ચોપાટી ઉપર ભોજન-પ્રસાદનો ભંડારો: યાત્રિકો માટે એસ.ટી. દ્વારા વિશેષ સુવિધા: મેડિકલ નિદાન કેમ્પ તથા ઇમરજન્સી એમ્બ્યુલન્સ સુવિધા: ટ્રસ્ટ દ્વારા સુચારૂ આયોજન
અબતક,જયેશ પરમાર,પ્રભાસ પાટણ
વિશ્ર્વપ્રસિધ્ધ સોમનાથ મહાદેવ મંદિર ખાતે કોરોનાના બે વર્ષના કપરા કાળ બાદ આ વર્ષે કોરોના હળવો થતાં યોજાનાર મહાશિવરાત્રી અંગે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. સોમનાથ મંદિરની ચોપાટી ઉપર યાત્રિકોને વિનામૂલ્યે ભોજન પીરસતા ભોજન ભંડારાઓને જગ્યા ફાળવવામાં આવી છે અને જેને માટેના મંડપો નખાઇ રહ્યા છે. અંદાજે પાંચથી છ ભંડારાઓ યોજાનાર છે.સોમનાથ ટ્રસ્ટ-ટ્રસ્ટી-સચિવ પ્રવિણ લહેરી તથા જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા ડે એન્ડ નાઇટ તડામાર તૈયારીઓમાં ગુંથાયા છે. સોમનાથ ટ્રસ્ટ આવતા ભાવિકોને સલામતી નિયમોના ભાગરૂપે મોબાઇલ, સામાન લગેજ રૂમમાં મુકવા અનિવાર્ય હોય જેથી ટ્રસ્ટે હાલના સામાન, મોબાઇલ ઘરને મંદિર સામેની જૂના પથિકાશ્રમવાળી જગ્યામાં સ્થળાંતર કરી ત્યાં તાબડતોબ નવા મોબાઇલ, સામાન ઘરનું નિર્માણ થઇ રહ્યું છે.
જે મહાશિવરાત્રીથી નવા બિલ્ડીંગમાં તે કાર્યરત થશે. નવું સામાન, મોબાઇલ સાચવવા માટેની જગ્યા 1700 ચોરસ ફૂટમાં બંધાયેલ છે. વિગતે વાત કરીએ તો હાલના મોબાઇલ ઘરમાં 700 મોબાઇલ સાચવવાની ક્ષમતા છે પરંતુ નવા બનેલ આ મોબાઇલ ઘરમાં 1400 નવા બનશે એટલે કે કુલ 2100 મોબાઇલ સાચવી શકાશે.
આ સિવાય ડીજીટલ મોબાઇલ, ચાર્જીંગ સાથેનું ચાર્જવાળું મોબાઇલ ઘર પણ આ કક્ષમાં સમાવી લેવાયુ છે. સંપૂર્ણ આ નવી સગવડતાઓ 88 ફૂટ ડ્ઢ 19 ફૂટ = 1672 ફૂટ બાંધકામ રહેશે. સોમનાથ એસ.ટી. ડેપોના વિભાગીય મેનેજર ભાવેશભાઇ રબારીએ જણાવ્યું કે “એસ.ટી. તંત્ર તા.25/2 થી તા.1/3 સુધી વેરાવળ અને સોમનાથ ડેપોથી જૂનાગઢ, રાજકોટ, અમદાવાદ, વડોદરા તેમજ અન્ય સ્થળોએ યાત્રિકોને મહાશિવરાત્રીએ જવા-આવવા માટે એકસ્ટ્રા એસ.ટી. બસો દોડાવાશે. જે શેડ્યુલ બસોની ટ્રીપ ઉપરાંતની હશે. સોમનાથ મહાશિવરાત્રીએ મેડીકલ નિદાન કેમ્પ તથા ઇમરજન્સી એમ્બ્યુલન્સ સહિતની વ્યવસ્થાઓ પણ ગોઠવાઇ રહી છે.