વિકાસની હરણફાળને પહોંચી વળવા પાવરે ‘પાવર’ બતાવ્યો
માર્ચ મહિનામાં જ વીજળીની માંગ 8.9 ટકા વધી: મે-જૂન સુધીમાં દૈનિક પાવર વપરાશ 215-220 ગીગાવોટ સુધી પહોંચીને રેકોર્ડ તોડે તેવી શકયતા
વિકાસનો હરણફાળને પહોંચી વળવા પાવરે “પાવર” બતાવ્યો છે. ગરમી સાથે ઇન્ડસ્ટ્રીઝની જરૂરિયાત પણ વધતા વીજ વપરાશ એક જ દિવસમાં 210 ગીગાવોટના રેકોર્ડ સ્તરે પહોંચ્યો છે. માર્ચ મહિનામાં જ વીજળીની માંગ 8.9 ટકા વધી છે. મે-જૂન સુધીમાં દૈનિક પાવર વપરાશ 215-220 ગીગાવોટ સુધી પહોંચીને રેકોર્ડ તોડે તેવી શકયતા સેવાઈ રહી છે.
ઉત્તર ભારતથી માંડીને મહારાષ્ટ્ર-તેલંગાણા સુધીની કાળઝાળ ગરમીને કારણે ઘણા રાજ્યો વીજળી સંકટનો સામનો કરી રહ્યા છે અને આ દરમિયાન વીજળીની માંગ રેકોર્ડ સ્તરે પહોંચી ગઈ છે. ઉર્જા મંત્રાલયે મંગળવારે આ માહિતી આપી. મંત્રાલયે કહ્યું કે 26 એપ્રિલ 2022ના રોજ દેશભરમાં વીજ માંગ 201 ગીગાવોટ પર પહોંચી ગઈ. સરકાર અને અન્ય સંબંધિત પક્ષો વીજળીની આ વધતી માંગને પહોંચી વળવા માટે તમામ મોરચે સતત કામ કરી રહ્યા છે. મંત્રાલયનું કહેવું છે કે સમગ્ર દેશમાં વીજળીની મહત્તમ માંગ 2.51 વાગ્યા સુધી 201.66 ગીગાવોટ સુધી પહોંચી હતી. આ ગયા વર્ષે 7 જુલાઈ 2021ના રોજ 200.539 ગીગા વોટની અગાઉની મહત્તમ માંગને વટાવી ગઈ છે.
એવું કહેવામાં આવી રહ્યું છે કે દેશમાં આર્થિક વિકાસ અને વધી રહેલા ઔદ્યોગિક ઉત્પાદનને કારણે વીજળીનો વધતો વપરાશ જોવા મળી રહ્યો છે. આ વર્ષે માર્ચમાં જ વીજળીની માંગ લગભગ 8.9 ટકા વધી છે. મે-જૂન સુધીમાં, પાવર વપરાશ 215-220 ગીગાવોટ સુધી પહોંચી શકે છે. સરકાર અને વીજ ઉત્પાદન સાથે સંકળાયેલા અન્ય પક્ષો વીજ પુરવઠો સુનિશ્ચિત કરવામાં રોકાયેલા છે અને આ માટે વિવિધ મોરચે કામ કરી રહ્યા છે. આ સાથે વર્તમાન સંસાધનોના વધુ સારા ઉપયોગ પર પણ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે દેશના ઘણા મોટા પાવર પ્લાન્ટ્સમાં કોલસાનું સંકટ વધી રહ્યું છે.
સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી ઓથોરિટીના અહેવાલ મુજબ, 24 એપ્રિલ, 2022 સુધી, દેશના લગભગ 33% થર્મલ પાવર પ્લાન્ટમાં 10% અથવા તેનાથી ઓછો કોલસો બચ્યો હતો. દેશના ઘણા ભાગોમાં માંગમાં આ વધારાને કારણે વીજ પુરવઠા પર ખરાબ અસર પડી રહી છે. વાસ્તવમાં, દેશમાં વીજળીનો વપરાશ વધી રહ્યો છે, પરંતુ કોલસાના પુરવઠામાં અડચણોને કારણે વીજળીના ઉત્પાદનમાં અવરોધ આવી રહ્યો છે.
ડેઇલી કોલ સ્ટોક રિપોર્ટ અનુસાર, 24 એપ્રિલ 2022ના રોજ, દેશના 165 મોટા થર્મલ પાવર પ્લાન્ટમાંથી, 24 થર્મલ પાવર પ્લાન્ટમાં સામાન્ય સ્ટોકની સામે 0% થી 5% ની રેન્જમાં કોલસાનો સ્ટોક બાકી હતો. જ્યારે 30 થર્મલ પાવર પ્લાન્ટમાં 6% થી 10% સુધીના સામાન્ય સ્ટોક સામે કોલસાનો સ્ટોક બાકી હતો. એટલે કે, દેશના 165 મોટા થર્મલ પાવર પ્લાન્ટમાંથી, 54 એટલે કે 32.72% પાસે 10% કે તેથી ઓછો કોલસો બચ્યો હતો.