કોંગેસનું જહાજ ડૂબી રહ્યું છે, નેતાઓ ભાજપ ભણી દોટ મૂકી રહ્યા છે, એ મુદ્દાથી ધ્યાન ભટકાવવા કોંગ્રેસની ચાલ: રૂપાણી
500 કરોડ રૂપિયાનું તો શું, 5 રૂપિયાનું પણ કૌભાંડ થયું નથી. કમળો હોય તેને પીળું જ દેખાવાનું છે
કોઈપણ જાતની તપાસ માટેની મારી તૈયારી છે, કારણ કે સાંચને ક્યારેય આંચ આવતી નથી
શહેરના વિકાસ માટે માત્ર મારી જ નહીં દરેક સરકાર સdમય અને સંજોગ અનુસાર ઝોનફેર કરતી હોય છે
કોંગ્રેસ જે 500 કરોડની વાત કરે છે એ પણ ખોટી છે. જમીન જ કુલ આશરે 75 કરોડની છે, તો પછી 500 કરોડનું કૌભાંડ કેમ થઈ શકે?
કોંગ્રેસનાં તમામ આક્ષેપોનો સોઈ ઝાટકી ને ઠેઠ અમેરિકાથી જવાબ આપતા પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી
રાજકોટ રૂડામાં સમાવેશ આણંદપર, નવાગામ અને માલીયાસણનાં જુદા જુદા 20 સર્વે નંબરોની 111 એકર જમીનમાં 500 કરોડનું કૌભાંડ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કર્યાનો આક્ષેપ ગુજરાત કોંગ્રેસ વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવા, ઉપનેતા શૈલેષ પરમાર, કોંગ્રેસના દંડક સી.જે.ચાવડા સહિતના કોંગ્રેસ નેતાઓએ કર્યો છે જે આક્ષેપને પાયાવિહોણા ગણાવતા વિજયભાઈ રૂપાણીએ અમેરિકાથી જણાવ્યું છે કે, મારો પુત્ર ઉચ્ચ અભ્યાસ અર્થે અમેરિકામાં રહે છે, છેલ્લા અગિયાર વર્ષોથી અમેરિકા જઈ શકાયું નથી, આજ સુધી પરિવાર સાથે રહેવાનો મોકો બહું ઓછો મળ્યો છે. હવે મુખ્યમંત્રીપદમાંથી રાજીનામું આપ્યા બાદ થોડો સમય હોવાથી અમેરિકા ગયો છું. સાડા પાંચ દસકથી સતત સેવાકીય – રાજકીય પ્રવૃત્તિ સાથે સંકલાયેલો છું. મારા પર કરવામાં આવેલા તમામ આક્ષેપ પાયાવિહોણા છે. મેં નિસ્વાર્થપણે સૌના કામ કર્યા છે અને ક્યારેય એકપણ કામમાં કૌભાંડ કર્યું નથી.
500 કરોડનાં ભ્રષ્ટાચારનાં વાહિયાત આક્ષેપો મને બદનામ કરવાનું રાજકીય ષડયંત્ર
કોંગેસનું જહાજ ડૂબી રહ્યું છે, નેતાઓ ભાજપ ભણી દોટ મૂકી રહ્યા છે, એ મુદ્દાથી ધ્યાન ભટકાવવા @INCGujarat ની ચાલ
500 કરોડ રૂપિયાનું તો શું, 5 રૂપિયાનું પણ કૌભાંડ થયું નથી. કમળો હોય તેને પીળું જ દેખાવાનું છે pic.twitter.com/KRrQUmmoLh— Vijay Rupani (@vijayrupanibjp) February 22, 2022
વિજયભાઈ રૂપાણીએ વધુમાં જણાવ્યું છે કે, 500 કરોડ રૂપિયાનું તો શું, 5 રૂપિયાનું પણ કૌભાંડ થયું નથી. કમળો હોય તેને પીળું જ દેખાવવાનું છે. કૌભાંડિયા કોંગ્રેસીઓને કૌભાંડ સિવાય કશું દેખાતું જ નથી. કોઈપણ જાતની તપાસ માટેની મારી તૈયારી છે, કારણ કે સાચને ક્યારેય આંચ આવતી નથી. છેલ્લા કેટલાંક સમયથી મારી રાજકીય કારકિર્દીને બદનામ કરવાનું કાવતરું ચાલી રહ્યું છે જેના ભાગરૂપે કોંગ્રેસે 500 કરોડ રૂપિયાનું કૌભાંડ કર્યાનો ખોટો આક્ષેપ લગાવ્યો છે, કોંગ્રેસ નેતાઓએ કરેલો બિનપાયાદાર આક્ષેપ તદ્દન જુઠ્ઠો છે. રાજકોટના ઔદ્યોગિક વિકાસ માટે જમીન ફેરબદલની મેં મંજૂરી આપી છે અને આ જમીન હેતુ ફેરબદલની મંજૂરીમાં કે અન્ય કોઈપણ બાબતમાં કૌભાંડ કે ગોટાળાને કોઈ સ્થાન જ નથી, કશું ખોટું થયાનો સવાલ જ નથી. જમીન હેતુ ફેરબદલની સમગ્ર પ્રક્રિયા સ્પષ્ટ છે.
મારે જેની સાથે કશું લાગતુંવળગતું જ નથી તેવા વર્ષો જૂના નેપાળી આત્મવિલોપન કેસમાં હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી, જે અરજી હાઈકોર્ટે વખતોવખત નકારી દીધી છે. રાજકોટ પોલીસ કમિશનરના સંદર્ભમાં પણ મને બદનામ કરવાના અનેક પ્રયત્નો કરવામાં આવ્યા છે, જેમાં પણ મારી કોઈ ભૂમિકા કે મારા પર થયેલા આક્ષેપ સાચા સાબિત થયા નથી. અને હવે આ 500 કરોડનું કૌભાંડ કર્યાનો તદ્દન પુરાવા વિહોણો આક્ષેપ કરી કોંગ્રેસ માત્રને માત્ર મારી રાજકીય કારકિર્દી બદનામ કરવાનું કાવતરું ઘડી રહી છે, કોંગ્રેસ પાસે પહેલા પણ મુદ્દા ન હતા, આજે પણ મુદ્દા નથી એટલે ફક્તને ફક્ત મનફાવે તેવો બકવાસ કરે છે.
જો કોંગ્રેસે કરેલા બેબુનિયાદ આક્ષેપની વાત કરવામાં આવે તો, રાજકોટના ઔદ્યોગિક વિકાસ માટે મેં રેસિડેન્શિયલ ઝોનમાંથી ઈન્ડસ્ટ્રીયલ ઝોનમાં ફેરબદલ કરી છે. રેસિડેન્શિયલ ઝોનમાં ગડબડ થવાની શક્યતા હોય છે. એગ્રીકલ્ચર કે ઈન્ડસ્ટ્રીયલ ઝોનને રેસિડેન્શિયલ ઝોનમાં ફેરવવામાં આવે તો ગડબડ થવાની શક્યતા હોય છે. ઔદ્યોગિક રાજકોટના વિકાસ માટે મેં જે મંજૂરી આપી છે તે જુદી છે.
રેસિડેન્શિયલ ઝોનમાંથી ઈન્ડસ્ટ્રીયલ ઝોનમાં ફેરબદલ થઈ છે, ઈન્ડસ્ટ્રીયલ ઝોનમાંથી રેસિડેન્શિયલ ઝોનમાં ફેરબદલ થઈ નથી. શહેરના વિકાસ માટે માત્ર મારી જ નહીં દરેક સરકાર સમય અને સંજોગ અનુસાર ઝોનફેર કરતી હોય છે. આ સિવાય કોંગ્રેસ જે 500 કરોડની વાત કરે છે એ પણ ખોટી છે. જમીન જ કુલ આશરે 75 કરોડની છે, તો પછી 500 કરોડનું કૌભાંડ કેમ થઈ શકે? આટલું જ નહીં પરંતુ મેં ક્યારેય ખોટું કર્યું નથી અને ખોટું કરીશ પણ નહીં એટલે કોઈપણ પ્રકારની તપાસ માટે તૈયાર છું.
મારા મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન 400 ટીપી સ્કીમ બનાવી છે, 40 જેટલા ડી.પી. – ડેવલોપમેન્ટ પ્લાન મંજૂર કર્યા છે. અબજો રૂપિયાના વિકાસ કાર્યો મંજૂર કર્યા છે. ક્યારેય ભ્રષ્ટાચાર કર્યો પણ નથી અને થવા પણ નથી દીધો. આટઆટલા જનસેવાના પ્રજાકીય કાર્યો પછી મેં એક રૂપિયાનું પણ કૌભાંડ કર્યું છે તેવું કોઈ કહી શકે તેમ નથી, સહારાએ યુપીએની સરકારમાં ગોટાળા કર્યા છે, કોંગ્રેસ સરકારમાં સહારાએ કરેલા ગોટાળા કોંગ્રેસને દેખાતા નથી અને હવે મુદ્દાઓ નથી એટલે સહારાનું નામ લઈ ખોટી આક્ષેપબાજી કરે છે. ભાજપ સરકારે સહારા પાસેથી 25 હજાર કરોડ રૂપિયા ભરાવ્યા છે.
જે-તે વખતે દેશભરમાં પણ એકસો જેટલી જગ્યાએ જમીનો સહારાએ ખરીદી હતી. પાછળથી તેમના પ્રોજેક્ટ – સ્કીમ પૂરા થયા નહીં અને લોકોએ તે જમીનો ખરીદી તેના પૈસા પણ જમીન ખરીદદારોએ સીબીમાં ભર્યા છે, સહારાને નથી આપ્યા.
અંતમાં ફરી મારે એટલું જ કહેવું છે કે, એગ્રીકલ્ચર ઝોનની કોઈ જમીનને ઈન્ડસ્ટ્રીયલ ઝોનમાં ફેરવવામાં આવે તો તેની કિંમત વધી જાય અને કૌભાંડની શક્યતા રહે પરંતુ આ જમીન રેસિડેન્શિયલ ઝોનમાં આવેલી હતી અને તેને ઈન્ડસ્ટ્રીયલ ઝોનમાં ફેરવવામાં આવેલી છે. રેસિડેન્શિયલની જમીનના ભાવ હંમેશા ઈન્ડસ્ટ્રીયલ જમીનના ભાવ કરતાં વધારે હોય છે તેથી આ પ્રકારના ઝોન ફેરબદલને કૌભાંડ કહી શકાય નહીં. રાજકોટમાં નવાગામ માલીયાસણમાં ઈન્ડસ્ટ્રીઝ વધુ આવેલી છે તેથી રાજકોટમાં વધુ ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ થાય તે માટે રેસીડેન્સીયલ જમીનને ઈન્ડસ્ટ્રીયલ ઝોનમાં ફેરવેલી હતી. વળી, જમીનની કુલ બજાર કિંમત 75 કરોડ આસપાસ છે તેથી 500 કરોડના કૌભાંડની વાત હાસ્યાસ્પદ છે.
જન્મજાત કૌભાંડ કરવા ટેવાયેલી કાંગ્રેસને દરેક વાતમાં કૌભાંડ દેખાય છે. કૌભાંડો રાતોરાત થતા હોય છે જ્યારે આ આખા મામલામાં રૂડાએ ૨૦૧૮માં આ જમીનને ઈન્ડસ્ટ્રીયલ ઝોનમાં ફેરવવા ઠરાવ કરેલો અને જુન ૨૦૨૧માં અઢી વર્ષ બાદ કાયદાની તમામ પ્રક્રિયા પૂર્ણ કરીને ઝોન ફેર કરવામાં આવ્યો છે તેથી એક કોડીનું પણ કૌભાંડ થયું હોવાનો કોઈ પ્રશ્ન જ નથી એવું પૂર્ણ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું છે.