ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 125 બેઠકો જીતવા માટે રોડ મેપ તૈયાર કરાશે
અબતક-રાજકોટ
દ્વારકાધીશના મંગલકારી સાંનિધ્યામાં આવતીકાલથી ત્રણ દિવસ સુધી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની ચિંતન બેઠક યોજાશે. જેમાં શનીવારે કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી ઉપસ્થિત રહી માર્ગદર્શન આપશે. આ વર્ષના અંતમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં 125 બેઠકો જીતવા રોડ મેપ તૈયાર કરવામાં આવશે. કોંગ્રેસ શાસિત તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓને પણ ચિંતન બેઠકમાં ઉપસ્થિત રહેવા આમંત્રણ પાઠવવામા આવ્યું છે. આજે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ દ્વારકા ખાતે પહોંચી ગયા છે.
ગુજરાતમાં છેલ્લા અઢી દાયકાથી કોંગ્રેસ સત્તા વિહોણી છે. વડાપ્રધાન અને કેન્દ્રીય ગૃહમંત્રીના રાજ્યમાં કોંગ્રેસ સતત નબળી પડી રહી છે. વર્ષ-2017માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં જીતની પ્રબળ સંભાવના ઉભી થવા પામી હતી છતા કોંગ્રેસ થોડી બેઠકો માટે સત્તાથી વંચિત રહ્યુ હતું. આ વર્ષના અંતમાં ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી યોજાવાની છે ત્યારે ગુજરાતમાં સત્તા હાંસલ કરવા માટે કોંગ્રેસ ગંભીરતાથી તૈયારીઓ કરી રહ્યું છે. આવતીકાલથી દેવભૂમિ દ્વારકા ખાતે કોંગ્રેસની ત્રણ દિવસીય ચિંતન શિબિરનો આરંભ થશે. જેમાં સવારે પુજા, ધ્વજારોહણ અને દ્વારકાધીશના દર્શન કરી ચિંતન બેઠક શરૂ કરવામાં આવશે.પ્રથમ દિવસે 35-35 નેતાઓના અલગ-અલગ જૂથ બનાવી 12 મુદ્ાઓ પર વિસ્તુત ચર્ચાઓ કરવામાં આવશે. કોંગ્રેસના ઇતિહાસ, વિચારધારા અને સિધ્ધીઓ અંગેની વિડીયો ક્લિપ પણ કાર્યકરોને દેખાડવામાં આવશે.
ચિંતન શિબિરના બીજા દિવસે કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી હાજરી આપે તેવી પ્રબળ સંભાવના રહેલી છે. રાહુલ ગાંધી કાર્યકરોને વિધાનસભાની ચૂંટણી જીતવા માટેનો મંત્ર આપશે. ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીમાં 125 બેઠકો જીતવા માટે કોંગ્રેસ દ્વારા ચિંતન બેઠકમાં રોડ મેપ તૈયાર કરવામાં આવશે. ગુજરાતના તમામ જિલ્લા તથા તાલુકાઓના 500થી વધુ નેતાઓ, આગેવાનો આ ચિંતન શિબિરમાં ઉ5સ્થિત રહેશે.કોંગ્રેસ શાસિત તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓને આ ચિંતન બેઠકમાં ઉપસ્થિત રહેવા આમંત્રિત કરાયુ છે.