પ્રસંગમાં જતી વેળાએ કારનું ટાયર ફાટતા મહિલાઓને કાળ આંબ્યો
અબતક, રાજકોટ
મેંદરડાનો પરિવાર ગઇકાલે પ્રસંગમાં વિસાવદરના ચાંપરડા ગામે સામાજીક પ્રસંગમાં જતો હતો ત્યારે કારનું ટાયર ફાટતા કાર ઝાડમાં અથડાયા બે મહિલાનાં ઘટનાસ્થળે કરૂણ મોત નીપજ્યુ છે.
જ્યારે બે લોકોને ઇજા પહોંચતા તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.બનાવની મળતી માહિતી મુજબ મેંદરડામાં રહેતો પરિવાર વિસાવદર નજીક સામાજીક પ્રસંગમાં કારમાં જતો હતો ત્યારે કારનું ટાયર ફાટતા ઝાડમાં અથડાતાં સવિતાબેન વલ્લભભાઇ વઘાસિયા (ઉ.વ.60) અને ભાવનાબેન મણીભાઇ કયાડા (ઉ.વ.48)નું ઘટના સ્થળે કમકમાટીભર્યું મોત નીપજ્યુ છે. જ્યારે પારસ વલ્લભભાઇ વઘાસીયા (ઉ.વ.32) અને પરીબેન પ્રભુદાસભાઇ કયાડા (ઉ.વ.42)ને ગંભીર ઇજા પહોંચી હતી. જેથી તેને સારવાર અર્થે વિસાવદર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. બનાવની જાણ થતા પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે દોડી જઇ જરૂરી કાર્યવાહી હાથધરી છે.