ચોમાસાની સિઝનમાં રાજયની જનતાને પીવાનું પુરતુ પાણી પુરુ પાડવા સરકાર કટીબઘ્ધ: સિંચાઇના પાણી અંગે પણ સમીક્ષા
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના અઘ્યક્ષસ્થાને આજે સવારે રાજય સરકારના મંત્રી મંડળની એક મહત્વપૂર્ણ બેઠક મળી હતી. જેમાં રાજયની પાણીની વર્તમાન સ્થિતિ કોરોના અને ખેડૂતોને સિંચાઇ માટે પાણી આપવા સહિતના મુદ્દે વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવી હતી.
દર બુધવારે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલની અઘ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળતી હોય છે આજે સવારે મળેલી કેબિનેટની બેઠકમાં કાળઝાળ ઉનાળામાં રાજયમાં પીવાના પાણીની સમીક્ષા કરવામાં આવી હતી. સૌરાષ્ટ્ર સહિત તમામ ઝોનમાં પાણીની તંગી છે જળાશયો ખાલીખમ થવા માંડયા છે. આવામાં ચોમાસા સુધી તમામ જીલ્લામાં છેવાડાના ગામડાઓ સુધી પીવાનું પાણી પહોચાડવા, રાજયમાં કોરોનાની સંભવિત ચોથી લહેરને ઉગતી ડામી દેવા અંગે ચર્ચાઓ કરવામ)ં આવી હતી. કૃષિ મંત્રી રાઘવજીભાઇ પટેલે રાજયમાં કૃષિ ક્ષેત્રની વિસ્તૃત માહીતી કેબિનેટ બેઠકમાં રજુ કરી હતી અને સિંચાઇની પાણીની કેટલી આવશ્યકતા છે તેનો રિપોર્ટ આપ્યો હતો.
ગુજરાત વિધાનસભાની ચુંટણી નજીક આવી રહી છે ત્યારે રાજયમાં હાલ ચાલતા વિવિધ વિકાસ કામો સમયમર્યાદામાં પુરા થાય અને બજેટમાં મુકવામાં આવેલા પ્રોજેકટ ઝડપથી શરુ થાય તે અંગે પણ ચર્ચા કરવામાં આવી હોવાનું જાવણા મળી રહ્યું છે.