- સોમવારે બપોર બાદ અમરેલીના ખાંભામાં 11 મીમી કમૌસમી વરસાદ પડતા ગરમીમાં તો રાહત મળી પરંતુ ખેડૂતોની ચિંતામાં વધારો થયો
- 4 મે એ દરિયામાં દક્ષિણ દિશામાં સાયક્લોનિક સરર્ક્યુલેશન સર્જાશે તેની આસપાસના વિસ્તારોમાં લો-પ્રેશર બનશે જે માત્ર 24 કલાકમાં જ આગળ વધશે અને ત્યારબાદ રાજ્યમાં પ્રિ-મોન્સૂન એક્ટિવીટીનો પ્રારંભ થશે
રાજ્ય સહિત દેશભરમાં અસહ્ય ગરમી પડી રહી છે ત્યારે મે મહિનાનો પ્રારંભ થઇ ગયો છે. ગરમીનું પ્રમાણ યથાવત જ છે. જો કે, હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 10 દિવસની અંદર ગુજરાતમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી શરૂ થઇ જશે. જો કે, ચોમાસાની તારીખમાં કોઇ ફેરફાર નહી થાય ચોમાસું રાજ્યમાં રાબેતા મુજબ જ શરૂ થશે તેમ જાણવા મળી રહ્યું છે. હાલમાં દક્ષિણ-પશ્ર્ચિમ દિશાના પવન ફૂંકાઇ રહ્યા છે. અરબી સમુદ્રમાંથી ફૂંકાતા પવનને કારણે ભેજનું પ્રમાણ ઘણું ઉંધુ નોંધાઇ રહ્યું છે. પ્રિ-મોન્સૂન એક્ટિવીટીની વાત કરીએ તો 1લી મેં એ અંદમાન-નિકોબારમાં ચોમાસાનો વિધિવત રીતે પ્રારંભ થતો હોય છે ત્યારબાદ 20 થી 21 મેં દરમિયાન અંદમાન-નિકોબારમાં નૈઋત્વનું ચોમાસુ બેસી જતું હોય છે અને ત્યારબાદ સાઉથ-વેસ્ટની પેટર્ન બદલાઇ છે અને વાદળાઓ બંધાવાનું શરૂ થાય છે. 1લી જૂન દરમિયાન કેરળમાં ચોમાસુ વિધિવત રીતે પહોંચે છે અને 15 જૂન બાદ ગુજરાતમાં ચોમાસાનો વિધિવત રીતે પ્રારંભ થાય છે.
દેશના ઘણા રાજ્યોમાં 4 મેં પછી ગરમીમાં ફેરફાર થશે અને ઘણા રાજ્યોએ ગરમી સહન કરવી પડશે. હવામાનની પેટર્ન અને પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તર રાજસ્થાન અને ઉત્તર પ્રદેશના પશ્ર્ચિમ ભાગોમાં ચોમાસા પૂર્વેની ગતિવિધીઓ જોવા મળશે. જે દરમિયાન વાવાઝોડાની પણ શક્યતા છે. દિલ્હી, પંજાબ, હરિયાણા, એમ.પી. રાજસ્થાન, ગુજરાત, બંગાળ અને ઓડિસ્સામાં આગ વરસી રહી છે અને આવનારા દિવસોમાં પણ સીટી એવી જ રહેવાની છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ આ સમયે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ સક્રિય છે ત્યારે બે દિવસ બાદ કેરળ, કર્ણાટક, તમિલનાડુ અને આંધ્રપ્રદેશમાં હળવા વરસાદની શક્યતા છે. જ્યારે પૂર્વીય રાજ્યોમાં ઝરમર વરસાદ ચાલુ રહેશે. ગત વર્ષે મે માસમાં પ્રથમ અઠવાડીયામાં કેરળમાં પ્રિ-મોન્સૂન એક્ટિવીટીની શરૂઆત થઇ ગઇ હતી.
આ વર્ષે પણ આ સમયગાળા દરમિયાન જ પ્રિ-મોન્સૂન શરૂ થશે એવા એંધાણ છે.
ગત વર્ષની સરખામણીએ આ વર્ષે વરસાદ સારો થશે તેવું હવામાન વિભાગે જણાવ્યું હતું. અંદમાન-નિકોબારમાં ઉભી થનારી સાયક્લોનિક સિસ્ટમને કારણે અંદમાન-નિકોબાર ઉપરાંત પશ્ર્ચિમ બંગાળ, ઉત્તરાખંડ, ઝારખંડ, ઓડિસ્સા, છતીસગઢ, તેલંગાણા અને તમિલનાડુ સહિતના રાજ્યોમાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.
ગુજરાતમાં પણ અઠવાડીયાની અંદર પ્રિ-મોન્સૂન એક્ટિવીટીનો પ્રારંભ થશે. જેને લઇને ઘણા ખરા વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે. સાઉથ પેટર્ન જેમ-જેમ ચેન્જ થશે, તેમ-તેમ વાદળો બંધાવવાનું શરૂ થશે અને ત્યારબાદ ખબર પડશે કે ગુજરાતમાં ચોમાસાની સ્થિતિ કેવી રહેશે.
કાળઝાળ ગરમી વચ્ચે અમરેલી પંથકમાં કરા સાથે કમૌસમી વરસાદ
ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે અમરેલી જિલ્લાના વાતાવરણમાં ગઇકાલે બપોર બાદ પલટો આવ્યો હતો. વૈશાખ મહિનામાં અષાઢી માહોલ દેખાયો હતો એટલે કે પ્રિ-મોન્સૂન એક્ટિવીટી થોડા ઘણા અંશે શરૂ થઇ ગઇ છે. 10 દિવસ બાદ ગુજરાતમાં વિધિવત રીતે પ્રિ-મોન્સૂન એક્ટિવીટીનો પ્રારંભ થશે. અમરેલી જિલ્લાના ખાંભા, સાવર કુંડલા અને રાજુલાના ગ્રામ્ય વિસ્તારોમાં ગઇકાલે ભારે પવન સાથે કમૌસમી વરસાદ વરસતા રસ્તા ઉપર પાણી વહેતા થયા એટલું જ નહિં પરંતુ જોરદાર પવન ફૂંકાવાને કારણે પતરા ઉડ્યા હોય તેવા દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. ખાંભા પંથકમાં તો વરસાદની સાથે કરા પણ પડ્યા હતા. વરસાદને કારણે લોકોમાં ગરમીથી રાહત તો મળી છે પરંતુ ખેડૂતોની ચિંતામાં વધારો થયો હતો. આગામી અઠવાડીયામાં પ્રિ-મોન્સૂન એક્ટિવીટી શરૂ થશે. જેને લઇને ગરમી તો ઘટશે પરંતુ બફારો વધશે. ઉલ્લેખનીય છે કે અમરેલીના ખાંભામાં 11 મીલી મીટર વરસાદ પડ્યો હતો.