તા. 4 માર્ચના સવારે ભવ્ય નગરયાત્રા દરબારગઢથી નિકળશે, વિન્ટેજ કાર બગી, શણગારેલા ઘોડા તેમજ બહોળી સંખ્યામાં નગરજનો જોડાશે
અબતક,નિલેશ ચંદારાણા,વાંકાનેર
વાંકાનેરના પ્રજાવત્સલ્ય રાજવી સ્વ. અમરસિંહજી ઝાલાના પપૌત્ર કેશરીદેવસિંહજી દિગ્વિજયસિંહજી ઝાલાની રાજ્યાભિષક વીધી તથા “રાજતિલકવિધી” નો પાવન પ્રસંગ વાંકાનેરના આંગણે ધાર્મિક વિધી વિધાન અને રાજવી પરંપરાગત રીતે પાંચ દિવસ સુધી જુદા જુદા પાવન કાર્યો સાથે ઉજવવા વાંકાનેરના રાજ પરિવાર સાથે સમગ્ર વાંકાનેર પંથકના નગરજનોમાં અનેરો થનગનાથ જોવા મળી રહયો છે. ગામે-ગામ સંતો-મહંતો અને ક્ષત્રીય સમાજ સહીત તમામ સમાજના અગ્રણીઓ, શ્રેષ્ઠીઓને નિમંત્રણો પહોંચાડવા સહીતની “રાજતિલકવિધી” તડામાર તૈયારીઓ સાથે જુના દરબારગઢ અને ગરાસીયા બોર્ડીંગ ખાતેથી તમામ તૈયારીઓને આખરી ઓપ અપાય રહયો છે.રાજ પરિવારના આંગણે પરંપરાગત રીતે યોજાનાર “રાજતિલકવિધી” ની માહીતી આપતા મહારાણારાજ કેશરીદેવસિંહજી ઝાલાએ જણાવેલ કે તા. 1/3 ને મહાશિવરાત્રીના પાવન દીને વાંકાનેરથી દસ કિ.મી. દૂર આવેલ સ્વયંભૂશ્રી જડેશ્વર મહાદેવ મંદિર ખાતે સવારે જડેશ્વર દાદાના નિજ મંદિરમાં અભિષેક -પુજન બાદ જડેશ્વર મહાદેવ મંદિરના “રતન ટેકરી” ના પ્રવેશ દ્વારે બનાવવામાં આવેલ “દિગ્વિજય દ્વાર” મંદિરને અર્પણ કરવામાં આવશે.
તા. 2/3 ના જુના દરબારગઢ ખાતે બ્રહ્મચોર્યાસી રાજવી પરિવાર દ્વારા યોજાશે. જેમાં ઉપસ્થિત તમામ ભુદેવો સાધુ-સંતો દ્વારા વૈદિક મંત્રોચાર અને સંસ્કૃતના શ્લોક સાથે મહારાણા રાજશ્રી કેશરીદેવસિંહજી ઝાલા ઉપર આર્શિવાદ વરસાવશે.તા. 3/3 ના જુના દરબારગઢ ખાતે સવારથી યજ્ઞ તથા રાજ્યાભિષેક સહીત રાજવી પરંપરાગત ધાર્મિક વિધીઓ સંતો-મહંતો અને પરિવારના સદસ્યોની ઉપસ્થિતિમાં સંમ્પન થશે.તા. 4/3 ના જુના દરબાગઢમાં સવારે 8 થી 9 વાગ્યા સુધી “રાજતિલક વિધી” નો પાવન પ્રસંગ વૈદીક મંત્રોચાર સાથે થશે. તેમાં પણ વાંકાનેર પંથકના પ્રતિષ્ઠીત મંદિરના સંતો-મહંતો રાજ ના ગોર સહીત ક્ષત્રીય સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે અને રાજ પરિવારની પરંપરાગત “રાજતિલક” ઝાલા કુટુંબની કુવારી દિકરીબાના હસ્તે મહારાણા રાજ કેશરીદેવસિંહજી ઝાલાને રાજતિલક કરવામાં આવશે.આ ઉપરાંત ક્ષત્રીય સમાજ દ્વારા રાજ સાહેબને પાઘડી પહેરાવવામાં આવશે. ત્યારબાદ બેન્ડ પાર્ટી ના સંગીતના સુર સાથે જુના દરબાગઢથી “નગરયાત્રા” (શોભાયાત્રા) પ્રસ્થાન થશે.
જે અમર રોડ (ગઢની રાંગ) તરફ ના રોડથી લુહારશેરી ત્યાંથી મેઈન બજાર થઈ ચાવડી ચોક, માર્કેટ ચોક થી દિવાનપરામાં અમરસિંહજી બાપુના બાવલા સ્ટેચ્યુ ચોક સુધી જશે. ત્યાં પ્રજાવત્સલ્ય રાજવી અમરસિંહજી બાપુની પ્રતિમાને નામદાર મહારાણા રાજ સાહેબ કેશરીદેવસિંહજી દિગ્વિજયસિંહજી ઝાલા દ્વારા પ્રતિમાને પુષ્પહાર પહેરાવી. ભાવવંદના સાથે આર્શીવાદ મેળવશે અને બાપુના બાવલા પાસેથી નગરયાત્રા પૂર્ણ જાહેર થશે. સાંજે 6 વાગ્યે ધોળેશ્વર મહાદેવ મંદિરના પાસે “મેળા પરિષર” ગ્રાઉન્ડમાં ક્ષત્રીય સમાજના કાર્યક્રમમાં સમસ્ત ક્ષત્રીય સમાજ દ્વારા નામદાર મહારાણા કેશરીદેવસિંહજી ઝાલાનું સન્માન કરવામાં આવશે ત્યારબાદ ક્ષત્રીય સમાજ માટે ભોજન પ્રસાદનો પ્રારંભ થશે.તા. 5/3/2012 ના ઉત્સવના છેલ્લા દિવસે પણ ધોળેશ્વર મહાદેવ મંદિર મેળા પરિષરમાં વાંકાનેર સમસ્ત નગરજનો માટે સાંજે 6 વાગ્યેથી ભોજન પ્રસાદનો પ્રારંભ થશે.