અબતક,રાજકોટ
વિશ્વનાં સૌથી ઝડપથી વિકસતા શહેરોમાં રાજકોટને મળેલા સ્થાનને અનુરૂપ તેમજ “રંગીલા રાજકોટ”ની સાંસ્કૃતિક ઓળખ યથાવત રાખી શહેરની વિકાસની ગતિ જાળવી રાખવાના પ્રયાસના ભાગરૂપે રાજકોટ મહાનગરપાલિકાના વર્ષ: 2022-23 માટે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલ અને સ્ટેન્ડિંગ કમિટીએ રૂ.2355.78 કરોડનું વાસ્તવિક બજેટ મંજુર કરેલ છે, જેમાં મ્યુનિ. કમિશનર સુચવેલા બજેટના કદમાં રૂ.25.10 કરોડની નવી યોજનાઓ ઉમેરી પ્રજાલક્ષી અભિગમનો સિલસિલો આગળ ધપાવવા બદલ મેયર ડો. પ્રદિપ ડવે અભિનંદન પાઠવ્યા હતા.
રાજકોટ મહાનગરપાલિકાની ક્ષમતા અને કાર્યદક્ષતા પ્રદર્શિત કરે છે. નાગરિકો પ્રત્યેની સંવેદનશીલતા અને પ્રતિબધ્ધતા બરકરાર રાખતા વહીવટી તંત્ર આગામી નાણાંકીય વર્ષમાં પણ આ સિલસિલો જાળવી રાખશે તેવો અમોને વિશ્વાસ છે.તેઓએ ઉમેર્યું હતુ કે કોરોના મહામારીને નજર સમક્ષ રાખી કરદાતાઓ પ્રત્યે ઉમદા વલણ અપનાવાયું છે. ખાસ કરીને છેલ્લા બે વર્ષના કપરા કાળમાં પણ લોકોએ નિયમિત કરવેરા ચૂકવી પોતાની નાગરિક તરીકેની ફરજો નિભાવી છે તેઓને વિશેષ પ્રોત્સાહન આપવાનો સ્ટેન્ડિંગ કમિટીએ નિર્ણય કર્યો છે. આ ઉપરાંત દિવ્યાંગ લોકોને પણ કરમાં વિશેષ રાહત આપી સંવેદનશીલતા દાખવી છે. કોરોના કાળમાં મહાનગરપાલિકાના મહત્તમ આર્થિક સંસાધનો સ્વાસ્થ્યલક્ષી કામગીરી માટે ખર્ચાયા છે, આમછતાં નાગરિકો ઉપર વધારાનો કરબોજ નાંખ્યો નથી.
મ્યુનિ. કમિશનરે નવા વાહનની ખરીદી પરના કરમાં સૂચવેલ વધારો પણ મહદ અંશે ફગાવી, સાવ નજીવો એવો વધારો કરાયો છે. આ ઉપરાંત રાજકોટમાં ભળેલા નવા ગામોને સત્વરે પાયાની પ્રાથમિક સુવિધાઓ મળવા લાગે તે બાબતને બજેટમાં અગ્રતા આપવાનો પ્રયાસ કરવામાં આવેલ છે. આગામી નાણાંકીય વર્ષમાં મ્યુનિ. વહીવટી તંત્ર વધુ લોકભોગ્ય બને અને નાગરિકો માટે વધુ સરળતાથી વિવિધ સેવાઓ ઉપલબ્ધ બને તે માટે મોડર્ન ટેકનોલોજીના સથવારે વર્ચ્યુઅલ સિવિક સેન્ટર શરૂ કરાવી વહીવટી સુધારણાનો પ્રયાસ કરવામાં આવશે.
રાજકોટ મહાનગરપાલિકાએ હાલ પ્રગતિમાં રહેલ ઓવરબ્રિજ સહિતના મોટા પ્રોજેક્ટ સમયબધ્ધરીતે પૂર્ણ થાય તે પ્રકારનો અભિગમ અપનાવેલ છે. ગત સમયમાં રાજકોટની ટ્રાફિક સમસ્યા ક્રમશ: હળવી કરવાના ભાગરૂપે આમ્રપાલી ફાટક ખાતે અને લક્ષ્મીનગર નાળા ખાતે શાનદાર અન્ડરબ્રિજનું નિર્માણ કરાવડાવી લોકોની સેવામાં અર્પિત કરેલ છે, એવી જ રીતે આગામી સમયમાં શહેરને પ્રાપ્ત થનાર વધુ પાંચ ઓવરબ્રિજ પણ લોકોની સુવિધામાં વધારો કરશે.નવા ભળેલા વિસ્તારોના ઝડપી વિકાસ માટે સ્ટેન્ડિંગ કમિટીએ ગહન ચર્ચાવિચારણા બાદ રૂ.400 લાખના વિવિધ કામો અને પ્રોજેક્ટ્સ બજેટમાં સામેલ કર્યા છે. અલબત્ત તેમાં પીવાના પાણી અને ડ્રેનેજની સુવિધા પર વિશેષ ભાર મુકવામાં આવેલ છે.
હાલમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પર્યાવરણની જાળવણીનાં પ્રયાસોના ભાગરૂપે રામવન, નવા બાગબગીચા, વ્રુક્ષારોપણ, ઇલેક્ટ્રિક બસ, નવો સોલાર પાવર પ્લાન્ટ વગેરે જેવા પ્રયાસો હાથ ધરવામાં આવી રહયા છે. આગામી વર્ષમાં મહાનગરપાલિકા અન્ય એક મહત્વપૂર્ણ વિષય હાથ પર લેશે, જેમાં રાજકોટને પીવાના પાણીની બાબતમાં સ્વનિર્ભર બનાવવાના પ્રયાસરૂપે નવા જળ સ્રોત ઉભા કરવા તેમજ જળ સંચય અને પાણીના કરકસરયુક્ત ઉપયોગ જેવી બાબતને લઈને તજજ્ઞો પાસેથી સલાહ સૂચનો મેળવવામાં આવશે અને તે પૈકી જે કોઈ યોજના શકય બને તેને અમલમાં મુકવાનું આયોજન આગળ ધપાવવામાં આવશે. અલબત્ત “સૌની યોજના”ને પણ યાદ કરવી રહી કેમ કે, આ યોજના હેઠળ રાજકોટને મળી રહેલા નર્મદા નીરને કારણે જળકટોકટી ભૂતકાળ બની ચુકી છે.