સેન્સેકસમાં 1012 પોઈન્ટ અને નિફટીમાં 286 પોઈન્ટનો તોતીંગ કડાકો
રશિયા અને યુક્રેન વચ્ચે સતત વધતી તંગદીલીએ ભારતીય શેર બજારની માઠી બેસાડી દીધી છે. આજે ઉઘડતી બજારે સેન્સેકસ અને નિફટી ઉંધા માથે પટકાયા હતા રોકાણકારોમાં ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે. બજારનો રૂખ પારખવો મુશ્કેલ બની ગયો છે. એક તરફ શેર બજારમાં મંદીનો માહોલ છવાયો છે.જયારે બીજી તરફ બૂલીયન બજારમાં તેજીનો તોખાર જોવા મળી રહ્યો છે. વિશ્ર્વભરનાં બજારોમાં હાલ ભારે અનિચ્છતતા જોવા મળી રહી છે. આજે મંગળવાર ભારતીય શેર બજાર માટે અમંગળકારી સાબિત થયો હતો. સેન્સેકસ અને નિફટી ઉંધા માથે પટકાયા હતા અને સેન્સેકસ 57 હજાર અને નિફટીએ 17 હજારની સપાટી તોડતા રોકાણકારોમાં ફફડાય વ્યાપી જવા પામી હતી બેંક નિફટી અને નિફટી મીડકેપ ઈન્ડેકસ જોરદાર કડાકો બોલી ગયા હતા. ઈન્ટ્રાડ્રેમાં સેન્સેકસ 56394.85ના નીચલા લેવલ સુધી પહોચી ગયો હતો.
આજે સેન્સેકસમાં 1200થી વધુ પોઈન્ટનો કડાકો બોલી ગયો હતો. જોકે ત્યારબાદ રિકવરી જોવા મળી હતી. જયારે નિફટીએ ઈન્ટ્રા ડેમાં 16843.80 ની સપાટી એ પહોચી ગયો હતો. સેન્સેક્સમાં 350થી વધુ પોઈન્ટનો કડાકો બોલી ગયો હતો. આજની મંદીમાં એકમાત્ર ઓએનજીસીનાં ભાવમાં ઉછાળો જોવા મળ્યો હતો. આજે ટીસીએસ, યુપીએલ, કોલ ઈન્ડીયા, ભારતી એરટેલ અને ટાટા મોટર્સનાં ભાવમાં કડાકો બોલી ગયો હતો.
આ લખાય રહ્યું છેત્યારે સેન્સેકસ 1012 પોઈન્ટના કડાકા સાથે 56671 અને નિફટી 286 પોઈન્ટના કડાકા સાથે 16920 પોઈન્ટ પર કામકાજ કરી રહ્યા છે.જયાં સુધી રશિયા અને યુક્રેન વચ્ચે સ્થિતિ સ્પષ્ટ નહી થાય ત્યાં સુધી બજારમાં મંદીનો માહોલ યથાવત રહેશે. તેવું જાણકારો માની રહ્યા છે.