અમદાવાદના ઓઝન ગૃપ પાસેથી બાવળા ખાતેની 48000 ચોરસ વાર જમીનના દસ્તાવેજના પ્રશ્ર્ને 15 વર્ષથી ચાલતા વિવાદના કારણે આત્મહત્યા કર્યાનો સ્યુસાઇડ નોટમાં ઉલ્લેખ
અબતક,રાજકોટ
ન જાણ્યુ જાનકી નાથે સવારે શું થવાનું છે તે ઉક્તિ કરૂણ રીતે સાર્થક શહેરના જાણીતા એડવોકેટ અને પટેલ આગેવાન સાથે ઘટના બની છે. ઘરેથી ઓફિસે ગયા બાદ ઝેરી દવા પી લીધા બાદ પંખાના હુંક સાથે દોરી બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી જીવન ટૂંકાવી લેતા પાટીદાર સમાજ, રાજકોટ બાર અને પરિવાર ઘેરા શોકમાં ગરકાવ થઇ ગયો છે. અમદાવાદના ઓઝન ગૃપ પાસેથી 15 વર્ષ પહેલાં ખરીદ કરેલી જમીન અને રાજકોટના બિલ્ડરો સાથેની ભાગીદારના કારણે આર્થિક મુશ્કેલી ઉભી થતા આપઘાત કર્યુ હોવાનો સ્યુસાઇડ નોટમાં ઉલ્લેખ કર્યો છે.
રાજકોટના બિલ્ડર એમ.એમ.પટેલ, અમિત ચૌહાણ અને અતુલ મહેતાનો સ્યુસાઇડ નોટમાં ઉલ્લેખ
ઘોરાજી તાલુકાના ઝાંઝમેર ગામના વતની અને રાજકોટના 150 ફુટ રીંગ રોડ પર અંજલી ટાવરમાં રહેતા એડવોકેટ મહેન્દ્રભાઇ કેશવલાલ ફળદુ નામના 56 વર્ષના પાટીદાર આગેવાને 150 ફુટ રીંગ રોડ પર રૈયા ટેલિફોન એકસચેન્જ પાસે આવેલા નક્ષત્ર બિલ્ડીંગમાં કલ્પતરૂ નામની ઓફિસમાં ઝેરી દવા પી પંખાના હુક સાથે દોરી બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કર્યાનું યુનિર્વસિટી પોલીસમાં નોંધાયું છે.
રૈયા ટેલિફોન એકસચેન્જ પાસે નક્ષત્ર બિલ્ડીંગમાં કલ્પતરૂ ઓફિસમાં જીવન ટૂંકાવતા રાજકીય આગેવાન અને વકીલો દોડી આવ્યા
મહેન્દ્રભાઇ ફળદુએ ગઇકાલે પોતાની ઓફિસના સ્ટાફને સવારે ઓફિસે મોડા આવવાનું કહ્યા બાદ પોતે સવારે કલ્પતરૂ ઓફિસ ખાતે પહોચી ગયા હતા. પોતાની ઓફિસે લખેલી વિસ્તૃત સ્યુસાઇડ નોટ લઇ વાયરલ કરી આપઘાત કર્યો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.
સિદસર ઉમિયા માતાજી મંદિર, સરદારધામ, કલબ યુવી અને વીવાય-ઓ હવેલી સહિતની અનેક સામાજીક અને ધાર્મિક સંસ્થા સાથે જોડાયેલા પટેલ આગેવાનના મોતથી પરિવારમાં ધેરોશોક
ગતરાતે જ મહેન્દ્રભાઇ ફળદુએ આપઘાત કરવાનો નિર્ણય કયોઈ હોય તેમ પોતાના સ્ટાફને ઓફિસે મોડા આવવાનું કહ્યું હતું પરંતુ તેમને ત્યાં દુધ આપવા આવતા ખોડાભાઇ ડ્રાઇવર તરીકે પણ ફરજ બજાવતા હોવાથી તેઓ ઓફિસે ગયા ત્યારે મહેન્દ્રભાઇ ફળદુ પંખાના હુક સાથે લટકતા જોઇ અવાચક થઇ ગયા હતા. તેઓએ પોતાની ઓફિસના અન્ય કર્મચારીને જાણ કરતા તેઓ દોડી આવ્યા હતા.
યુનિર્વસિટી પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોચ્યો ત્યારે તેમને પણ સ્યુસાઇડ નોટ મળી આવી હતી. જેમાં 30 થી 33 કરોડની મિલકતનો દસ્તાવેજ કરી ન આપતા અમદાવાદના ઓઝન ગૃપના જયકુમાર કાંતીલાલ પટેલ, દિપક મણીલાલ પટેલ, પ્રકાશ ચંદુલાલ પટેલ, પ્રણયકુમાર કાંતીલાલ પટેલ, રાજકોટના બિલ્ડર એમ.એમ.પટેલ (સુરેજા), અમિત ચૌહાણ અને અતુલ મહેતાના કારણે આપઘાત કર્યાનો ઉલ્લેખ કર્યો છે.
ઓઝન ગૃપ દ્વારા અમદાવાદના બાવળા નજીક બલદાણા ગામે આવેલી પાંચ લાખ ચોરસ વાર જગ્યામાં ધ તસ્કની બીચ સિટી નામનો પ્રોજેકટ બનાવ્યો હતો. જે પ્રોજેકટમાં મહેન્દ્રભાઇ ફળદુએ 48000 ચોરસ મીટર જમીન 2007માં પોતાના અને પોતાના સગા-સંબંધીઓના નામે ખરીદ કરી હતી. તેમજ નાના ભાઇ રમેશ ફળદુ, શૈલેષ ફળદુ અને કાકા વિનયકાંત ફળદુએ મહેન્દ્રભાઇ ફળદુ મારફતે એક લાખ ચોરસ વાર જમીન બુક કરાવી હતી. પેમેટ આપ્યા બાદ અવાર નવાર દસ્તાવેજ કરવાની વિનંતી કરવા છતાં દસ્તાવેજ કરી આપતા ન હતા. મહેન્દ્રભાઇ ફળદુને કંપનીના ડાયરેકટરો સમાધાનના બદલે અવાર નવાર ધમકીઓ આપતા હતા. જેમાં ખોટા કારણો ઉભા કરી એમ.એમ.પટેલ, તેનો પુત્ર યતિન મનસુખ સુરેજા અને અતુલ મહેતા પોલીસ ફરિયાદ કરી હોવાના સ્યુસાઇડ નોટમાં આક્ષેપ છે.
બિલ્ડરો પોલીસ મારફતે રોકાણકારોને ધમકી આપતા હતા. તેમજ કંપનીના ડાયરેકટરો એવું પણ કહેતા હતા કે અમારે રાજકીય આગેવાનો સાથે સંબંધ છે. સરકારના મંત્રીઓ અમારા ભાગીદાર છે. રાજકીય આગેવાન અને સંસદ સભ્યો અમારી ઓફિસમાં બેસી તેના કાર્યલય અમારી જગ્યામાં જ ચાલે છે. આઇએસ અને આઇપીએસ સાથે પણ અમારે ધરોબો છે. અમારે ત્યાં લગ્ન સહિતના પ્રસંગોમાં આવા વીઆઇપીઓ મહેમાન બને છે. તેવી સતત ધમકીઓ આપતા હતા. જેના કારણે કરોડોની કિંમતની જમીન મફતમાં પડાવી લેવા ઇરાદાથી દસ્તાવેજ કરી દીધો ન હતો. જેના કારણે પોતે આર્થિક, માનસિક અને શારિરીક ત્રાસથી કંટાળી આપઘાત કરતા હોવાનો સ્યુસાઇડ નોટમાં ઉલ્લેખ કર્યો છે.
મહેન્દ્રભાઇ ફળદુનો આ ઉપરાંત રાજકોટની ભાગોળે આવેલા ઇશ્ર્વરીયા ખાતે ઇલેઝીયમ નામનો મોટા બંગ્લાના પ્રોજેકટ ચાલુ છે. જેમાં એમ.એમ.પટેલ, અમિત ચૌહાણ અને અતુલભાઇ મહેતા ભાગીદાર હોવાનું સ્યુસાઇડ નોટમાં લખ્યું છે.
મહેન્દ્રભાઇ ફળદુ 1990થી વકીલાતના વ્યવસાય સાથે જોડાયા છે. તેઓ બોર્ડ ઓફ નોમિનીઝ કોર્ટમાં પોતાના અસીલની તરફેણમાં ઘણા મહત્વના ચુકાદા મેળવ્યા છે. સહકારી ઘણી મંડળી અને બેન્કના લીગલ એડવાઇઝર તરીકે જોડાયેલા છે. સિદસર ખાતેના સુપ્રિધ્ધ ઉમિયા મંદિર, સરદારધામ, વીવાયઓ-હવેલી અને કલબ યુવી જેવી ધાર્મિક અને સામાજીક સંસ્થાઓ સાથે જોડાયેલા છે. મળતાવળા સ્વભાવના મહેન્દ્રભાઇ ફળદુના મૃત્યુના સમાચારથી રાજકીય આગેવાન, બહોળી સંખ્યામાં વકીલો અને સગા-સંબંધીઓ હોસ્પિટલ દોડી ગયા છે.
એડવોકેટ મહેન્દ્રભાઈ ફળદુના મોતથી વકીલોમાં ઘેરા શોકની લાગણી : કાલે શોક સભા
રાજકોટ બાર એસોસિએશનના સભ્ય અને સહકારી ક્ષેત્રના સિનિયર ધારાશાસ્ત્રી મહેન્દ્રભાઈ ફળદુ ના મૃત્યુથી વકીલો માં ઘેરા શોકની લાગણી વ્યાપી ગઇ છે.જેથી રાજકોટ બાર ના સભ્ય દ્વારા આવતી કાલે તા.03.03 ના રોજ સવારે 11 કલાકે સિવિલ કોર્ટ કેમ્પસ માં શોક સભા રાખવામાં આવી છે.
મૃતક મહેન્દ્રભાઇના એકના એક પુત્રના એક મહિના પૂર્વે જ લગ્ન થયા’તા
રાજકોટના જાણીતા ઉદ્યોગપતિ અને કડવા પાટીદાર સમાજની સંસ્થા ક્લબ યુવીના ચેરમેન મહેન્દ્રભાઇ ફળદુએ આજે વહેલી સવારે પોતાની ઓફિસે દવા પી થોડા ફાંસો ખાઈ આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી છે.
ભાગીદારો દસ્તાવેજ કરી ન દેતા હોવાથી તેઓએ આ પગલું ભર્યુ હોવાનું જાણવા મળ્યું છે. બનાવની જાણ તેના પરિવારજનોને થતાં પરિવાર શોકમાં ગરકાવ થયો છે ઉલ્લેખનીય છે કે તેના એકના એક પુત્ર પ્રિયાંકના એક મહિના પહેલા જ લગ્ન થયા હતા બાદ આજ તેમને આ પગલું ભરીલેતા ચકચાર મચી જવા પામી છે.
મહેન્દ્રભાઇના આપઘાત અંગેની જાણ થતાં રાજકીય આગેવાનો હોસ્પિટલે દોડી ગયા
મહેન્દ્રભાઇના આપઘાત અંગેની જાણ થતા તેમના પરિવારજનો મિત્રો તેમજ રાજકીય આગેવાનો સિવિલ હોસ્પિટલ દોડી ગયા હતા. જેમાં રાજકોટ મનપાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલ તેમના નજીકના મિત્ર છે તેઓને બનાવની જાણ થતાં હોસ્પિટલે દોડી ગયા હતા .સાથે કમલેશ મીરાણી પણ દોડી ગયા હતા.હાલ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે મૃતદેહને પોસમોટર્મ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.