પ્રથમ વિશ્ર્વયુદ્ધનો એ સમય જર્મનના નાઝીઓ દુનિયાને પગ તળે રોંદી રહ્યા હતા.યુરોપના રણમેદાનની સાથે ભારતમાં પણ સ્વતંત્રતા સંગ્રામ ચળવળ તેજ બની ત્યારે લાલા લજપતરાયે ડો.આંબેડકરને રાજકિય ચળવળમાં સક્રિય ભૂમિકા માટે આગ્રહ કર્યો.પરંતુ મહારાજા સયાજીરાવનું રુણ માથે હોય વિનમ્રતા પૂર્વક બાબાસાહેબે ઈન્કાર કર્યો.અમેરીકા વસવાટ દરમ્યાન બંધારણમાં ગુલામી પ્રથા નષ્ટ કરતો ચૌદમો સુધારો અને નિગ્રોનાં ઉદ્ધાર કરતા કરતા જીવન સમર્પણ કરનારા બુકર ટી.વોશિંગ્ટનની અસર બાબાસાહેબના મન પર વિશેષ રહી.
બાદમાં જુલાઇ , 1916 માં અમેરિકા છોડ્યુ.બ્રિટન આવ્યા અને ’ગ્રેઝ ઇન ’ માં નામ દાખલ કરાવ્યુ અને સમાંતર રુપે ’લંડન સ્કુલ ઓફ ઇકોનોમિકસ’માં અર્થશાસ્ત્રનાં અભ્યાસાર્થ પણ પ્રવેશ મેળવ્યો.એમની પ્રગતિ નાં કારણે એક પરિક્ષામાંથી મુક્તિ અપાઇ અને ડીએસસી નાં સીધા અભ્યાસ માટે પરવાનગી મળી.પરંતુ જન્મથી સંઘર્ષશિલ વ્યક્તિનાં નસીબ આડે ફરી પાંદડુ આવ્યુ.ઘટના એમ બની કે મહારાજા સયાજીરાવના દીવાનપદે સર મનુભાઇ મહેતાની નિમણુંક થતા.તેમને ભારત પરત ફરવાનો સંદેશો મલ્યો.
ભીમરાવ માટે આ એક મોટો આંચકો હોવા છતા સંઘર્ષમય જીવને સમાધાનરુપી ઉકેલ કાઢતા પણ શિખવેલુ.એટલે ઓકટોબર,1917 થી લઇ ચાર વર્ષની અંદર ફરી અભ્યાસાર્થ આવવાની પરવાનગી મેળવી માર્સેલીસ થી ’કેસર-એ-હિન્દ’ જહાજમાં બેઠા.આ એવો વિશ્ર્વયુદ્ધનો સમય જયારે જહાજનું ભુમધ્ય સમુદ્રમાંથી પસાર થવુ એટલે કોઇપણ બોમ્બની હડફેટે ચડવાનું કપરુ સાહસ અને થયુ પણ એવુ આગળની એક સબમરિન જર્મન બોમ્બમારાની ભેટ ચડી પણ ગઇ,ત્યારે આ બાજુ મુંબઇમાં આંબેડકર પરિવારનો જીવ તાળવે ચોટી ગયો.ઇંગલેન્ડ તાર કરવામાં આવ્યો.પણ ભવિષ્યનાં બંધારણ નિર્માતા સુરક્ષીત છે એ સમાચાર મલ્યા ત્યારે બધાનો જીવ નીચે બેઠો અને ઓલા ડુબેલા જહાજમાં પુસ્તકરુપી માલમતા બાબાસાહેબની હતી એ નષ્ટ પામી.
21 ઓગસ્ટના રોજ બાબાસાહેબ ભારત આવ્યા ત્યારે એમના ચાહકો આનંદ વિભોર બની ગયા.ન્યાયધીશ રાવબહાદુર ચિમનલાલ સેતલવાડના અધ્યક્ષ પદે બાબાસાહેબે વિદેશમાં પ્રાપ્ત કરેલી સિદ્ધિ બદલ સન્માન કરવાનું નકકી થયુ.પરંતુ આયોજકો સન્મુખ વિનમ્રતાથી એમ કહી ઇન્કાર કર્યો કે ’હું ઉપકાર કરવા ભણ્યો નથી.તમે આ રકમ અસ્પૃશ્ય સમાજના છાત્રોને ભણાવવા માટે ઉપયોગ કરો.’આમ પોતે સંપાદિત કરેલી સિદ્ધિ પણ સન્માનવા જેટલી સ્તુતિપાત્ર નથી એટલી વિનમ્રતા બાબાસાહેબ જેવા વિચારવંત જ દાખવી શકે.વડોદરા સરકાર સાથે નક્કી થયા મુજબ વડોદરા સેવાર્થ જવાનું નક્કી થયુ.પરંતુ ફરિ અર્થશાસ્ત્રી પાસે અર્થની કમી સામે આવી.
ત્યારે પેલા ડુબેલા સામાન માટે જહાજ કંપનીએ વળતરરુપે આપેલા પૈસામાંથી ટીકીટ ખરિદી થોડા પૈસા પત્નીને ઘરખર્ચ માટે આપ્યા અને સૌથી મોટાભાઇ બલરામ સાથે સપ્ટેમ્બરમાં વડોદરા આવ્યા.મહારાજાએ તો વડોદરા સ્ટેશને તેડવા જવાની સેવકોને આજ્ઞા કરેલી પણ અસ્પૃશ્ય વ્યક્તિને લેવા કોણ જાય ? એક અસ્પૃશ્ય વ્યકિત મહારાજાની નોકરી અર્થે આવ્યાના સમાચાર શહેર ભરમાં પ્રસરી ગયા.જમવાનું તો છોડો રહેવાની પણ જગ્યાના ફાંફા , એક પારસી વિશીમાં જાત છુપાવી અને જગ્યા કરવી પડે એ પાખંડ અને છુઆછુતની અવસ્થા હતી આપણા જકડાયેલા સમાજની.મહારાજાએ એમને ’સૈન્ય કાર્યવાહક’ તરિકે નિમણુંક આપી.
અસ્પૃશ્ય અધીકારીના હાથ નીચે પટાવાળા ફાઇલ પણ દુર થી ફેંકીને આપતા તો પાણીનો ગ્લાસ આપશે એ તો સ્વપ્ન જ હતુ.ઉલ્ટુ જયારે બાબાસાહેબ જાય ત્યારે જાઝમ વિંટાળી લેવામાં આવતી.આ ત્રાસ ઓછો હોય તેમ એક રાત્રે પારસીઓનું ટોળુ હાથમાં લાકડી દંડા સાથે ઘુસી આવ્યું અને તું કોણ છો ? એમ પુછ્યુ ત્યારે બાબાસાહેબે નિડરતાથી કહ્યુ ’હું હિન્દુ છું ’ ,ના તું અસ્પૃશ્ય છો અને અહીંથી ચાલ્યો જા ત્યારે સર્વ હિમ્મત,ધૈર્ય અને તાકાત એકઠી કરી બાબાસાહેબે મક્કમતાથી કહ્યું ’હું આઠ કલાક પછી ચાલ્યો જઇશ’.પ્લેગનાં કારણે મહારાજા મૈસુર જવાની ઉતાવળમાં હતા,તેઓએ દીવાનને મળવા કહ્યું પરંતુ ભોજન કે આશરાની તરસથી પિડાતા બાબાસાહેબ અંતે નિરાશ વદને એક ઝાડ નીચે આવી અને ધ્રુસકે-ધ્રુસકે રડી પડ્યા ત્યારે આ 25 વર્ષનાં નવયુવાને જન્મથી હ્રદયમાં ભરી રાખેલી અપમાનજનક વ્યવહારની પીડા અશ્રુ સ્વરુપે ઉપર આકાશ અને નીચે ધરતી ની વચ્ચે વ્યાપ્ત એ કુદરતના સન્મુખ ફુટી પડી.
મનમાં એ વિચારોનું ઘોડાપુર આવ્યુ કે અસ્પૃશ્ય વ્યકિત ગમે તેટલુ ભણી અને વિદ્વાન બને તો પણ આ સમાજ એને સ્વીકારશે નહી.મહારાજા અને ગુરુવર્ય કેળુસકરના પ્રયાસો પણ કામ ન આવ્યા અને અંતે મહારાજાની નોકરી છોડી બાબાસાહેબ કાયમ માટે મુંબઇ પરત આવી ગયા.ત્યારે એમના સાવકી માતાનું નિધન થતા તેમના અંતિમ સંસ્કારની વિધી સંપન્ન કરી.
આ દરમ્યાનની બે ઘટનાનો અત્રે ઉલ્લેખ કરવો જરુરી છે એમાંની પ્રથમ એટલે મુસ્લીમોનું અલગ રાજકીય અસ્તિત્વ ને માન્યતા આપનાર કોંગ્રેસને હવે રહી રહીને અસ્પૃશ્ય વર્ગનું સ્મરણ થયુ.અત્યાર સુધી તો રાજકીય ચળવળમાં તરબોળ કોંગ્રેસે અસ્પૃશ્યો પ્રત્યે દુર્લક્ષ્ય જ સેવેલુ.અચાનક પ્રેમ ઉભરાવવાનું કારણ કોંગ્રેસલીગ કરાર માટે અસ્પૃશ્યોનો ટેકો મેળવવો.લેવડદેવડની સ્વાર્થયુકત નિતીનાં ભાગરુપે અસ્પૃશ્યોનો ટેકો મેળવીતેમને માન્ય એવો ઠરાવ કલકત્તા અધીવેશનમાં પાસ કરાવ્યો.
બીજુ એટલે આ સમયે મુંબઇમાં અસ્પૃશ્યોની એક પરિષદ મળેલી.જેમાં ઠરાવ મુજબ અસ્પૃશ્યોને પોતાના લોકપ્રતિનિધી ચુંટવાનો અધીકાર હોવો જોઇએ તેવી માગણી કરેલી.(કીર ધનંજય,ડો.આંબેડકર :જીવન અને કાર્ય ,પૃ.40) ઉપરોકત બંન્ને પરિષદમાં બાબાસાહેબને કોંગ્રેસલીગની યોજના પસંદ ન હોય , ભાગ લીધો ન હતો.તારિખ 19 માર્ચ,1918 ના રોજ મુંબઇમાં મહારાજા સયાજીરાવની અધ્યક્ષતામાં ,બેરિસ્ટર વિઠ્ઠલભાઇ પટેલ , મુકુન્દરાવ જયકર ,બાબુ બિપિનચંદ્ર પાલ , જેવા નામાંકિતોની હાજરીમાં અસ્પૃશ્યતા નિવારણ પરિષદનું આયોજન કરાયુ જેની સફળતા માટે ટાગોર અને ગાંધીજીની શુભેચ્છા પ્રાપ્ત થયેલી જયાંથી દેશવાસીઓને અસ્પૃશ્યતા નાબુદી માટે આહ્વાન કરેલું.એ જ સભાને બીજા દિવસે લોકમાન્ય ટીળક ,ઠક્કરબાપા અને દાદાસાહેબ ખાર્પડે એ સંબોધી અને ટીળકજીએ તો ત્યાં સુધી કહ્ય કે પ્રત્યક્ષ પરમેશ્ર્વર પણ જો અસ્પૃશ્યતાનું પાલન કરશે તો હું તેને પરમેશ્ર્વર તરિકે સ્વીકારીશ નહી.આ ચળવળ વિશે બાબાસાહેબને શ્રદ્ધા ન હોય તેઓ તેનાથી દુર રહ્યા.
પણ મનમાં પેલો અધુરો છુટેલો અભ્યાસ ચાલતો હતો.બીજી બાજુ આર્થિક ઉપાર્જન જરુરી હોય વકીલાતનો સ્વતંત્ર વ્યવસાય યોગ્ય લાગ્યો આ દરમ્યાન ટયુશનો કર્યા , સ્ટોકસ એન્ડ શેર્સનો ધંધો કરનાર માટે ક્ધસલટન્સી ખોલી પણ મહાર જાતિના હોય અહીં પણ અશ્પૃસ્યતા આડે આવી.આ દરમ્યાન એમને સિડનહામ કોલેજમાં અર્થશાસ્ત્રના પ્રાધ્યાપક તરિકે નોકરી મળી ગઇ અને આ નોકરીથી તેમનું આગળનું સ્વપ્ન સાકાર થશે એમ લાગતા અહીં જોડાય ગયા.પરંતુ અહીં પણ કથીત સવર્ણ એ વાતનું ધ્યાન રાખતા કે ડો.આંબેડકર પાણીના માટલાને સ્પર્શ ન કરે.પરંતુ સામા પક્ષે તેમના અગાધ જ્ઞાનની અને પહેરવેશની અસર વિદ્યાર્થીઓ ઉપર પડયા વગર ન રહ્યો.તેમના તલસ્પર્શી પાડિત્યનો લાભ લેવા અન્ય વિદ્યાર્થિઓ પણ તેમના વર્ગમાં ઉપસ્થિત રહેવા લાગ્યા.
પ્રાધ્યાપકનો વ્યવસાય એ તો બાબાસાહેબ માટે પડાવ માત્ર હતો ધ્યેય ન હતુ.આ જ વર્ષોમાં દત્તોબા પવાર નામના સદગૃહસ્થ મારફત બાબાસાહેબનો રાજષિ શાહુ મહારાજ સાથે પ્રત્યક્ષ પરિચય થયો અને મહારાજાની આર્થિક સહાયથી બાબસાહેબે 31 જાન્યુઆરી,1920 ના દિવસે સદ્દીઓથી પીડા અને અન્યાયને ’મૂક’ ભાવે સહન કરનારા હિન્દુઓનાં એ અંગભુત ઘટકોની ભાવનાને વાચા આપવા ’મુકનાયક’નામના પાક્ષીકનો મરાઠી ભાષામાં પ્રારંભ કર્યો.અને પોતાની કલમ થી પત્રકારિતા જગતમાં પગરવ માંડયા.પોતે કોલેજમાં પ્રાધ્યાપક હોય અધીકારીક સંપાદક તરીકે પાંડુરંગ નંદરામ ભટકરની નિમણુંક કરી જેણે પુણેથી મેટ્રીક સુધીનો અભ્યાસ કર્યો હતો અને તેની પત્ની બ્રાહ્મણ હતી.સંપાદક બાબાસાહેબ ન હતા પરંતુ એ એમણે શરુ કરેલી ચળવળનું મુખપત્ર હતુ.
જો કે સતત સંઘર્ષમય એવા બાબાસાહેબનાં આ અખબારને પણ ’કેસરી’ નામના અખબાર દ્રારા પ્રશંસા તો બાજુ પર રહી પણ પૈસા આપી જાહેરાત છાપવાની પણ ના પાડી અન્યાય કરાયો હતો.કેવા હતા આ અખબારના લેખ ? સવર્ણોનો વિરોધ હતો કે હિન્દુહિતની વાત ? કેટલો સમય ચાલ્યુ આ અખબાર ? સમાજને બાબાસાહેબે આ અખબાર દ્રારા શું સંદેશ આપ્યો ? પત્રકારિતા પૈસા માટે હતી કે સમાજસેવા માટે ? …(ક્રમ:શ)