નજીવી બાબતે આરોપીઓએ સ્કોર્પિયો માથે ચડાવી દેવાનો કર્યો પ્રયાસ: મહિલા સહિત પાંચ ઘાયલ
અઢી તોલાના સોનાના ચેઇનની લૂંટ ચલાવી: તમંચો કાઢી જાનથી મારી નાખવાની દીધી ધમકી: ત્રણ શખ્સોની ધરપકડ
રાજકોટમાં જાણે હવે ખાખીનો ખોફ જ ના રહ્યો હોય તેમ શહેરના જાણીતા ધારાશાસ્ત્રી રિપન ગોકાણી અને તેમના પરિવાર પર મહિલા પોલીસકર્મીના પતિ-પુત્ર સહિત છ શખ્સોએ જીવલેણ હુમલો કર્યો હતો. નજીવી બાબતમાં થયેલી બોલાચાલી બાદ આરોપીઓએ સ્કોર્પિયો ગાડી ચડાવી તમંચો બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ સાથે હુમલાખોરોએ વકીલના ગળામાં પહેરેલા અઢી તોલાના સોનાના ચેઇનની લૂંટ ચલાવ્યાનુ પણ ફરિયાદમાં જણાવ્યું હતું. ઘટનાની જાણ થતાં જ એસીપી પ્રમોદ દિયોરા સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને ગણતરીની કલાકોમાં મુખ્ય આરોપી જસમીન માઢકની ધરપકડ કરી કાર કબ્જે કરી હતી.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ શહેરના રામેશ્વર ચોક નજીકની શ્રીજીનગર સોસાયટીમાં રહેતા એડવોકેટ રિપનભાઇ મહેશભાઇ ગોકાણી (ઉ.વ.27) અને તેના પરિવારજનો રવિવારે રાત્રે 11 વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતા ત્યારે પાડોશમાં રહેતા નિવૃત્ત પીઆઇ જોષીના જમાઇ અને તેનો પુત્ર સહિતના શખ્સો સ્કોર્પિયો સહિતના વાહનોમાં તલવાર, ધોકા, પાઇપ અને છરી સાથે ધસી ગયા હતા અને ગોકાણી પરિવારને ગાળો ભાંડવાનું શરૂ કર્યું હતું, ઉશ્કેરાયેલા શખ્સોએ એડવોકેટ રીપન ગોકાણી, તેના પત્ની, પિતા મહેશભાઇ ગોકાણી અને પિતરાઇ સહિત પાંચ લોકો પર તૂટી પડ્યા હતા. હુમલો થતાં જ દેકારો મચી ગયો હતો અને લોકોના ટોળાં એકઠા થઇ જતા હુમલાખોરો સ્કોર્પિયોમાં નાસી ગયા હતા.
આ હુમલામાં વકીલ પરિવારના મહેશભાઈ ગોવિંદભાઈ ગોકાણી, રીપન મહેશભાઈ ગોકાણી, ગૌરાંગ પ્રફુલભાઈ ગોકાણી, અને હેમાબેન તુષારભાઈ ગોકાણીને ઇજા થતાં તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
આ ઘટના અંગે એડવોકેટ રીપન ગોકાણીએ જણાવ્યું હતું કે, તેમની પાડોશમાં રહેતા નિવૃત્ત પીઆઇ જોષીના ઘરે તેમના જમાઇ સહિતના લોકો આવ્યા હતા અને તેમનું વાહન અથડાતા જોષીના જમાઇ સહિતના લોકો ગાળો બોલવા લાગતા રીપન ગોકાણીએ ગાળો બોલવાની ના કહેતા બોલાચાલી થઇ હતી. ત્યાર બાદ આરોપી પ્રમિદ માઢકએ પિતા જસમીન માઢકને ફોન કરી બોલાવતા તમામ શખ્સો સ્કોર્પિયો ગાડીમાં ઘસી આવ્યા હતા અને તલવાર, છરી, ધારીયા અને તમંચા જેવા હથિયાર વડે એડવોકેટના પરિવાર પર તૂટી પડ્યા હતા.
આ અંગે બનાવની ગંભીરતાથી નોંધ લઈ ક્રાઇમ બ્રાન્ચ પીઆઇ જે.વી.ધોળા સહિતનો કાફલો દોડી ગયો હતો અને જસમીન માઢક સહિત ત્રણ શખ્સોને ગણતરીની કલાકોમાં જ ઝડપી પાડ્યા હતા. આ ત્રણેય શખ્સો નશાની હાલતમાં હોય અને આ ઘટના પહેલા અન્ય સ્થળ પર પણ ઝઘડો કરીને આવ્યા હોવાનું પણ પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે.