બાળકોના પોષણ, આરોગ્ય સંભાળ અને શિક્ષણ તરફના સર્વગ્રાહી અભિગમને પ્રાથમિકતા

અબતક,રાજકોટ

જામનગર મહાનગરપાલિક ની પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા નવનિર્મિત મ્યુનિસિપલ શાળા નં. 1 નું લોકાર્પણ જામનગરના સાંસદ  પૂનમબેન માડમ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ગ્રૂપ પ્રેસિડેન્ટ  ધનરાજ નથવાણી, મ્યુનિસિપલ કમિશનર  વિજય ખરાડી, મેયર શ્રીમતી બીનાબેન કોઠારી, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ  આકાશ બારડ અને અન્ય સ્થાનિક મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાયું હતું. આ પ્રસંગે શ્રી ધનરાજભાઈ નથવાણીએ જણાવ્યું હતું કે, જીવનના સર્વાંગી ઉત્કર્ષનો પાયો શિક્ષણ છે અને તેથી જ બાળકોના પોષણ, આરોગ્યસંભાળ અને શિક્ષણ તરફના સર્વગ્રાહી અભિગમને પ્રાથમિકતા આપી આ ક્ષેત્રોમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ યથોચિત યોગદાન કરે છે.

આ નવનિર્મિત શાળામાં બિલ્ડીંગ એઝ લર્નિંગ એઇડની વિભાવનાને સાકાર કરતાં વર્ગખંડો અને શાળાની લોબીમાં સુંદર શૈક્ષણિક ચિત્રો બનાવાયાં છે.

JMC School by RILસીસીટીવી કેમેરા, પબ્લિક એડ્રેસ સિસ્ટમ, પીવાના પાણી માટે આરઓ પ્લાન્ટ, ક્લાસરૂમ ફર્નિચર, સાયન્સ લેબોરેટ રી, કોમ્પ્યુટર લેબોરેટરી, કુમારો- ક્ધયાઓ અને શાળાના કર્મચારીઓ માટે અલગ ટોયલેટ બ્લોક્સની સુવિધા ઉપરાંત  કલા- સાંસ્ક્રુતિક પ્રવૃત્તિઓ અને રમત-ગમતને પ્રોત્સાહિત કરવા સ્પોર્ટ્સ કીટ અને સંગીતનાં સાધનોથી પણ આ શાળાને સજ્જ કરવામાં આવી છે. શાળા પરિસરમાં ટ્રી-ગાર્ડ સાથે વૃક્ષારોપણ દ્વારા હરિયાળીનું સર્જન કરવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, જામનગરમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા  ધનરાજ નથવાણીના માર્ગદર્શન હેઠળ હાથ ધરાયેલી વિવિધ સામાજિક પ્રવૃત્તિઓમાં બાળકોના પોષણ, આરોગ્યસંભાળ અને શિક્ષણ તરફના સર્વગ્રાહી અભિગમને પ્રાથમિકતા આપવામાં આવી  છે. જેના ભાગરૂપે જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન અને અક્ષય પાત્ર ફાઉન્ડેશનની સાથે સહયોગીતામાં મધ્યાહ્ન ભોજન કાર્યક્રમ અંતર્ગત બાળકોની પૌષ્ટિક આહારની જરૂરિયાત સંતોષવામાં આવી છે. નવા અત્યાધુનિક સેન્ટ્રલાઇઝ્ડ કિચનમાં સરકારી શાળામાં અભ્યાસ કરતા 50,000 બાળકોને દરરોજ તાજું, આરોગ્યપ્રદ અને પૌષ્ટિક ભોજન પીરસવાની ક્ષમતા છે.

ગુણવત્તાયુક્ત આરોગ્યસંભાળના ક્ષેત્રે ગુજરાતમાં સૌ પ્રથમ 230 પથારીની ક્ષમતા ધરાવતી સર્વગ્રાહી અને સૌથી અદ્યતન તબીબી સાધનોથી સજ્જ પીડિયાટ્રિક કોવિડ કેર હોસ્પિટલ તૈયાર કરીને જામનગર જિલ્લા વહીવટી તંત્રને સોંપવામાં આવી હતી. આમ , જામનગર અને આસપાસના ગ્રામીણ વિસ્તારોમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા સામાજિક ઉત્તરદાયિત્વના ભાગરૂપે થતી પ્રવૃત્તિઓ થકી શિક્ષણ, આરોગ્ય, મહિલા ઉત્કર્ષ, રોજગાર નિર્માણ સહિતના સંખ્યાબંધ ક્ષેત્રોમાં નેત્રદીપક કામગીરી થઈ રહી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.