અબતક-રાજકોટ
લીંબડીમાં આવેલા રાજમહેલ દિગ ભૂવનમાંથી લાખોના ઘરણાં અને એન્ટિક રેડિયો અને હાર્મોનિયમની ચોરી થતાં ચકચાર મચી ગયો છે. ઘટનાની જાણ થતાં લીંબડી પોલીસ મથકનો કાફલો રાજમહેલે દોડી ગયો હતો. જેમાં પ્રાથમિક તપાસમાં તસ્કરોએ મહેલની લોખંડની જાળી તોડીને પહેલા અને બીજા માળમાં પ્રવેશ કરી જુદા-જુદા 56 કિલો 150 ગ્રામ ચાંદીના રાજઘરેણાં તથા બે એન્ટિક રેડિયો અને હાર્મોનિયમનો તસ્કરોએ હાથફેરો કર્યો હોવાનું જાણવા મળ્યુ હતું તથા રાજવી પરિવારના સદસ્યોએ આ ચોરીમાં કોઇ જાણભેદું હોવાની શંકા વ્યક્ત કરી હતી. સૌરાષ્ટ્રમાં અગાઉ પણ જામનગર, વાંકાનેર, ગોંડલ, લાઠી અને ધ્રાંગધ્રામાં રાજમહેલમાં ચોરીના બનાવ નોંધાયા છે.
“દિગ ભૂવન” મહેલમાં લોખંડની જાળીઓ તોડી તસ્કરોએ કર્યો હાથફેરો: જાણભેદુંની સંડોવણીની શંકા
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત થતી વિગત મુજબ લીંબડીમાં રહેતા અને રાજવી પરિવારની ઠાકોર છત્રશાલજી ઇંગ્લીશ મિડીયમ સ્કૂલનું સંચાલન કરતા નટવરસિંહ જોરૂભા ઝાલાએ લીંબડી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદ અનુસાર લીંબડીના રાજમહેલ દિવ ભૂવનમાં ગત તા.16મી ફેબ્રુઆરીથી 26મી ફેબ્રુઆરી દરમિયાન રાત્રિના સમયગાળામાં રાજમહેલની પાછળ બાજુએ આવેલી લોખંડની જાળીને તીક્ષ્ણ હથિયાર વડે કાપી મહેલમાં પ્રવેશ કરીને તસ્કરોએ પહેલા અને બીજા માળ પર ચોરી કરી હતી.
તસ્કરોએ કરેલા હાથફેરામાં 1960માં લીંબડી સ્ટેટ જયદીપસિંહ બાપુના જેસલમેર ખાતે રહેતા તેઓના નાનાએ કરિયાવરમાં આપેલી અમૂલ્ય રાજાશાહી વખતના ચાંદીના 45 જેટલા ઘરેણાં અને બહુમૂલ્ય કિંમતના રેડિયો નંગ બે, હાર્મોનિયમ અને બેન્જોની ચોરી કરી હોવાનું જાણવા મળ્યુ હતું. ચોરી થયેલા 56 કિલો અને 150 ગ્રામ ઘરેણાં રાજાશાહી વખતના હોવાથી તેની કિંમતનો અંદાજો લગાવી શકાય તેમ નથી તથા રૂ.45,500ની અન્ય એન્ટિક ચીજવસ્તુઓની તસ્કરોએ ચોરી કરી હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું.
જામનગર, વાંકાનેર, ગોંડલ, લાઠી અને ધ્રાંગધ્રામાં પણ અગાઉ રાજવી પરિવારના મહેલને તસ્કરોએ નિશાન બનાવ્યા’તા
રાજમહેલમાં દિવસે એક અને રાત્રિના બે સિક્યુરિટી ગાર્ડ પહેરેદારી કરતા હોય અને રસોઇ કરવા માટે પણ બહેનો આવતા હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું. પોલીસે અજાણ્યા શખ્સો સામે ચોરીનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે તથા નટવરસિંહ ઝાલા અને રાજવી પરિવારના જયદીપસિંહ ઝાલાએ આ ચોરીમાં કોઇ જાણભેદુંની સંડોવણી હોવાની શંકા વ્યક્ત કરી છે