રાજકોટ જિલ્લામાંથી વધુને વધુ લોકો નોંધણી કરાવી ખેલ અભિગમ અપનાવે: કલેકટર
અબતક,રાજકોટ
રમતગમત યુવા અને સાંસ્કૃતિક વિભાગના સચિવ અશ્વિની કુમારે ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ખેલ મહાકુંભ – 2022 સંદર્ભે જિલ્લા કલેક્ટરશ્રીઓ સાથે રજીસ્ટ્રેશન તેમજ રમતગમત આયોજન સંબંધી પરામર્શ કર્યો હતો. બે વર્ષના સમય બાદ જયારે ખેલ મહાકુંભ શરુ થવા જઈ રહ્યો છે ત્યારે તમામ જિલ્લાઓમાંથી વધુનેવધુ અબાલવૃદ્ધ ભાગ લઈ શારીરિક સ્વાસ્થ્ય સાથે રમતગમત ક્ષેત્રે ગુજરાતનું નામ રોશન કરે તે માટે લોકોને પ્રેરણા પુરી પાડવા અશ્વિનીકુમારે અનુરોધ કર્યો હતો.
ખેલ મહાકુંભ સંભવિત 11 માર્ચથી મેં ના પહેલા સપ્તાહ દરમ્યાન તાલુકા, જિલ્લા અને રાજ્ય કક્ષાએ વિવિધ રમતોનું આયોજન કરવામાં આવનાર છે. જેના અનુસંધાને જિલ્લા અને તાલુકા કક્ષાએ તૈયારી કરવા અશ્વિનીકુમારે જણાવ્યું હતું.રાજકોટ કલેકટર અરુણ મહેશ બાબુએ રાજકોટ જિલ્લામાંથી શાળા, કોલેજ અને ઓપન કેટેગરીમાં મહત્તમ રજિસ્ટ્રશન થાય તે માટે સંબંધિત વિભાગના અધિકારી ઓને સૂચના આપી હતી.