ખાતરના ભાવમાં થયેલો અસહ્ય ભાવવધારો ખેડૂતોને નહિ નડે
- ડીએપીની એક બેગ દીઠ અપાતી 1650 રૂપિયાની સબસિડી વધારી 2501 રૂ. કરવાનો નિર્ણય, હવે ડીએપીની એક બેગ 1350 રૂપિયાના ભાવે જ મળવાનું ચાલુ રહેશે
- સબસિડીના દરો 1 એપ્રિલથી લાગુ માનવામાં આવશે, સપ્ટેમ્બર સુધી અમલમાં રહેશે : દેશના 15 કરોડ ખેડૂતોને થશે ફાયદો
આંતરરાષ્ટ્રીય સ્તરે ખાતરની મોંઘવારીથી ઘરેલું ખેડૂતોને બચાવવા માટે સરકારે 60 હજાર કરોડ રૂપિયાથી વધુની ખાતર સબસિડીની જાહેરાત કરી છે. વર્તમાન ખરીફ સિઝનના સંદર્ભમાં આ સબસિડી માત્ર એપ્રિલથી સપ્ટેમ્બર એટલે કે છ મહિના માટે છે. ગત નાણાકીય વર્ષ માટે ખાતર સબસિડી 57 હજાર કરોડ રૂપિયા હતી. આ જંગી સબસિડીનો ઉપયોગ ડી એમોનિયમ ફોસ્ફેટ એટલે કે ડીએપી સહિત અન્ય ફોસ્ફેટિક અને પોટેશિયમ ખાતરોની વધેલી કિંમતોને દૂર કરવા માટે કરવામાં આવશે.
સબસિડીના દરો 1 એપ્રિલથી લાગુ માનવામાં આવશે. બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ વર્તમાન ખરીફ સિઝન માટે ખાતર સબસિડી માટેની દરખાસ્તોને મંજૂરી આપી હતી. પ્રથમ છ મહિનામાં કુલ સબસિડી રૂ. 60,939.23 કરોડ હશે. આગામી રવી સિઝન માટે સબસિડી પછીથી જાહેર કરવામાં આવી શકે છે.
સરકારે ખેડૂતો માટે તેમના ખેતરોની ફળદ્રુપતા અને પાકની ઉત્પાદકતા વધારવા માટે એક મોટું પગલું ભર્યું છે. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે કેબિનેટના નિર્ણયોની જાણકારી આપી. તેમણે કહ્યું કે સરકાર ખેડૂતોના હિત માટે પ્રતિબદ્ધ છે. કેન્દ્ર સરકારે ડીએપીની એક બેગ દીઠ આપવામાં આવતી 1650 રૂપિયાની સબસિડી વધારી 2501 રૂપિયા કરવાનો નિર્ણય લીધો છે. જેના કારણે ખેડૂતોને ડીએપીની એક બેગ 1350 રૂપિયાના ભાવે જ મળવાનું ચાલુ રહેશે. હાલમાં ડીએપીની એક બેગનો બજાર ભાવ 3851 રૂપિયા છે.
માહિતી અને પ્રસારણ મંત્રી ઠાકુરે આંતરરાષ્ટ્રીય સ્તરે ખાતરના ભાવની વિગતો આપતાં જણાવ્યું હતું કે આ પ્રતિકૂળ સંજોગો વચ્ચે પણ સરકાર ખેડૂતો પર કોઈપણ સંજોગોમાં બોજ પડવા દેશે નહીં. ન્યુટ્રિઅન્ટ આધારિત સબસિડી સ્કીમ એપ્રિલ 2010માં શરૂ કરવામાં આવી હતી. આ અંતર્ગત નાઈટ્રોજન, ફોસ્ફેટ અને પોટેશિયમ પર પ્રતિ કિલોના આધારે સબસિડીની જોગવાઈ કરવામાં આવી છે.
ક્વાર હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટ માટે 4,526 કરોડના રોકાણમાં પ્રસ્તાવને મંજૂરી
આ સાથે કેન્દ્રીય કેબિનેટે જમ્મુ અને કાશ્મીરમાં 540 મેગાવોટ કવાર હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટના નિર્માણ માટે 4,526.12 કરોડ રૂપિયાના રોકાણ પ્રસ્તાવને મંજૂરી આપી છે. કેબિનેટના નિર્ણયો વિશે માહિતી આપતા કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે કેબિનેટે રૂ. 4,526.12 કરોડના ખર્ચે 540 મેગાવોટના ક્વાર હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટના નિર્માણને મંજૂરી આપી છે. આ પ્રોજેક્ટ 54 મહિનામાં શરૂ કરવામાં આવશે. કિશ્તવાડ જિલ્લામાં ચેનાબ નદી પર 540 મેગાવોટનો ક્વાર હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટ બનાવવામાં આવશે.
નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં ઈન્ટરનેટ સુવિધા વધારવા 2426 કરોડ મંજુર
કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે માહિતી આપી છે કે નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં બહેતર ઇન્ટરનેટ અને ડેટા સેવાઓને બહેતર બનાવવા માટે 2જી મોબાઇલ સેવાઓને 4જીમાં અપગ્રેડ કરવામાં આવશે. આ માટે યુનિવર્સલ સર્વિસ ઓબ્લિગેશન ફંડ પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે. તેના માટે રૂ. 2,426.39 કરોડનો ખર્ચ થશે. 4જીમાં રૂપાંતરિત થનારા તમામ 2જી ટાવર નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં છે. આમાં ભારતમાં બનેલા 4જી કોર નેટવર્ક, રેડિયો નેટવર્ક અને ટેલિકોમ નેટવર્કનો ઉપયોગ કરવામાં આવશે. આ તમામ ટાવર ભારત સંચાર નિગમ લિમિટેડ એટલે કે બીએસએનએલ દ્વારા અપગ્રેડ અને સંચાલિત કરવામાં આવશે.
પીએમ સ્વાનિધિ યોજના 2024 સુધી લંબાવવામાં આવી
કેબિનેટે શેરી વિક્રેતાઓ માટે પ્રધાનમંત્રી સ્ટ્રીટ વેન્ડર સેલ્ફ-રિલાયન્ટ ફંડ યોજનાને ડિસેમ્બર 2024 સુધી લંબાવવાની પણ મંજૂરી આપી છે. આ યોજના હેઠળ, શેરી વિક્રેતાઓને કોઈપણ ગેરેંટી વિના લોન આપવામાં આવે છે. આ યોજનાની રકમ પણ વધારીને રૂ.8,100 કરોડ કરવામાં આવી છે.