રાજ્ય સરકારના આદેશ બાદ સમ્રાટ ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં બિલશન બિવરેજીસ અને વૈદ્યવાડીમાં બીસ્વીન બિવરેજીસમાં કોર્પોરેશનના દરોડા: બીઆઇએસ લાઇસન્સ વિના અને લેબોરેટરી પરિક્ષણ વિના મિનરલ વોટરનું ઉત્પાદન કરવામાં આવતું હોવાનો ઘટસ્ફોટ: બિલશનનું ઉત્પાદન બંધ કરાવાયુ, બીસ્વીનને નોટિસ
મિનરલ વોટર ગટગટાવી પોતે શુદ્વ પાણી પી રહ્યા હોવાનો સંતોષ માનતા લોકો માટે ચેતી જવા સમાન કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. રાજ્ય સરકારના ફૂડ વિભાગના આદેશ અન્વયે આજે કોર્પોરેશન દ્વારા બીઆઇએસનું લાઇસન્સ ધરાવતા પેકેજ્ડ ડ્રિંકીંગ વોટર પ્લાન્ટમાં દરોડો પાડવામાં આવ્યો હતો. જેમાં શહેરના સમ્રાટ ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં બિલશન બિવરેજીસ દ્વારા લાઇસન્સની મુદ્ત પૂર્ણ થઇ ગઇ હોવા છતાં મિનરલ વોટરનું ઉત્પાદન કરવામાં આવતું હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.
તાત્કાલીક અસરથી ઉત્પાદન બંધ કરી દેવામાં આવ્યું છે અને ડ્રિન્કીંગ વોટરના સેમ્પલ લઇ પરિક્ષણ અર્થે લેબોરેટરીમાં આવ્યા હતા. જ્યારે મવડી પ્લોટમાં વેદવાડી વિસ્તારમાં બીસ્વીન બિવરેજીસને નોટિસ ફટકારવામાં આવી હતી અને મિનરલ વોટરના નમૂના લઇ પરિક્ષણ અર્થે મોકવામાં આવ્યા છે.
આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ આજે કોર્પોરેશનની આરોગ્ય શાખા દ્વારા રાજ્ય સરકારના આદેશના બાદ શહેરમાં બે સ્થળોએ મિનરલ વોટરના પ્લાન્ટમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. સમ્રાટ ઇન્ડસ્ટ્રીઝમાં બિલશન બિવરેજીસમાં 200 એમ.એલ, 500 એમ.એલ. અને એક લીટરનું મિનરલ વોટરનું ઉત્પાદન કરવામાં આવે છે. અહીં ચેકીંગ દરમિયાન એવું ધ્યાનમાં આવ્યુ હતું કે ગત 6 એપ્રીલે બીઆઇએસ લાઇસન્સની મુદ્ત પૂર્ણ થઇ ગઇ હોવા છતાં ઉત્પાદન ન કરવાનો આદેશ અપાયો હતો. છતાં કંપની દ્વારા ગેરકાયદે પાણીનું ઉત્પાદન કરવામાં આવતું હતું. સાથોસાથ બોટલ પર પણ ખોટી તારીખ લખવામાં આવતી હતી.
કોઇ રેકોર્ડ પણ નિભાવવામાં આવતો ન હતો. નિયમ મુજબ પાણીની બોટલનું ઉત્પાદન દરમિયાન લેબ ટેકનિશિયનની હાજરી ફરજીયાત છે અને દરેક બેન્ચનું ટેસ્ટીંગ કરી તેનો રિપોર્ટનો રેકોર્ડ રાખવો પડે છે. કં5ની દ્વારા લેબ ટેક્નિશિયનને હાજર રાખવામાં આવતો ન હતો અને પાણીની બોટલ અને ઢાંકણામાં વપરાતા પ્લાસ્ટિકના વિગતો ઉપલબ્ધ ન હતી. સ્થળ પર એફએસએસઆઇના શિડ્યુલ-4 તથા હાઇજેનીંગ કન્ડિશનનો ભંગ થતો હતો. ડ્રિકીંગ વોટરનું ફૂડ લાઇસન્સ હોવા છતાં અન્ય બ્રાન્ડના સોફ્ટ ડ્રિન્કનો જથ્થો સાથે રાખી વેંચાણ કરવામાં આવતું હતું. લેબલ પર એડેડ મિનરલ પણ દર્શાવવામાં આવતા ન હતા. તમામ ક્ષતિઓ ધ્યાનમાં આવતા જ્યાં સુધી બીઆઇએસ લાઇસન્સ ચાલુ ન થાય ત્યાં સુધી ઉત્પાદન સ્થગિત કરવામાં આવ્યું હતું. નોટિસ ફટકારવામાં આવી હતી તથા મિનરલ વોટરના નમૂના લઇ પરિક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકવામાં આવ્યા છે.
આ ઉપરાંત મવડી પ્લોટમાં વેદવાડી વિસ્તારમાં બીસ્વીન બિવરેજીસમાં પણ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં પણ સ્થળ પર બીઆઇએસની લાઇસન્સોની શરતોનું પાલન કરવામાં ન આવતું હોવાનું ખૂલ્યું હતું. સ્થળ પર ઉત્પાદન સમયે લેબ ટેકનિશિયનની હાજરી તથા પરિક્ષણ પણ કરવામાં આવતું ન હતું. લેબોરેટરીમાં પણ બંધ હાલતમાં હતું. દરેક બેંચના પાણીના પરિક્ષણના રેકોર્ડની જાળવણી કરવામાં ન આવતી હતી. અન્ય બ્રાન્ડના સોફ્ટ ડ્રીન્ક વેચવામાં આવતા હતા જેનું લાઇસન્સ ન હતું. આજે ચેકીંગ દરમિયાન કં5નીને નોટિસ ફટકારવામાં આવી હતી અને બીસ્વીન બ્રાન્ડ મિનરલ વોટરના બોટલના નમૂના લેવામાં આવ્યા હતા.