ચાર શખ્સોએ ધારિયા અને છરીથી હુમલો કરતા મહિલા સહિત ત્રણ ઘવાયા: હત્યા કરી ફરાર ચારેય શખ્સોની શોધખોળ
લીંબડી નજીક આવેલા ચુડા તાલુકાના ભુગુપુર ગામની 11 વર્ષથી ચાલતા જમીનના વિવાદના કારણે એક યુવાનની હત્યા અને તેની પત્ની તેમજ બે બાળકો પર ખૂની હુમલો કરી ચાર શખ્સો ભાગી ગયાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ભુગુપુર ગામના અરવિંદભાઇ માનસંગભાઇ પરમાર અને ખાંડિયાના દિલા ધીરૂભાઇ વચ્ચે 2013થી સર્વે નંબર 181ની જમીન બાબતે વિવાદ ચાલે છે. આ અંગે કોર્ટમાં દાવા પણ કરવામાં આવ્યા છે.દરમિયાન ગઇકાલે અરવિંદભાઇ તેમના પત્ની રમિલાબેન, પુત્ર અમિત પરમાર અને આશિષ પરમાર ખેતરે ડુંગળીના કોથળા ભરી રહ્યા હતા ત્યારે દિલા ધીરૂ, તેની પત્ની, મફા ધુડા અને મોજીદડ ગામના લાલા દેવા નામના શખ્સો છરી અને ધારિયા સાથે ત્યાં ઘસી આવ્યા હતા.
અમારૂ ખેતર ખાલી કરી આપો કહી અરવિંદભાઇ પરમાર પર છરી અને ધારિયાથી ચારેય શખ્સો તુટી પડયા હતા. તેમને બચાવવા રમિલાબેન અને તેમના બે પુત્ર આશિષ અને અમિત વચ્ચે પડતા તેમને પણ છરીથી ગંભીર ઇજા થઇ હતી.
ગંભીર રીતે ઘવાયેલા અરવિંદભાઇ પરમારનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યુ મોત નીપજ્યું હતું. જ્યારે રમિલાબેન, અમિત અને આશિષને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા છે. ચુડા પોલીસે ચારેય સામે હત્યાનો ગુનો નોંધી પીએસઆઇ વાય.બી.રાણા અને બી.જી.પરમાર સહિતના સ્ટાફે તપાસ હાથધરી છે.