એક સપ્તાહમાં તાવના 121, શરદી-ઉધરસના 364 અને ઝાડા-ઉલ્ટીના 49 કેસ નોંધાયા
અબતક, રાજકોટ
છેલ્લા એક સપ્તાહ દરમિયાન શહેરની અલગ-અલગ સરકારી તથા ખાનગી હોસ્પિટલોમાં તાવ, શરદી-ઉધરસ અને ઝાડા-ઉલ્ટીના 534 કેસ નોંધાયા છે. મચ્છરોનો ગણગણાટ સંભળાતા 310 આસામીઓને નોટિસ ફટકારવામાં આવી છે. સતત ત્રીજા સપ્તાહે શહેરમાં ડેન્ગ્યૂ, મેલેરિયા કે ચીકનગુનિયાનો એકપણ કેસ નોંધાયો નથી.
આજે કોર્પોરેશનની આરોગ્ય શાખા દ્વારા રોગચાળાના સાપ્તાહિક આંકડાઓ જાહેર કરવામાં આવ્યા છે.
21 થી 27 ફેબ્રુઆરી દરમિયાન શહેરમાં શરદી-ઉધરસના 364 કેસ નોંધાયા છે. ઝાડા-ઉલ્ટીના 49 કેસ અને સામાન્ય તાવના 121 કેસ નોંધાયા છે. રોગચાળાને નાથવા માટે 10031 ઘરોમાં પોરાનાશક કામગીરી કરવામાં આવી હતી.
જ્યારે 590 ઘરોમાં ફોગીંગની કામગીરી કરવામાં આવી હતી. રહેણાંક સિવાયના વિસ્તાર જેવા કે બાંધકામ સાઇટ, સ્કૂલ-કોલેજ, હોટેલ, કોમર્શિયલ કોમ્પ્લેક્સ, ભંગારના ડેલા, સેલર, હોલ, વાડી, પાર્ટી પ્લોટ, ધાર્મિક સ્થળ, સરકારી કચેરી, પેટ્રોલ પંપ સહિત કુલ 250 જગ્યાએ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. રહેણાંક વિસ્તારોમાં મચ્છરની ઉત્પતિ જણાતા 310 આસામીઓને નોટિસ ફટકારવામાં આવી છે. ગત સપ્તાહે પણ શહેરમાં ડેગ્ન્યૂ, મેલેરિયા કે ચિકનગુનિયાનો એકપણ કેસ નોંધાયો નથી.