કૃષિ, ખેડૂત અને સહકાર વિભાગ દ્રારા સ્માર્ટ ફોન યોજનાના લાભાર્થી ખેડૂતોને સહાય વિતરણનો કાર્યક્રમ યોજાયો: રૂ.60.91 લાખના ખર્ચે રાજકોટ જિલ્લાના કુલ 1067 લાભાર્થીઓને મોબાઇલનો લાભ અપાયો
અબતક, રાજકોટ
ગુજરાત સરકારના કૃષિ, ખેડૂત અને સહકાર વિભાગ દ્રારા આયોજિત સ્માર્ટ ફોન યોજનાના લાભાર્થી ખેડૂતોને સહાય વિતરણનો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ કલેકટર કચેરી રાજકોટ ખાતે જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરીની અધ્યક્ષતામાં યોજાયો હતો.કલેકટર કચેરી રાજકોટ ખાતે ઉપસ્થિત મહાનુભાવો તથા ખેડૂત મિત્રોએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કેબીનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે આયોજિત કાર્યક્રમનું જીવંત પ્રસારણનું નિહાળ્યું હતું.મુખ્યમંત્રીએ ગુજરાતભરના ધરતીપુત્રોને પ્રેરણા આપતાં જણાવ્યું કે, વડાપ્રધાનએ ડિઝીટલ ક્રાંતિનો જે સંકલ્પ આપણને આપ્યો છે. તેમાં ગુજરાતનો ખેડૂત કયાંય પાછો ન પડે અને ર1મી સદીમાં આ ડિઝીટલ ક્રાંતિની સદીમાં સ્માર્ટ ફોનના વ્યાપક ઉપયોગથી કિસાન પણ સ્માર્ટ-સજ્જ બને તેવી આપણી નેમ છે. આજના યુગમાં શિક્ષણ, માર્કેટીંગ, ફોટોગ્રાફી, જ્ઞાન-વિજ્ઞાન માટે મોબાઇલ ફોનનો ઉપયોગ વધ્યો છે ત્યારે ખેડૂતો પણ ખેતીમાં સ્માર્ટ ફોન અપનાવે તે જરૂરી છે.
રાજ્ય સરકારે ખેડૂતોને આ હેતુસર સ્માર્ટ મોબાઇલ ફોન ખરીદી માટે સહાય આપવાનો ઉદાત્ત અભિગમ અપનાવ્યો છે. આ સ્માર્ટ ફોન ધરતીપુત્રો માટે અત્યંત ઉપકારક બની રહેશે. ખેડૂતને હવે વિવિધ સહાય-લોન માટે, વાતાવરણનો વર્તારો જાણવા, ખાતર-બિયારણ પાક પદ્ધતિ જેવી વિગતો અને માહિતી માટે ખેતર છોડી કયાંય જવું પડશે નહિ, પોતાના ખેતરમાં બેઠાં જ તેને એટ વન કલીક આ બધી સુવિધા સ્માર્ટ ફોનમાં હાથવગી થશે. રાજ્યના કૃષિ વિભાગે શરૂ કરેલા આઇ-ખેડૂત પોર્ટલ પર એક જ વર્ષમાં ઓનલાઇન એપ્લીકેશનની સંખ્યા ર7 લાખ 30 હજારે પહોચી છે તે જ ધરતીપુત્રોની જાગૃતિનું પ્રમાણ છે મુખ્યમંત્રીએ ખેડૂતો-કૃષિકારોને ડ્રોન ટેક્નોલોજીના ઉપયોગથી દવા છંટકાવ સહિતની કૃષિવિષયક પદ્ધતિ તથા પ્રાકૃતિક ખેતીના વધુને વધુ ઉપયોગથી ઝીરો બજેટ-રસાયણમુકત ખેતી તરફ વળવા પણ આહવાાન કર્યુ હતું.
રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકાના પાંભર ઈટાળા ગામના નિકુંજભાઈ કથીરીયાને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ગાંધીનગર ખાતે મોબાઈલ ખરીદીની સહાય ચુકવવામાં આવી હતી.આ તકે જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરીએ કહ્યું હતું કે, ખેડૂતો સ્માર્ટ ફોનનો ઉપયોગ ખેતી વીષયક કામગીરી માટે કરશે. તેનાથી હરીત ક્રાંતિ અને ડિજીટલ ક્રાંતિનો સુભગ સમન્વય યોજાશે. સ્માર્ટ ફોનના માધ્યમથી ખેડૂતો આઇ ખેડૂત પોર્ટલ પરથી વિવિધ યોજનાઓની જાણકારી મેળવી શકશે. હવામાન ખાતાની આગાહી, વરસાદની આગાહી, સંભવિત રોગ જીવાત ઉપદ્રવની માહિતી અને નિયંત્રણની તકનીકી સહિતની જાણકારી મેળવીને સ્માર્ટ ખેતી તરફ આગળ વધી શકશે. ખેડૂતો આ મોબાઇલના માધ્યમથી સરકારની વિવિધ ખેડૂતલક્ષી યોજનાઓની જાણકારી આંગળીના ટેરવે મેળવી શકશે.અત્રે ઉલ્લેખનિય છે કે, રાજકોટ જિલ્લામાંથી કુલ 3,384 અરજીઓ મંજૂર કરવામાં આવી છે, જે પૈકી કુલ 1067 લાભાર્થીઓને રૂ. 60.91 લાખના ખર્ચે મોબાઇલ વિતરણની મંજૂરી આપવામાં આવી છે.
આ તકે જિલ્લા અધિક નિવાસી કલેકટર કેતન ઠક્કર, રાજકોટ પ્રાંત અધિકારી કે.જી.ચૌધરી, જિલ્લા ખેતીવાડી અધિકારી આર.આર.ટીલવા, સંયુક્ત ખેતી નિયામક એસ.કે.જોષી, મદદનિશ ખેતી નિયામક જલ્પાબેન વેગળ, સીમા શર્મા સહિત લાભાર્થી ખેડૂત મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.
ક્યાં તાલુકાની કેટલી સહાય અરજી મંજુર ?
રાજકોટ તાલુકામાં 88
લોધીકા તાલુકામાં 91
પડધરી તાલુકામાં 40
જામકંડોરણા તાલુકામાં 156
ઉપલેટા તાલુકામાં 197
ધોરાજી તાલુકામાં 155
જસદણ તાલુકામાં 26
વિછીયા તાલુકામાં 24
ગોંડલ તાલુકામાં 156
જેતપુર તાલુકામાં 79
કોટડા સાંગાણી તાલુકામાં 55