31 માર્ચ સુધી પ્રથમ તબક્કાની પરીક્ષા માટે અરજી કરવાની રહેશે: 13 પ્રાદેશિક ભાષાઓમાં પરીક્ષા લેવામાં આવશે
અબતક, નવી દિલ્હી
JEE મેઈન્સની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ (NTA) JEE મેઈન્સ 2022 માટેનો કાર્યક્રમ જાહેર કરી દીધો છે. NTA દ્વારા મંગળવાર 1 માર્ચથી જોઈન્ટ એન્ટ્રેસ એક્ઝામ (JEE 2022) માટે રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. રજિસ્ટ્રેશન પોર્ટલ પર લાઈવ થઈ ગયું છે અને વિદ્યાર્થીઓ jeemain.nta.nic.in વેબસાઈટ પર જઈને ફોર્મ ભરી શકે છે.
JEE મેઈન્સ 2022ની પરીત્રા આ વખતે બે તબક્કામાં આયોજિત કરવામાં આવી છે. જેમાં પ્રથમ તબક્કાની પરીક્ષા 16 થી 21 એપ્રિલના યોજાશે. જ્યારે બીજા તબક્કા માટે 24 થી 29મીં મે સુધી પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. JEE Main 2022 માટે રજિસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે અને પ્રથમ તબક્કાની પરીક્ષા માટે અરજી કરવાની આખરી તારીખ 31 માર્ચ 2022 રાખવામાં આવી છે.
જણાવી દઈએ કે, JEEમાં બે પેપર હોય છે. પ્રથમ પેપર B.E અને B.Tech જેવા અન્ડર ગ્રેજ્યૂએટ એન્જિનિયરિંગ કોર્સમાં એડમિશન લેવા માટે હોય છે. જે અંતર્ગત વિદ્યાર્થીઓ દેશની વિવિધ NIT, IIT તેમજ કેન્દ્ર અને રાજ્ય સરકારની અન્ય એન્જિનિયરિંગ કૉલેજોમાં એડમિશન મેળવી શકે છે. આ સિવાય આ પરીક્ષા JEE (એડવાન્સ) માટે પણ એક એલિજિબિલિટી ટેસ્ટ હોય છે. જે IITમાં પ્રવેશ માટે આયોજિત કરવામાં આવે છે.
નૉટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે, જે વિદ્યાર્થીઓએ વર્ષ 2020 અને 2021માં ધોરણ 12 કે તેની સમકક્ષ પરીક્ષા પાસ કરી છે અથવા જે 2022માં ધોરણ 12 સમકક્ષ બોર્ડની પરીક્ષા આપી રહ્યાં છે, તેઓ JEE મેઈન્સ પરીક્ષા માટે અરજી કરી શકશે. JEE Mainમાં સફળતાપૂર્વક પાસ થનારા 2.5 ટકા ઉમેદવારોને JEE એડવાન્સ 2022માં બેસવાની તક મળશે.
JEE Main પરીક્ષા 2022ને અંગ્રેજી, હિન્દી, અસમ, બંગાળી, ગુજરાતી, કન્નડ, મરાઠી, મલયાલમ, ઓડિયા, પંજાબી, તમિલ, તેલુગુ અને ઉર્દુ સહિત 13 પ્રાદેશિક ભાષાઓમાં આયોજિત કરવામાં આવશે.