ખ્યાતનામ લોકકલાકારો અભેસિંહ રાઠોડ, રાધાબેન વ્યાસ, સંગીતકાર પંકજ ભટ્ટ તથા હાસ્યકાર હરિસિંહ સોલંકીએ રમઝટ બોલાવી
આઝાદીની લડત વેળાએ 28 એપ્રિલ 1930ના રોજ ધંધુકા સ્થિત તે સમયનો ડાક બંગલા અને હાલ જિલ્લા પંચાયતનાં રેસ્ટ-હાઉસ ખાતે ઊભી કરાયેલ વિશેષ અદાલતમાં રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીએ સિંધુડોમાંથી દર્દભર્યું કાવ્ય છેલ્લી પ્રાર્થના ગાયું ને મેજિસ્ટ્રેટ ઈસાણી સમેત સહુની આંખો આંસુભીની થઈ ગઈ હતી. તે વખતની સ્વાતંત્ર્ય-સંગ્રામની લડત પર આ પ્રસંગનો ખાસ્સો પ્રભાવ પડ્યો હતો.
આઝાદી કા અમૃત મહોત્સવ તથા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 125મી જન્મજયંતી વર્ષ અંતર્ગત શૌર્યભૂમિ ધંધુકા સ્થિત જિલ્લા પંચાયતનાં ઐતિહાસિક રેસ્ટ-હાઉસ ખાતે મેઘાણી વંદના (કસુંબલ લોકડાયરો)નું ભવ્ય આયોજન થયું હતું. ગુજરાતના ખ્યાતનામ લોકગાયક અભેસિંહ રાઠોડ અને રાધાબેન વ્યાસએ ઝવેરચંદ મેઘાણી રચિત-સંશોધિત-સંપાદિત ગીતો-લોકગીતો-ભજનોની રમઝટ બોલાવી હતી.
હાસ્યકાર હરિસિંહ સોલંકીએ, પોતાની આગવી શૈલીમાં, રસપ્રદ વાતો કહી હતી. જાણીતા સંગીતકાર પંકજ ભટ્ટનું સૂરીલું સંગીત-નિયોજન હતું. વિશ્વભરમાં વસતાં 20 લાખથી વધુ ભાવિકોએ આ કાર્યક્ર્મનું ઈન્ટરનેટ ૂૂૂ.યયદયક્ષતિં.દિં/ળયલવફક્ષશ પર જીવંત પ્રસારણ માણ્યું હતું. નવી પેઢી આપણાં ગૌરવવંતા સાહિત્ય-સંગીત-સંસ્કૃતિની મહામૂલી વિરાસતથી પરિચિત-પ્રેરિત થાય તેમજ રાષ્ટ્રભાવના-દેશપ્રેમ જાગૃત થાય તે આશયથી રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગુજરાત રાજ્ય તેમજ કમિશ્રર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગર ઉપક્રમે અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર અને ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન દ્વારા આ પ્રેરક આયોજન થયું હતું.