31મી માર્ચ સુધી ચાલનારા બજેટ સત્રમાં 26 બેઠકો મળશે: ચૂંટણી વર્ષ હોય કરબોજ વિહોણુ ફૂલ ગુલાબી બજેટ આપશે ભૂપેન્દ્ર પટેલ સરકાર
અબતક-રાજકોટ
ગુજરાત વિધાનસભામાં આવતીકાલથી બજેટ સત્રનો આરંભ થશે. ત્રીજી માર્ચના રોજ નાણામંત્રી કનુભાઇ દેસાઇ વર્તમાન સરકારનું પ્રથમ અને 14મી વિધાનસભાનું અંતિમ બજેટ રજૂ કરશે. ચૂંટણી વર્ષમાં બજેટ કરબોજ વિહોણુ ફૂલ ગુલાબી રહે તેવી સંભાવના જણાય રહી છે.
રાજ્યના વર્તમાન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ સરકારનું પ્રથમ અને ચાલૂ વિધાનસભાનું અંતિમ બજેટ આગામી ત્રીજી માર્ચના રોજ બજેટ રજૂ કરશે. આવતીકાલથી વિધાનસભામાં બજેટ સત્રનો આરંભ થઇ રહ્યો છે.
પ્રથમ દિવસે રાજ્યપાલ ડો.નિમાબેન આચાર્ય સંબોધન કરશે. 31મી માર્ચ સુધી ચાલનારા બજેટ સત્રમાં અલગ-અલગ 26 બેઠકો મળશે. બજેટ સત્રના પ્રથમ દિવસે જ લેન્ડ ગ્રેબિંગ એક્ટમાં સુધારા વિધેયક અને ગુજરાત ઓર્ગેનિક એગ્રીકલ્ચર બિલ રજૂ કરવામાં આવશે.
ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીના આડે હવે ગણતરીના મહિનાઓ બાકી રહ્યા છે ત્યારે બજેટમાં નવો કોઇ જ કરબોજ લાદવામાં આવે તેવી સંભાવના ખૂબ જ નહિંવત છે. આ ઉપરાંત બજેટમાં કેટલીક આકર્ષક યોજનાઓ પણ મુકવામાં આવશે. મહાપાલિકા અને નગરપાલિકાઓ માટે કેટલીક ખાસ યોજનાઓ જાહેર કરવામાં આવે તેવી શક્યતા પણ હાલ દેખાઇ રહી છે. તમામ સમાજને આવરી લેતું બજેટ આપવાનો પ્રયાસ ભાજપ સરકાર દ્વારા કરવામાં આવશે.