અબતક,ઋષી મહેતા, મોરબી
મોરબીની મહેન્દ્ર પરા શેરી નં.20 માં આવેલ જર્જરિત મકાનની દીવાલ કાળ બનીને ત્રાટકતા એક મહિલાનું દબાઈ જવાથી કમકમાટીભર્યુ મોત નીપજ્યું હતું જ્યારે બે વ્યક્તિઓને ગંભીર ઈજા પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.ઘટનાની જાણ થતા મોરબી એ ડિવિઝન પોલીસ કાફલો તાબડતોબ બનાવ સ્થળે દોડી ગયો હતો.
મહેન્દ્રપરા શેરી નં. 20 માં આવેલ મકાનની દીવાલ ધરાશાયી થઈ હતી આ વેળાએ જમાતખાને ચાલીને જતા મહિલા જિજ્ઞાસાબેન અજિબભાઈ જીવાણી (ઉ.વ.45), નીલમબેન અનિષભાઈ જીવાણી (રહે.મહેન્દ્ર પરા) અને રૂક્ષાનાબેન અજિબભાઈ જીવાણી ત્યાંથી પસાર થતા દિવાલનો ભાગ સીધો ખાબકતા અકસ્માત સર્જાયો હતો. જેને પગલે જિજ્ઞાસાબેન અજિબભાઈ જીવાણીનું ઘટનાસ્થળે જ કરુંણ મોત નીપજ્યું હતું. અન્ય બે મહિલાને ઇજા પહોંચી હતી.
જેથી ઇજાગ્રસ્ત બન્નેને સારવાર માટે તાત્કાલિક સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે. બીજી તરફ આ ઘટનાની જાણ થતા મોરબી એ ડિવિઝન સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને ફાયર વિભાગની ટીમ પણ બચાવ કામગીરી અર્થે તાત્કાલીક ઘટના સ્થળે દોડી ગઈ હતી. ઉલ્લેખનીય છે કે દિવાલ અકસ્માત વેળાએ બાજુમાંથી રીક્ષા પસાર થતી હતી. જેના પર કાટમાળ પડયો હતો પરંતુ રીક્ષા ચાલકનો બચાવ થયો હતો.