રાજ્ય સરકારની સહાયથી GPSC ની તૈયારીમાં મદદ મળશે
નાયબ નિયામક, અનુસૂચિત જાતિ કલ્યાણની કચેરીનાં સહાય વિતરણનો કાર્યક્રમ રાજકોટ કલેકટર કચેરી ખાતે યોજાયો હતો. જેમાં કલેકટર અરૂણ મહેશ બાબુનાં હસ્તે લાભાર્થીઓને રૂ. 13 લાખની સહાયનું વિતરણ કરાયું હતું.
ડો. સવિતાબેન આંબેડકર આંતરજ્ઞાતિય લગ્ન સહાય યોજનાનાં 11 લાભાર્થીઓને રૂ. 11 લાખની તથા કુંવરબાઈનું મામેરું સહાય યોજના અન્વયે 18 લાભાર્થીઓને રૂ. 2 લાખની સહાય ચૂકવવામાં આવી હતી.
જે અન્વયે કલેકટરએ આંતરજ્ઞાતિય લગ્નોનો સમાજમાં પ્રચાર- પ્રસાર થાય અને વધુમાં વધુ ગામડાઓમાં વસતા યુગલો સરકારની આ યોજના પ્રત્યે જાગૃત બને, અને સરકારની યોજના સાથે જોડાય તે અંગેનું માર્ગદર્શન આપ્યું હતું.
આ કાર્યક્રમ અંગે લાભાર્થીઓએ રાજ્ય સરકારનો, અનુસૂચિત જાતિ કલ્યાણનાં નાયબ નિયામકનો તથા કલેકટરનો આભાર માનતા અભિપ્રાયો આપ્યા હતા. આ સંદર્ભે રાજીબહેનએ કહ્યું હતું કે, તેઓ રાજ્ય સરકાર દ્વારા મળેલી સહાય થકી પોતાનો શોખ પૂર્ણ કરવા કિચનની જરૂરી વસ્તુઓ ખરીદીને ઘરેથી જ વેપાર કરવાનો પ્રારંભ કરશે. જ્યારે ડેન્સીબહેન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તેઓ જીપીએસસીની તૈયારી કરતા હતા. જેમાં તેમને નાણાકીય મદદ મળશે. અને વધુ પુસ્તકો ખરીદી અને ક્લાસીસની ફી ભરવામાં આ રકમનો ઉપયોગ કરશે. જ્યારે અમી બહેને રાજ્ય સરકારની ઓનલાઈન સિસ્ટમથી સહાય મેળવવા અંગેના ફોર્મ ભરવાની પ્રક્રિયાની પ્રશંસા કરી હતી.
આ પ્રસંગે અનુસૂચિત જાતિ કલ્યાણનાં નાયબ નિયામક સી. એન. મિશ્રા, યોજનાના લાભાર્થીઓને અને અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.