શંખ, ડમરૂ તથા ‘બમ બમ ભોલેનાથ’ ‘જય જય ગિરનારી’ના ગગન ભેદી નાદ ગુંજી ઉઠ્યાં…
લાખોની સંખ્યામાં ભાવિકોએ લાભ લીધો: પાંચ દિવસ સુધી 250જેટલા અન્નક્ષેત્રો ધમધમતા રહ્યા: મોટા ગજાના કલાકારોએ ધૂમ મચાવી: ખાણી-પીણી અને મનોરંજનના માધ્યમોની લોકોએ મોજ માણી: વહિવટી તંત્રની કસોટી પાર પડી
અબતક,દર્શન જોશી,જૂનાગઢ
શંખ, ડમરુ તથા “બમ બમ ભોલેનાથ”, “જય જય ગિરનારી” ના ગગનભેદી નાદ, ઢોલ, શરણાઈ અને બેન્ડવાજાની જમાવટ, દિગંબર સાધુઓના કરતબો તથા અને સંતો – મહંતો તથા શ્રેષ્ઠીઓની ઉપસ્થિતિ વચ્ચે શિવરાત્રીની રાત્રિએ ભવનાથ શ્રેટ્રમા નીકળેલી શાહી રવાડી અને મધ્ય રાત્રિએ, સંતો, મહંતોના શાહી સ્નાન સાથે ભક્તિ, ભજન અને ભોજનના ત્રિવેણી સંગમ સમો ભવનાથનો શિવરાત્રી મેળો સંપન્ન થયો હતો.ગઈકાલે મેળાના અંતિમ અને પાંચમા દિવસે સવારથી જ ભાવિકોનો અવિરત પ્રવાહ મેળા તરફ આવી રહ્યો હતો અને બપોર બાદ મેળામાં હૈયે હૈયું દળાય તેવી મેદની જામી હતી. અને લાખો ભાવિકો મેળામાં પહોંચતા ભવનાથ ક્ષેત્ર ભાવિકોથી ઉભરાઈ ગયું હતું. જેના પગલે સવારના 10 વાગ્યાથી જ મેળામાં તમામ વાહનો માટે પ્રતિબંધ કરી દિધો હતો, જેના કારણે લોકોને 3 કિમી પગપાળા ચાલીને મેળામાં પહોચવું પડયું હતું.
ભવનાથનો મેળો એ આધ્યાત્મિક અને ભક્તિ, ભજનનો મેળો ગણાય છે ત્યારે ગઈકાલે જેની સાનિધ્યમાં મેળો યોજાય છે તેવા ભવનાથ મહાદેવના મંદિરે વહેલી સવારથી વિવિધ પૂજન, અર્ચન અને વિવિધ આરતીઓ યોજાય હતી, બાદમાં રાત્રિના 9 વાગ્યે મેળાના હાર્દ સમી લગભગ બે થી ત્રણ કિમી લાંબી રવાડી એ ભવનાથ ક્ષેત્રમાં વિહાર કર્યો હતો, ત્યારે શંખ, ડમરુ તથા “બમ બમ ભોલેનાથ”, “જય જય ગિરનારી” ના ગગનભેદી નાદથી આકાશ ગુંજી ઉઠ્યું હતું, ત્રણ અખાડાના આધિપ્તી એવા ભગવાન ગુરુ દત્તાત્રેય, ગણેશજી અને માતા ગાયત્રીની પાલખી અને ત્રણેય અખાડાની ધર્મ ધજા, અને 27 જેટલા રથોમાં બિરાજેલા મહામંડલેશ્વર, સંતો – મહંતોના ભાવિકોને થયેલ દર્શન અને આશીર્વાદથી ભાવિકો ભાવવિભોર બન્યા હતા. તો દિગંબર સાધુઓએ કરતબો સાથે ભાવિકોને કરાવેલ દર્શનથી બપોરના બે વાગ્યાથી રોડ ઉપર બેસી ગયેલા ભાવિકોએ ધન્યતા અનુભવી હતી, બાદમાં શિવરાત્રીની મધ્ય રાત્રિએ સંતો, મહંતોના મુર્ગી કુંડ માં શાહી સ્નાન સાથે ભક્તિ, ભજન અને ભોજનના ત્રિવેણી સંગમ સમો ભવનાથનો શિવરાત્રી મેળો સંપન્ન થયો હતો.
છેલ્લા બે વર્ષથી કોરોનાના કારણે જૂનાગઢના ભવનાથ સહિત સમગ્ર રાજ્ય અને દેશમાં મેળા ભરાયા ન હતા ત્યારે સરકાર દ્વારા ગુજરાત રાજ્યમાં પ્રથમ વખત ભવનાથનો જગવિખ્યાત મહાશિવરાત્રી મેળો યોજવા મંજૂરી આપીહતીત્યારે ભાવિકોએ આ મેળો માણી લેવાનું નક્કી કર્યું હોય તેમ લાખોની સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા. દર વર્ષે ભવનાથમાં યોજાતા મેળામાં પ્રથમ બે ત્રણ દિવસમાં નહિવત ભાવિકો હોય છે અને શિવરાત્રીના દિવસે સૌથી વધુ ભાવિકો મળી કુલ લગભગ દશેક લાખ જેટલા ભાવિકો આ મેળામાં આવે છે. ત્યારે આ વખતે મેળાના પ્રથમ દિવસથી જ નવા રેકોર્ડ થયા છેઅને પાંચ દિવસનાં મળી લગભગ બમણા ભાવિકો મેળામાં ઊમટ્યા હોવાનુ મનાઇ રહ્યું છે.
બીજી બાજુ ભવનાથમાં પાંચ દિવસ સુધી લગભગ 250 જેટલા અન્નક્ષેત્રો સતત ધમધમતા રહ્યા હતા, જ્યાં ભાવિકોને ગુજરાતી, કાઠીયાવાડી, પંજાબી સહિતના ભાવતા ભોજનો અને મીઠાઈ ભાવર્થી આવકારી પીરસવામાં આવ્યા હતા તેની સાથે ભવનાથ ક્ષેત્રના તમામ મંદિરો તથા આશ્રમમાં ગુજરાતના છેવાડાના ગામડાના નાના કલાકારથી લઈને મોટા ગજાના કલાકારો દ્વારા સતત પાંચ દિવસ સુધી સંતવાણી, ભજન, લોક સાહિત્ય, ગીત, ગરબાની રમઝટ બોલી હતી તે સાથે વહીવટી તંત્ર દ્વારા પણ 3 દિવસ માટે સાંસ્કૃતિક કાર્યક્રમોના આયોજન કરવામાં આવ્યા છે જેનો મેળામાં પધારનાર કલા રસિકો એ મનભરીને મોજ માણી હતી. બીજી બાજુ યુવાનો અને બાળકો માટે મોટી રાઇડ્સ અને ચકડોળ લગાવવામાં આવ્યા હતા, તે વિસ્તારમાં સતત ચિક્કાર ગીર્દી રહેવા પામી હતી.આ વર્ષની શિવરાત્રી મેળો પોલીસ સહિતના તમામ તંત્ર માટે વ્યવસ્થા, સગવડ, અને સાવચેતી, સલામતી જાળવવી એ તંત્ર માટે કસોટી માંગી લે તેવો વિષય બન્યો હતો. પરંતુ મેળો ખૂબ જ સુચારુ વ્યવસ્થા સાથે સંપન થયો હતો.