પોલીસને તપાસનો અધિકાર ન હોવા છતાં દખલગીરી કરી પ્રકરણ સંકેલ્યુ
જુનાગઢ ચકચારી આર્ક રબર કંપની તેમજ આર્ક રબ્બર પ્રાઈવેટ લીમીટેડને બેંકે આપેલ લોનમાં ગોટાળા થયાની ફરિયાદ પ્રથમ બેંકને અને બાદમાં પોલીસને કરાઈ હતી. આ પ્રકરણમાં પોલીસે આંશિક તપાસ કરી સંતોષ માની લીધો હતો. દસ લાખથી વધુની રકમની તપાસ સીબીઆઈ ક્રાઈમને સોંપવી આવો નિયમ હોવાનું લેખિતમાં ફરિયાદીએ આઈજીને કરાયા પછી પણ જુનાગઢ પોલીસના પી.આઈએ આ તપાસ પૂર્ણ કરી સીસમરી ભરી નાખતા ફરિયાદીએ હાઈકોર્ટ સમક્ષ આ વાત મુકતા આઈજી તેમજ પીઆઈને આગામી તા.૨૮ના હાજર રહેવા હાઈકોર્ટે નોટિસ ફટકારતા પ્રકરણમાં નવો વળાંક આવ્યો છે. આની સાથે ગઈકાલે બેંક ઓફ બરોડા દ્વારા આજ પેઢીના ભાગીદારોને અન્ય અઢી કરોડની લોનના જામીને પોતાની ખોટી સહીથી લોન થયાનું સોગંદનામું કરતા મોટા ધડાકાના અણસાર સેવાઈ રહ્યા છે. આ અંગે વધુ વિગત અનુસાર જેતપુરની આર્ક રબ્બર કંપનીને ભુતકાળમાં આપેલ ૧ કરોડની લોન બાદ તેના ભાગીદારે પોતાની જવાબદારી અંગે બેંકને ફરિયાદ કરતા બેંકે અન્યો પાસેથી આ લોનની વસુલાત કરાવી આજ કંપનીના અન્ય ભાગીદારોને વધુ અઢી કરોડની લોન આપી હતી. જે લોનમાં પણ ફરિયાદી તુષાર સોજીત્રા જામીન હતા આ તુષાર સોજીત્રાએ બેંકને ભુતકાળમાં ફરિયાદ કરી હતી કે બેંકના સીસી રીન્યુઅલના કાગળોમાં ખોટી સહીઓ થવાની ફરિયાદ પ્રથમ બેંકને અને બાદમાં પોલીસને આપી હતી. જો કે આખા મામલામાં એક જ જગ્યાએ એક કરોડની લોન બાદ વધુ અઢી કરોડની લોન બેંકે આપી દેતા આમાં બેંક ફરિયાદીને પ્રથમ નજરમાં જ શંકાના દાયરામાં હતી. ત્યારબાદ મામલો પોલીસ સુધી પહોંચતા પોલીસે આખાય પ્રકરણમાં સીસમરીભરી જવાબદારી નિભાવી લીધી હોવાનો સંતોષ માની લીધો હતો. બાદમાં આ પ્રકરણ હાઈકોર્ટ સુધી પહોંચતા તે દરમિયાન જુનાગઢ આઈજીને ફરિયાદીએ આરબીઆઈ તેમજ સીવીસીના નિયમને ધ્યાનમાં લઈ ૧૦ લાખથી વધુની તપાસનો અધિકાર પોલીસ પાસે ન હોય આની તપાસ સીઆઈડી અથવા સીબીઆઈને સોંપવા માંગણી કરી હતી. જેમાં પણ પોલીસે ઉદાસીનતા સેવતા ફરિયાદીએ હાઈકોર્ટનું ધ્યાન દોરતા હાઈકોર્ટે આઈજીને આ અંગે આગામી તા.૨૮ના રોજ આ અંગેનો જવાબ આપવા નોટીસ આપી હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ આખાય મામલામાં આરબીઆઈ તેમજ સીવીસીની ગાઈડલાઈન મુજબ તપાસ ન થઈ હોવાની વાત ચાલુ હતી ત્યાંજ આર્ક રબ્બર પ્રાઈવેટ લીમીટેડની અઢી કરોડનીલોનના જામીન હરેશ વજુભાઈ પાઘડારએ એવા પ્રકારનું સોગંદનામું ફાઈલ કર્યુ કે જેનાથી આખુય પ્રકરણ નવા જ વળાંક ઉપર આવીને ઉભુ રહી જવા પામ્યું છે. આ અઢી કરોડની લોનમાં પોતે જામીન ન હોવા તેમજ આ જામીનગીરીની સહીઓ પોતાની ન હોવાનું ધડાકો તેમણે કરતા આખોય મામલો ગરમાવા પામ્યો છે સાથે સાથે તેણે આ સોગંદનામામાં તેવી પણ સ્પષ્ટતા કરી છેકે તેમનું નિવેદન કયારેય લેવામાં આવ્યું નથી. આખી ઘટનાને ઉપર છલ્લી નજરે જોતા જ ફરિયાદી સહિત બુઘ્ધજીવીઓને હાલ સ્પષ્ટ કંઈક રંધાયું હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે.