કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ પોતાના અમેરિકાના પ્રવાસ દરમિયાન છેલ્લા દિવસે ન્યૂયોર્કના ટાઈમ્સ સ્કવેર પર ભારતીય સમુદાયના લોકોને સંબોધન કર્યું. રાહુલે પોતાના ભાષણમાં કેન્દ્રની મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા. આ અવસરે તેમણે મોદી સરકારની નીતિઓ, બેરોજગારી, દેશમાં થઈ રહેલી હિંસક ઘટનાઓ અને ઈન્ટોલરન્સ પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે આ બધી વસ્તુઓથી દુનિયામાં ભારતની છબી બગડી રહી છે. જો કે રાહુલના ભાષણના મુખ્ય મુદ્દાઓમાં રોજગાર મહત્વનો બની રહ્યો. તેમણે રોજગારીને ભારતની સૌથી મોટી સમસ્યા ગણાવી. સાથે સાથે કહ્યું કે કોંગ્રેસ પાર્ટી પાસે બેરોજગારીને દૂર કરવાનો ફોર્મ્યુલા પણ છે. તેમણે કહ્યું કે રોજગારી વધારવી હોય તો નાની અને મધ્યમ કંપનીઓને પણ પ્રોત્સાહન આપવું જોઈએ. કોંગ્રેસ પાસે આ માટે વિઝન છે. આ અગાઉ રાહુલ ગાંધી પ્રિન્સ્ટન અને બર્કલે યુનિવર્સિટીમાં સ્પીચ આપી ચૂક્યા છે.

રાહુલે કહ્યું કે બિન-નિવાસી ભારતીય ભારતની કરોડરજ્જુ છે. કોંગ્રેસનું અસલી આંદોલન એનઆરઆઈ મૂવમેન્ટ જ હતું., ગાંધી, નેહરુ, પટેલ તમામ એનઆરઆઈ હતા . આ તમામ લોકો વિદેશમાં રહ્યા અને તેમણે ભારત પાછા ફરીને દેશ માટે કામ કર્યું. ભારતમાં શ્વેત ક્રાંતિ કરનારા ડો. કુર્રિયન પણ એનઆરઆઈ હતા.

કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું કે રોજગારીની સમસ્યા એટલા માટે વકરી રહી છે કારણ કે આજકાલ ફક્ત ૫૦-૬૦ કંપનીઓ ઉપર જ ફોકસ કરવામાં આવી રહ્યું છે. જો રોજગારી વધારવી હોય તો નાની અને મધ્યમ કદની કંપનીઓને પણ પ્રોત્સાહન આપવું પડશે. કૃષિ રણનીતિક સંપત્તિ છે, આપણે ભારતીય કૃષિને સશક્ત બનાવવાની જરૂર છે. તેમણે કહ્યું કે ભારતમાં ૩૦૦૦૦યુવાઓ દરરોજ જોબ માર્કેટમાં આવે છે. પરંતુ તેમાંથી માત્ર ૪૫૦  જેટલા લોકોને જ રોજગાર મળી શકે છે. આજે ભારત માટે બેરોજગારી સૌથી મોટો પડકાર છે.

 


વિદેશોમાં ભારતની છબી બગડવાની વાતને લઈને રાહુલ ગાંધીએ કહ્યું કે ભારત હજારો વર્ષોથી એક્તા અને શાંતિ સાથે રહેવા માટે દુનિયાભરમાં જાણીતુ છે પરંતુ હવે આ છબીને બગાડવામાં આવી રહી છે. દેશમાં એવી કેટલીક તાકાતો છે જે ભારતના ભાગલા પાડી રહી છે. તેમણે કહ્યું કે અમેરિકામાં અનેક ડેમોક્રેટિક અને રિપબ્લિક નેતાઓએ મને પૂછ્યું કે તમારા દેશમાં આજકાલ શું ચાલી રહ્યું છે, તમારો દેશ તો શાંતિ માટે પ્રખ્યાત હતો. રાહુલે કહ્યું કે લોકો મને પૂછે છે કે ભારતની સહિષ્ણુતાને શું થયું?

રાહુલ ગાંધીએ પોતાના અમેરિકાના પ્રવાસ દરમિયાન જેટલી પણ વાર ભાષણ આપ્યું તેમાં તેમણે મોદી સરકારને ટારગેટ કરી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.