સુરેન્દ્રનગરમાં હાલમાં રહેલી આદર્શ કો.ઓપ. બેંક પહેલા સુરેન્દ્રનગર મર્કન્ટાઈલ કો. ઓપ. બેંક (સુમકો બેંક) તરીકે ઓળખાતી હતી. ત્યારબાદ સુમકો બેંકનું આદર્શ બેંકમાં મર્જર થયુ હતુ. સુમકો બેંક દ્વારા ગૃહલક્ષ્મી રીકરીંગ યોજના અમલમાં હતી. જેમાં શહેરમાં એજન્ટો નીમવામાં આવ્યા હતા. આ એજન્ટો નાની બચતના ગ્રાહકો બનાવી તેમની પાસેથી ડોર-ટુ-ડોર નાણા લઈ બેંકમાં જમા કરાવતા હતા. આ રીતે એજન્ટ તરીકે શહેરની નવી હાઉસીંગ બોર્ડમાં રહેતા હીંમતલાલ ભીખાલાલ ચૌહાણ કામ કરતા હતા. તેઓએ તા. 24-09-2001 થી 31-01-2010 સુધીમાં લોકો પાસેથી રૂપિયા 3,71,803 ઉઘરાવી બેંકમાં જમા ન કર્યા હોવાની વિગતો બહાર આવી હતી. જેમાં તેમને 37 વ્યકતીઓ પાસેથી નાણા ઉઘરાવ્યા હતા.
સમગ્ર બનાવ બહાર આવતા વર્ષ 2010માં સુમકો બેંકના જીનતાન રોડ પરની બ્રાંચના મેનેજર ચંદ્રેશ જાનીએ સુરેન્દ્રનગર સીટી પોલીસે હિંમતલાલ ભીખાલાલ ચૌહાણ સામે ફરીયાદ નોંધાવી હતી. ત્યારબાદ આ અંગેનો કેસ સુરેન્દ્રનગરની ચીફ જયુડીશીયલ મેજીસ્ટ્રેટની કોર્ટમાં ચાલતો હતો. તાજેતરમાં આ કેસ ચાલી જતા સરકારી વકીલ તુલસીબેન ડામોરની દલીલો, 26 મૌખીક પુરાવા અને 38 દસ્તાવેજી પુરાવાને ધ્યાને લઈ ચીફ જયુડીશીયલ મેજીસ્ટ્રેટ બી.જી.પોપટે આરોપી હિંમતલાલ ભીખાલાલ ચૌહાણને તકસીરવાન ઠેરવ્યા હતા. જેમાં ગ્રાહકો પાસેથી પૈસા લઈ બેંકમાં જમા ન કરાવી છેતરપીંડી કરવા સબબ 3 વર્ષની સજા અને રૂપિયા 5 હજારનો દંડ ફટકારાયો છે. જો તેઓ દંડની રકમ ન ભરે તો વધુ 3 માસની સજાનો પણ ચુકાદામાં ઉલ્લેખ કરાયો છે.