વડનગર નજીક અવકાશી વૈદ્યશાળાનું થશે નિર્માણ
ધરોઈ ડેમ નજીક અનેક સુવિધાથી સજ્જ 142 મિટર ઊંચો ટાવર બનાવાશે, ત્યાંથી અવકાશી નજારો માણવા મળશે : ડેમના આઇલેન્ડને પણ વિકસાવાશે: રાજ્ય સરકારે પ્રોજેક્ટ કેન્દ્રમાં મોકલ્યો, મંજૂરી મળતા જ કામ શરૂ થશે: પ્રોજેક્ટ 3 વર્ષમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક
નર્મદા ડેમ નજીક વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટી બાદ આધુનિક દુનિયાની વધુ એક વર્લ્ડક્લાસ અજાયબી ઉત્તર ગુજરાતમાં ધરોઈ ડેમ પાસે આકાર લેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સૂચન બાદ ગુજરાત સરકારે ધરોઈ ખાતે અવકાશ વેધશાળા ઉભી કરવાનો વિસ્તૃત પ્લાન તૈયાર કર્યો છે. આ વેધશાળા ગ્રહનક્ષત્રો તથા હવામાનમાં પરિવર્તનોનું નિરીક્ષણ કરવા માટેની ઇમારત હશે. જે એક ટુરીસ્ટ પ્લેસ પણ બનશે. ધરોઈ વડાપ્રધાન મોદીના વતન વડનગરથી થોડા કિલોમીટર દૂર આવેલું છે. જેથી વડાપ્રધાન માટે આ પ્રોજેક્ટ મહત્વપૂર્ણ છે.
આ પ્રોજેક્ટના પ્રસ્તાવને મંજૂરી માટે વડાપ્રધાન કાર્યાલયમાં મોકલવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ પાછળ અંદાજિત 1,041 કરોડ રૂપિયા ખર્ચાશે અને ત્રણ વર્ષમાં નિર્માણ કાર્ય પૂરું થશે. ગુજરાત સરકારે ધરોઈ ડેમ અને તેની આસપાસના વિસ્તારના વિકાસ માટે ’વલ્ર્ડક્લાસ સસ્ટેઈનેબલ ટૂરિઝમ/પિલગ્રીમેજ’ પ્રોજેક્ટને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. ધરોઈ ડેમ પ્રોજેક્ટની સાથે વડનગર હેરિટેજ અને કલ્ચરલ ટુરિઝમ, અંબાજી યાત્રાધામના પ્રવાસનને વેગ મળે તે માટે ટુરિઝમ સર્કીટ તૈયાર કરાશે. જેનો લાભ રાજ્ય ઉપરાંત દેશ અને વિદેશના પ્રવાસીઓ લઈ શકશે.
ધરોઈમાં બનનારો 140 મીટર ઊંચાઈનો ટાવર ભારતની સૌથી ઊંચી અવકાશ વેધશાળા હશે. અહીં ટેલિસ્કોપ ગેલેરી, વ્યૂઈંગ પોઈન્ટ અને ખગોળશાસ્ત્રીય વેધશાળા હશે. ઉપરાંત ટાવરમાં ઓપન ડેક હશે જ્યાંથી નરી આંખે આકાશને નિહાળી શકાશે. સાથે જ ટાવરના ટોપ એન્ડમાં અડધો ઢાંકેલી બેઠક વ્યવસ્થા હશે અને આ જ પ્રકારનો અર્થઘટન ઝોન તૈયાર કરાશે.
આ પ્રોજેક્ટમાં વિઝિટર સેન્ટર, ઍમ્ફિથિએટર, લેસર શો, વોટર સ્પોર્ટ્સ ઝોન, આઈલેન્ડ એડવેન્ચર ઝોન સહિતની એક્ટિવિટીનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ઐતિહાસિક ધરોઈ ડેમ પ્રોજેક્ટમાં અવકાશ વેધશાળા ઉપરાંત લેસર શો સાથેનું ઍમ્ફિથિએટર, વોટર સ્પોર્ટ્સ ઝોન, આઈલેન્ડ એડવેન્ચર ઝોન, વેલનેસ અને નેચરોપથી સેન્ટર, પોલો ક્લબ, રિસોર્ટ અને ઈવેન્ટ ગ્રાઉન્ડ સાથેનું ક્ધવેન્શન સેન્ટર પણ હશે.
ઉચ્ચ સૂત્રો પાસેથી મળેલી જાણકારી અનુસાર, ’મુખ્યમંત્રી કાર્યાલયમાંથી મંજૂરી મળ્યા બાદ પ્રોજેક્ટના માસ્ટર પ્લાનને અપ્રુવલ માટે વડાપ્રધાન કાર્યાલયમાં મોકલવામાં આવ્યો છે. પીએમ મોદીએ આ પ્રોજેક્ટની પરિકલ્પના કરી છે ત્યારે રાજ્ય સરકાર તેને કાગળ પરથી હકીકતમાં ઉતારવાની પ્રક્રિયા મંજૂરી બાદ શરૂ કરશે.’
ધરોઈ ડેમ પર સી પ્લેન ટર્મિનલ પણ બનાવાશે
આ પ્રોજેક્ટ હેઠળ ધરોઈ ડેમ પર સીપ્લેન ટર્મિનલ પણ બનાવાશે. સૂત્રોનું કહેવું છે કે, ફિક્સ અને ફ્લોટિંગ જેટી પણ તૈયાર કરાશે. ઉપરાંત ટર્મિનલ એરિયામાં વેઈટિંગ ઝોન, કેફેટેરિયા સહિતની વિવિધ સુવિધાઓ પેસેન્જરોને ઉપલ્બ્ધ કરાવાશે.
ડેમમાં આઇલેન્ડ એડવેન્ચર ઝોન પણ બનાવાશે
આવી હશે સુવિધા
- 4 થી 5 સ્ટાર લક્ઝરી રીસોર્ટ
- કેવ રાઇડ્સ
- આઇલેન્ડના કિનારે વોકીંગ સ્ટ્રીટ
- ફ્લોટીંગ વીલા
- પોલો ગ્રાઉન્ડ
- એડવેન્ચર થીમ
- ગોલ્ફ ગ્રાઉન્ડ
- બોટીંગ માટે જેટી
ટોપ ઝોન
- ઓપન સ્કાય વ્યુ ડેક
- બેઠક વ્યવસ્થા
- ટેલીસ્કોપ ગેલેરી
- સેમી ઇન્ડોર અવલોકન જગ્યા
- મેઇન્ટેનન્સ ઝોન
- ખગોળીય ઘટના નિહાળવા માટેનો ડેક
મીડલ ઝોન
- જમવા માટે ડાઇનીંગ પ્લેસ
- કાફે
- ગ્રાઉન્ડ ઝોન
- વીઝીટર સેન્ટર
- -સોવેનીયર સ્ટોર
- પબ્લીક પ્લાઝા
- કાફે, પાર્કિંગ
- 2500 લોકોની સીટીંગ વ્યવસ્થા સાથેનું એમ્પીથીયેટર