આજી રિવરફ્રન્ટ અને રામનાથ મહાદેવ મંદિર ડેવલપમેન્ટ પ્રોજેક્ટ માટે રૂ.187 કરોડ અને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ માટે રૂ.10 કરોડની માંગણી
કોર્પોરેશનની આર્થિક સ્થિતિ એવી નથી રહી કે કોઇપણ મોટા પ્રોજેક્ટ સ્વબળે સાકાર કરી શકે. શહેરના મહત્વકાંક્ષી એવા ત્રણ પ્રોજેક્ટ માટે કોર્પોરેશન દ્વારા રાજ્ય સરકાર સમક્ષ 197 કરોડની માંગણી કરવામાં આવી છે. મુખ્યમંત્રીનો અભિગમ ચોક્કસ હકારાત્મક છે.
પરંતુ જો એક જ મહાપાલિકાને આટલી મોટી રકમની ફાળવણી કરી દેવામાં આવે તો રાજ્યની અન્ય સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ વિકાસકામો માટે મસમોટી રકમની માંગણી કરે, આવામાં રાજકોટને મોંઢે માંગી રકમ મળશે કે કેમ તેની સામે પણ અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે.
મેયર ડો.પ્રદિપ ડવ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઇ પટેલ, મ્યુનિ.કમિશનર અમિત અરોરા અને શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મિરાણી ગઇકાલે સાંજે રાજકોટ પૂર્વ વિધાનસભા બેઠકના ધારાસભ્ય અને રાજ્ય સરકારના મંત્રી અરવિંદભાઇ રૈયાણીને સાથે રાખી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ અને ગૃહ તથા રમત ગમત વિભાગના મંત્રી હર્ષ સંઘવીને મળ્યા હતા.
આ બેઠકમાં તેઓએ રાજકોટના મહત્વકાંક્ષી એવા આજી રિવરફ્રન્ટ પ્રોજેક્ટના પ્રથમ તબક્કાના 1.25 કિલોમીટરના કામ માટે તથા રામનાથ મહાદેવ મંદિર ડેવલપમેન્ટ પ્રોજેક્ટ માટે 187 કરોડની માંગણી કરી હતી. જ્યારે વોર્ડ નં.12માં નિર્માણ પામનાર સ્પોર્ટસ કોમ્પ્લેક્સ માટે પણ રૂ.10 કરોડની માંગણી કરવામાં આવી હતી. સરકાર સમક્ષ કુલ ત્રણ પ્રોજેક્ટ માટે 197 કરોડની માંગણી કરવામાં આવી છે. મુખ્યમંત્રીએ પણ જેમ-જેમ પ્રોજેક્ટનું કામ આગળ વધશે તેમ-તેમ નાણાની ફાળવણી કરવામાં આવશે તેવી હૈયાધારણા ચોક્કસ આપી છે.