પાકિસ્તાન અને તુર્કીના વિદ્યાર્થીઓ પણ ભારતીય ત્રિરંગા-રાષ્ટ્રધ્વજને કારણે સલામત રીતે બહાર નીકળી શક્યા એ જ ભારતની મોટી તાકાત-પ્રભાવ બતાવે છે : રાજુભાઇ ધ્રુવ
અબતક,રાજકોટ
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુધ્ધની વચ્ચે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વધુ એક વખત વિશ્વને ભારતની રાજનૈતિક અને કૂટનીતિક તાકાતનો પરિચય આપ્યો છે . યુક્રેનમાં અભ્યાસાર્થે ગયેલા વિદ્યાર્થીઓ અને અન્ય નાગરિકોને સ્વદેશ પરત લાવવા માટે “ઓપરેશન ગંગા” શરૂ કરીને ભારત સરકારે જે કુનેહ વાપરી અને વિદેશનીતિનો જે પરિચય આપ્યો તેનાથી દેશવાસીઓના હ્રદયમાં નરેન્દ્રભાઈનું સ્થાન વધુ મજબુત બન્યું છે તેમ એક નિવેદનમાં ભાજપના પ્રવક્તા રાજુભાઈ ધ્રુવે જણાવ્યું છે.
રાજુભાઈ ધ્રુવે જણાવ્યું છે કે, યુધ્ધ શરુ થયું એ સાથે જ યુક્રેનમાં અને ખાસ કરીને તેની રાજધાની કીવમાં રહીને અભ્યાસ કરી રહેલા ભારતના હજારો વિદ્યાર્થીઓ ચિંતિત બન્યા હતા પરંતુ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે ટેલીફોન ઉપર વાત કરીને આ વિદ્યાર્થીઓ સલામત રીતે ભારત પાછા ફરે તે જોવા અનુરોધ કર્યો હતો અને રશિયા ના રાષ્ટ્રપતિ શ્રી વ્લાદિમીર પુટીને પણ આ વાત સ્વીકારી હતી.
135 કરોડ ની વિશાળ જનસંખ્યા ધરાવતા ભારત જેવા વિશ્વના સૌથી મોટા લોકશાહી દેશને લોકનાયક અને દેશના સફળ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા એક મજબૂત સરકાર આપવામાં આવી છે તે પ્રશંસનીય છે.55 વર્ષના એકધારા એકચક્રી શાસન માં કોંગ્રેસ ભારત ને સન્માન ના અપાવી શકી એટલું જ નહીં આ મહાન લોકતાંત્રિક દેશ ને કમજોર અને પ્રભાવહીન બનાવ્યો તે જ ભારતને એક મજબૂત, શક્તિશાળી દેશ બનાવવામાં મોદીજીને 8 વર્ષ જેટલો ટૂંકો સમય લાગ્યો છે. આ વાસ્તવિકતા નજર સામે હોવા છ્તા સારું જોઈ ન શકનારા કોંગ્રેસનાં કેટલાક નેતાઓ મનઘડંત નિવેદનો કરીને પ્રજાને ભ્રમિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.
વડાપ્રધાન નરેન્દ્ર્ભઇ મોદીએ તો ભારત ને વિશ્વ માં અસામાન્ય,અસાધારણ પ્રભાવશાળી ગૌરવપૂર્ણ સ્થાન અપાવ્યું છે. એક સમય એવો હતો કે જ્યારે વિશ્વની હાલની મહાસત્તાઓ ભારતને ગણકારતી જ ન હતી પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર્ભાઈની કુનેહથી આજે સ્થિતિ બદલાઈ છે અને વૈશ્વિક નેતાઓ ભારતને માન આપે છે અને તેની શક્તિ ને સલામ કરે છે. અગાઉ દેશના કોંગ્રેસી શાસકોને દબાવીને ખોટા નિર્ણયો લેવડાવનાર જૂના હિતશત્રુ પાકિસ્તાન અને ચીનની કૂટનીતિ સામે પણ ભારત પ્રચંડ મજબૂતાઈ સાથે જડબાતોડ જવાબ આપે છે. રાજુભાઇ ધ્રુવે એમ પણ જણાવ્યુ છે કે, ભારતના દુશ્મન દેશ ગણાતાં પાકિસ્તાન અને તુર્કીના વિદ્યાર્થીઓ પણ હવે યુક્રેનની બહાર નીકળવા માટે ભારતના ઝંડાનો ઉપયોગ કરી રહ્યા છે તે પણ ઘણી મોટી બાબત છે.
ભારતના તિરંગા-રાષ્ટ્રધ્વજે પાકિસ્તાની અને તુર્કીના વિદ્યાર્થીઓની ખુબ જ મદદ કરી છે કારણ કે, ભારતના ત્રિરંગા સાથે જોવા મળતાં ઘણા દેશો ના વિદ્યાર્થીઓ કે નાગરિકો સહી સલામત યુક્રેન બહાર ભારતીય તરીકે ઓળખ આપી નીકળી રહ્યા છે. પાકિસ્તાન ના વિદ્યાર્થીઓએ તો આ વાત જાહેર માં મીડિયા સમક્ષ સ્વીકારી છે.આ જ બાબત બતાવે છે કે, વડાપ્રધાન નરેન્દ્ર્ભાઈની વૈશ્વિક પહોંચ-તાકાત અને સ્વીકૃતિ કેટલી મોટી છે.