બે દિવસમાં કોરોનાના પાંચ કેસ: રૈયારોડ પર ટોપલેન્ડ રેસીડેન્સીમાં ત્રણ અને નંદભૂમી રેસીડેન્સીમાં એક સંક્રમિત
રાજકોટમાં ફરી કોરોનાએ ટેન્શન વધાર્યું છે. ગઈકાલે એકજ દિવસમાં કોરોનાના નવા ચાર કેસ નોંધાતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી જવા પામી છે. બે દિવસમાં શહેરમાં કોરોનાના નવા પાંચ કેસો મળી આવતા શહેરીજનોમાં પણ ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. હવે ફરી સાવચેત થઈ જવાની જરૂરત દેખાય રહી છે.
રાજયમાં સોમવારે કોરોનાના નવા 16 કેસ નોંધાયા હતા જેમાં અમદાવાદમાં સૌથી વધુ પાંચ કેસ જયારે રાજકોટમાં ચાર કેસ નોંધાયા છે. શહેરના રૈયારોડ પર ટોપલેન્ડ સોસાયટીમાં એક યુવાન, વૃધ્ધ અને વૃધ્ધા કોરોનાના સંક્રજામાં સપડાયા છે. જયારે નંદભૂમી રેસીડેન્સીમાં એક યુવાન કોરોનાથી સંક્રમિત થયા છે. મહિનાઓ બાદ શહેરમાં એક જ દિવસમાં કોરોનાના ચાર કેસ મળી આવતા કોર્પોરેશનની આરોગ્ય શાખાની ટીમ સ્થળ પર દોડી ગઈ હતી. દર્દીઓને હોમ કવોરેન્ટાઈન કરવા સહિતની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી હાલ શહેરમાં કોરોનાના કુલ છ એકિટવ કેસ છે. અત્યાર સુધીમાં શહેરમાં 63700 લોકો કોરોનાથી સંક્રમીત થઈ ચૂકયા છે.