વિશ્વભરના દેશોમાંથી સૌથી વધુ ભારતના બાળકોને ‘નિરાધાર’ બનાવી દેતું કોરોના
અબતક, નવી દિલ્લી
ભારતમાં લગભગ 19.2 લાખ બાળકોએ માર્ચ 2020 થી ઓક્ટોબર 2021 સુધીના શરૂઆતના 20 મહિનામાં કોરોનાને કારણે તેમના માતાપિતામાંથી એક અથવા બંનેને ગુમાવ્યા છે તેવો અહેવાલ લેન્સેટ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યો છે. માતા-પિતાની છત્રછાયા ગુમાવનાર બાળકોની સંખ્યા મામલે ભારતનો આંકડો વિશ્વભરમાં સૌથી મોટો છે. અભ્યાસ કરાયેલા 20 દેશોમાં આ સમયગાળા દરમિયાન કોવિડ-સંબંધિત તેમના માતા-પિતામાંથી ઓછામાં ઓછા એકના મૃત્યુથી અનાથ થયેલા બાળકોની સૌથી વધુ સંખ્યા ભારતમાં છે.
અભ્યાસના તારણો 20 અભ્યાસ દેશોમાં અનાથ બાળકોની કુલ સંખ્યામાં મોટો તફાવત દર્શાવે છે, જે જર્મનીમાં 2400 થી ભારતમાં 19.3 લાખ છે. અન્ય દેશોની વાત કરવામાં આવે તો દર 100 બાળકો દીઠ પેરુ (8.3) અને દક્ષિણ આફ્રિકા (7.2) અંદાજિત નિરાધારના કેસોની ગણતરીએ સૌથી વધુ દર દર્શાવ્યો છે. વૈશ્વિક સ્તરે 1 માર્ચ 2020 થી 30 ઓક્ટોબર 2021 ની વચ્ચે માતા અથવા પિતાની ખોટને કારણે 33 લાખથી વધુ બાળકો અનાથ થયા છે.
વધારાના 18.3 લાખ બાળકો તેમના ઘરમાં રહેતા દાદા-દાદી અથવા વૃદ્ધ પુખ્ત સંભાળ રાખનારના મૃત્યુનો ભોગ બન્યા છે.આ તમામ દેશોના ડેટા એક્સ્ટ્રાપોલેટ કરીને મોડેલિંગ અભ્યાસના અંદાજ મુજબ 18 વર્ષથી ઓછી ઉંમરના ઓછામાં ઓછા 52 લાખ બાળકોએ કોવિડ-19 ને કારણે માતા, પિતા અથવા સંભાળ રાખનારના મૃત્યુનો અનુભવ કર્યો છે.આ આંકડો 1 મે 2021 થી 31 ઓક્ટોબર 2021 સુધીના છ મહિનામાં મહામારીના પ્રથમ 14 મહિના (1 માર્ચ 2020 થી 30 એપ્રિલ 2021) પછીના આંકડાની તુલનામાં બમણો થયો છે.