ભાજપના નેતાઓને પોલીસ રક્ષણ આપવાના મુદ્દે રાજકોટ પોલીસ કેમ ચુપ ? રીમાન્ડર લેટર આપ્યા હોવા છતાં કોઈ જ પ્રત્યુતર નહીં ? : મહેશ રાજપૂત
રાજકોટ મહાનગરપાલિકાના વિરોધપક્ષના નેતા ભાનુબેન સોરાણી અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી મહેશભાઈ રાજપુતેએ જણાવ્યું છે કે ગત 11 માર્ચે શહેર પોલીસ કમિશ્નર પાસે માહિતી અધિકાર અધિનિયમ 2005 હેઠળ માહિતી માંગવામાં આવેલી હતી કે,રાજકોટ શહેર પોલીસ દ્વારા કેટલા લોકોને પોલીસ રક્ષણ આપવામાં આવ્યું છે તેઓના નામ, સરનામાં હોદ્દા સહીતની માહિતી આપવી,શહેર પોલીસ દ્વારા કેટલા લોકોને સરકારી ખર્ચે અને સ્વખર્ચે પોલીસ રક્ષણ આપવામાં આવેલ છે.
જેની માહિતી આપવી,વિનુભાઈ ઘવા તેમજ વલ્લભભાઇ દુધાતરાને પોલીસ રક્ષણ કઈ તારીખથી આપવામાં આવેલ છે અને તેઓને કયા કારણસર પોલીસ રક્ષણ આપવામાં આવ્યું છે અને આ પોલીસ રક્ષણ સરકારી ખર્ચે કે સ્વખર્ચે પોલીસ રક્ષણ આપવામાં આવેલ છે જેની માહિતી આપવી. આ ત્રણ મુદ્દાઓની માહિતીની માંગવામાં આવેલ વિગતો 30 દિવસ સુધી ન મળતા વિપક્ષીનેતા ભાનુબેન સોરાણીએ તા.22 એપ્રિલના રોજ રાજકોટ શહેર પોલીસ કમિશ્નર, પોલીસ કમિશ્નર કચેરી, રાજકોટને લેખિત માહિતીની વિગતો ન મળેલ હોય તે અંગે રજૂઆત કરેલ જેમાં માહિતી અંગે આજરોજ સુધી 42 દિવસ થઇ ગયેલ હોવા છતાં આપની કચેરી દ્વારા નિયમાનુસાર અમોને કોઈ જ માહિતીની વિગતો આપવામાં આવેલ નથી અમોએ માંગેલ માહિતીની અરજીની નકલ આ પત્ર સાથે બીડાણ કરેલ છે.
અમોએ માંગેલ માહિતી દિન-7માં આપવામાં નહી આવે તો અમોએ આર.ટી.આઈ. કાયદાની કલમ-19(1) હેઠળ અપીલ કરવાની ફરજ પડશે તેવું ભાનુબેન સોરાણીએ લેખિત રજુઆતમાં જણાવેલ હતું પરંતુ આજે અરજી કર્યાને 56 દિવસ થયા હોવા છતાં કોઈપણ પ્રકારની માહિતીની વિગતો કે પ્રત્યુતર મળેલ ન હોય ત્યારે આ માહિતી શા માટે છુપાવવામાં આવે છે ? શું આ માહિતી આપવાથી પોલીસને તકલીફ પડે તેમ છે ? શા માટે માહિતી છુપાવી રહ્યા છે ? તેવા અનેક સવાલો ઉઠ્યા છે ત્યારે આ માહિતીની વિગતો ન મળવા બાબતે આગામી સોમવારના રોજ કાર્યવાહી કરવામાં આવશે તેવું મહેશભાઈ રાજપુતે અને ભાનુબેન સોરાણીએ જણાવ્યું છે.