કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે પ્રેરણાદાયી વાર્તાઓ દર્શાવતી ટૂંકી વીડીયો શ્રેણી આઝાદી કી અમૃત કરાનિયાનું વિમોચન કર્યું
ઇન્ટરનેટ મનોરંજનના સમયમાં ભારત નોંધપાત્ર રીતે સારૂ સ્થાન ધરાવે છે, નેટફ્લિક્સની ભારત પ્રત્યેની પ્રતિબધ્ધતા મજબૂત રીતે આગળ વધી રહી છે: સુશ્રી બેલા બાજરિયા
અબતક,નવી દિલ્હી
12મી માર્ચ 2021ના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ઉદઘાટન કરાયેલ આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે, કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગસિંહ ઠાકુરે ‘આઝાદી કી અમૃત કહાનિયાં’ શરૂ કરી હતી. આ એક ટૂંકી વીડિયો શ્રેણી ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સ સાથે મળીને બનાવાઇ છે. આ પ્રસંગે રાજ્યમંત્રી ડો. એલ. મુરુગન, માહિતી અને પ્રસારણ મંત્રાલયના સચિવ અપૂર્વ ચંદ્રા અને નેટફ્લિક્સનાં ગ્લોબલ ટીવી વડા સુશ્રી બેલા બાજરીયા પણ ઉપસ્થિત રહ્યાં હતાં.
પિથોરાગઢનાં પદ્મ પુરસ્કાર વિજેતાં પર્યાવરણવાદી તેમજ કોસી નદીને પુનર્જીર્વિત કરવામાં તેમનાં યોગદાન માટે જાણીતાં છે એવાં મહિલા ચેન્જ મેકર્સ સુશ્રી બસંતી દેવી; 2017માં પાંચ દિવસમાં બે વાર માઉન્ટ એવરેસ્ટ સર કરીને વિશ્વની પ્રથમ મહિલા તરીકે પદ્મશ્રી પુરસ્કાર વિજેતા સુશ્રી અંશુ જમસેનપા અને ભારતની પ્રથમ મહિલા અગ્નિશામક સુશ્રી હર્ષિની કાન્હેકર પણ આ શુભારંભ સમયે હાજર રહ્યાં હતાં.
મંત્રી અનુરાગસિંહ ઠાકુરે શ્રોતાઓ અને મીડિયાને સંબોધતા કહ્યું કે માહિતી અને પ્રસારણ મંત્રાલય વિવિધ પહેલ સાથે અમૃત મહોત્સવની ઉજવણીનો મહત્વપૂર્ણ ભાગ રહ્યું છે. આઝાદીનો વિચાર ભારતમાં મહિલા બંધનમુક્તિ સાથે જોડાયેલો છે અને મંત્રીએ ટિપ્પણી કરી હતી કે આઝાદી અથવા સ્વતંત્રતા શબ્દનો વ્યાપક અર્થ મહિલાઓ માટે એ છે કે તેમણે સમાજમાં બીબાંઢાળ અને રૂઢિનિષેધ સામે પણ લડવું પડે છે. તેમણે ઉમેર્યું હતું કે મહિલાઓની બંધનમુક્તિ એ સમાજના બંધનમુક્તિ સૂચકાંકની નિશાની છે.
સહયોગ પર બોલતા ઠાકુરે જણાવ્યું હતું કે “આ પહેલનો ઉદ્દેશ્ય ભારતીયોની પ્રેરણાદાયી વાર્તાઓને બહાર લાવવાનો છે અને આ વાર્તાઓ વધુ લોકોને તેમનાં લક્ષ્યો હાંસલ કરવા માટે પ્રેરિત અને સશક્ત કરશે”
તેમણે ઉમેર્યું હતું કે આ એક લાંબા ગાળાની ભાગીદારી છે જ્યાં વિવિધ વિષયો અને વિવિધ વાર્તાઓ પ્રકાશિત કરવામાં આવશે. “નેટફ્લિક્સ મહિલા સશક્તીકરણ, પર્યાવરણ અને ટકાઉ વિકાસ અને અન્ય મહત્વપૂર્ણ દિવસો સહિતના થીમ પર 25 વીડિયોનું નિર્માણ કરશે. નેટફ્લિક્સ મંત્રાલય માટે બે મિનિટની ટૂંકી ફિલ્મોનું નિર્માણ કરશે જે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર શેર કરવામાં આવશે અને દૂરદર્શન નેટવર્ક પર પ્રસારિત કરવામાં આવશે” એમ ઠાકુરે વિસ્તારપૂર્વક જણાવ્યું હતું.
“નેટફ્લિક્સ અને મંત્રાલય પોસ્ટ-પ્રોડક્શન, વીએફએક્સ, એનિમેશન, મ્યુઝિક પ્રોડક્શન અને અન્ય બાબતો માટે તાલીમ કાર્યક્રમોનું આયોજન કરીને સર્જનાત્મક ઇકોસિસ્ટમ વિકસાવવા માટે ભાગીદારી કરશે અને જમીન પર અને વર્ચ્યુઅલ રીતે આયોજન કરવામાં આવશે” એવી જાહેરાત તેમણે કરી હતી.
માહિતી અને પ્રસારણ મંત્રાલય સાથેની ભાગીદારી અંગે ટિપ્પણી કરતા, સુશ્રી બાજરિયાએ કહ્યું કે “નેટફ્લિક્સને ભારતની સુંદર કલા, સંસ્કૃતિ અને વાર્તાકથનની ઉજવણી કરીને છેલ્લાં 75 વર્ષોમાં ભારતની ઉત્ક્રાંતિની ઉજવણી અને સ્વીકાર કરવા માટે માહિતી અને પ્રસારણ મંત્રાલય સાથે ભાગીદારી કરવામાં ગર્વ છે” તેમણે વધુમાં ઉમેર્યું હતું કે “આ ભાગીદારીનાં અનુસંધાનમાં નેટફ્લિક્સે વાસ્તવિક જીવનની વાર્તાઓ પર આધારિત ટૂંકા વીડિયોઝની શ્રેણી બનાવી છે જેનો ઉદ્દેશ્ય ભારતના ખૂણેખૂણેથી લોકોની સિદ્ધિઓની ઉજવણી કરવાનો છે”
‘આઝાદી કી અમૃત કહાનિયાં’ એક પ્રતિકાત્મક પહેલ છે જે મહિલા સશક્તીકરણ, પર્યાવરણ અને ટકાઉપણાં સહિત વિવિધ વિષયો પર પ્રેરણાદાયી ભારતીયોની સુંદર વાર્તાઓ રજૂ કરે છે. વાર્તાઓનો વૈવિધ્યસભર સમૂહ દેશના દરેક ખૂણેથી ભારતીયોને પ્રોત્સાહિત અને સશક્ત કરવાનો પ્રયાસ કરે છે.
આ સાત ચેન્જમેકર્સમાં, ઉત્તરાખંડના બાગેશ્વર જિલ્લામાં દરેકને રસી આપવા માટે માઇલો ચાલનાર એક આરોગ્યસંભાળ કાર્યકર કુ. પૂનમ નૌટિયાલ; ભારતમાં મિસાઇલ પ્રોજેક્ટનું નેતૃત્વ કરનાર પ્રથમ મહિલા વૈજ્ઞાનિક ડો. ટેસી થોમસ; ભારતની પ્રથમ સ્પર્ધાત્મક મહિલા સ્ટેન્ડ-અપ પેડલબોર્ડર કુ. તન્વી જગદીશ અને લાઇટ સ્પોર્ટ એરક્રાફ્ટમાં એટલાન્ટિક મહાસાગર અને પેસિફિક મહાસાગરને એકલા પાર કરનાર વિશ્વની સૌથી નાની અને પ્રથમ મહિલા પાઇલટ કુ. આરોહી પંડિતનો સમાવેશ થાય છે.
કુ. બસંતી દેવી, કુ. અંશુ અને કુ. હર્ષિનીને દર્શાવતા ત્રણ વીડીયો; અને શ્રેણીની એક ઝલક દર્શાવતું ટ્રેલર આજે રિલિઝ કરવામાં આવ્યું હતું. આ ઉદાહરણરૂપ મહિલાઓને સન્માનિત અને પ્રકાશિત કરવાના ઉદ્દેશથી અનુરાગ ઠાકુર દ્વારા ત્રણેય ચેન્જમેકર્સને સન્માનિત કરવામાં આવ્યાં હતાં. ઠાકુરે સમગ્ર દેશમાં મહિલાઓને સશક્ત બનાવવાના ઉદાહરણરૂપ આગેવાની લેવામાં તેમના પ્રયાસોને બિરદાવ્યા હતા.