શનિવારે પરમધામ સાધના સંકુલના પ્રાંગણે યોજાશે
અબતક,રાજકોટ
અજ્ઞાન અને ભ્રમણારૂપી અંધકારમાં અટવાયેલા અનેક હૃદયમાં સત્યની સમજરૂપી પ્રકાશનું આરોપણ કરીને પ્રભુ પંથ તરફ દોરી જઈ રહેલાં દીક્ષાદાનેશ્વરી રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ નમ્રમુનિ મહારાજ સાહેબના શ્રીમુખેથી ગત રવિવારે દીક્ષા અંગિકાર કરનારાં નવ નવ નૂતનદીક્ષિત સંત – સતીજીઓનો પંચમહાવ્રત આરોપણરૂપ વડી દીક્ષા મહોત્સવ આગામી શનિવાર,26વિં ફેબ્રુઆરી, 2022ના શુભ દિવસે પરમધામ સાધના સંકુલના પ્રાંગણે સવારના 7:30 કલાકે આયોજિત કરવામાં આવ્યો છે.
નવદીક્ષિત સોહમમુનિ મહારાજ સાહેબ, પરમ વીરાજ્ઞાજી મહાસતીજી, પરમ શ્રીવત્સલજી મહાસતીજી, શ્રીહિતજ્ઞાજી મહાસતીજી, પરમ શુભમજી મહાસતીજી, પરમ સુનિષ્ઠાજી મહાસતીજી, પરમ મહાપ્રજ્ઞાજી મહાસતીજી, પરમ જિનેશાજી મહાસતીજી તેમજ પૂજ્ય પરમ વિશુદ્ધિજી મહાસતીજીને પરમ ગુરુદેવના શ્રીમુખેથી પંચમહાવ્રત ધારણ કરાવીને સંયમધર્મમાં સ્થિત કરવામાં આવશે. જૈન દર્શનમાં કોઈપણ આત્માને દીક્ષા મંત્ર અર્પણ કરીને એમનો સંયમ ધર્મમાં પ્રવેશ કરાવ્યાં બાદ સાત દિવસથી છ મહિનાના સમયગાળા દરમ્યાન એમને હિંસા, અસત્ય, ચોરી, અબ્રહ્મ અને પરિગ્રહથી સર્વથા ત્યાગ સ્વરૂપ અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ આ પાંચ મહાવ્રતોથી આરોપિત કરીને સંયમ ધર્મમાં સ્થાપિત-ઉપસ્થાપિત કરવાની આવશ્યક વિધિ દર્શાવવામાં આવી છે.
પ્રભુની આજ્ઞાને અનુસરતાં, ગત રવિવારે નવ આત્માઓને દીક્ષામંત્ર દ્વારા સંયમ ધર્મમાં પ્રવેશ કરાવ્યાં બાદ સાતમા દિવસે શનિવારે તેઓને મહાવ્રતોથી આરોપિત કરીને સંયમ ધર્મમાં સ્થાપિત કરવામાં આવશે ત્યારે પરમ કલ્યાણકારી એવા આ સંયમ ધર્મની અને એને અંગિકાર કરનારાં નવ નૂતનદીક્ષિત સંયમી આત્માઓની અનુમોદના કરવાં દરેક ધર્મપ્રેમી આત્માઓને પરમધામ પધારવા ભાવભીનું આમંત્રણ આપવામાં આવ્યું છે.