એકવાર ‘દિલ’થી સાંભળી તો જુઓ, મને ‘ધબકારા’ બનતા વાર નહીં લાગે….. સ્ટે.ચેરમેન પુષ્કર પટેલનો શાયરાના અંદાજ
અબતક-રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકાનું વર્ષ-2022-23નું રૂા.2355.78 કરોડના બજેટને આજે સામાન્ય સભા દ્વારા મંજૂરીની મહોર મારવામાં આવી હતી. આગામી નાણાકીય વર્ષમાં શાસકો દ્વારા વાહન વેરામાં કરવામાં આવેલા વધારાના કારણે શહેરીજનો પર રૂા.8.50 કરોડનો નવો કરબોજ ઝીંકવામાં આવ્યો છે. જેનો વિપક્ષ કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. ભાજપના કોર્પોરેટરોએ બજેટને વાસ્તવિક અને લોકાભિમુખ ગણાવ્યું હતું. જ્યારે બીજી તરફ વિપક્ષને આંકડાની માયાજાળ ગણાવી વિરોધ નોંધાવ્યો હતો.
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઇ પટેલે જનરલ બોર્ડ સમક્ષ બજેટ મંજૂરી અર્થે રજૂ કરતા જણાવ્યું હતું કે આજથી બે દાયકા પૂર્વે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ દેશને વિકાસની નવી એક પરિભાષાનો પરિચય કરાવ્યો છે. દેશ સમક્ષ ગુજરાત એક વિકાસ મોડેલ તરીકે ઉભરી રહ્યું છે. ગુજરાતની વૈશ્ર્વિક પ્રગતિમય છબી આકાર માપી ચુકી છે. જેમાં એક-એક શહેર અને ગામડાનું યોગદાન રહેલું છે. રાજ્યમાં છેલ્લા બે દશકામાં શહેરીકરણની પ્રક્રિયાને વેગ મળી રહ્યો છે. ત્યારે શહેરી વિકાસને પુરૂં પ્રાધાન્ય આપવું તે સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ફરજ બની ચુકી છે.
રાજકોટ મહાનગર પાલિકાએ આ ફરજ ખૂબ જ નિષ્ઠા સાથે અને સફળતાપૂર્વક નિભાવી છે. જેના કારણે આજે વિશ્ર્વના સૌથી ઝડપથી વિકસતા શહેરોમાં રાજકોટને સ્થાન પ્રાપ્ત થયું છે. નાગરિકોને અપેક્ષાનો પડઘો સરકાર અને મહાપાલિકા બજેટમાં પડતો હોય છે. વિકાસશીલ આયોજનમાં સફળ અમલીકરણ થાય ત્યારે લોકોને તેની ચોક્કસ અનુભૂતિ થાય છે. બસ આ જ સિલસિલા આગળ ધપાવવાનો અભિગમ ભાજપના શાસકોએ રાખ્યો છે. સ્ટેન્ડિંગ કમિટીએ વર્તમાન સંજોગોને અનુરૂપ મહાપાલિકાના વર્ષ-2021-22ના રિવાઇડઝ બજેટને આખરી ઓપ આપ્યો છે. અને નાણાકીય વર્ષ-2022-23નું રૂા.2355.78 કરોડનું વાસ્તવિક અને પ્રજાલક્ષી બજેટને મંજૂરી આપી છે.
તેઓએ ઉમેર્યું હતું કે મ્યુનિ.કમિશનરે રજૂ કરેલા રૂા.2334.94 કરોડના બજેટ પર સ્ટેન્ડિંગ કમિટીએ અભ્યાસ કર્યા બાદ તેમાં રૂા.25.10 કરોડની વિવિધ યોજનાઓ અને સુવિધાઓનો ઉમેરો કરી રૂા.2355.78 કરોડના બજેટને બહાલી આપી છે. ઝડપી શહેરીકરણના પ્રભાવથી આજે ગુજરાતનું એકપણ શહેર બાકાત રહ્યું નથી. તેનો સિધો અર્થ એવો તારવી શકાય કે નાગરિકોમાં ગુણવત્તાયુક્ત અને પ્રગતિશીલ ભવિષ્યની ઇચ્છા પ્રબળ બની રહી છે.
શહેરના સિમાળા વિસ્તરી રહ્યા છે અને વસ્તી પણ વધી રહી છે. સાથોસાથ લોકોની અપેક્ષાઓમાં પણ વધારો થયો છે. ત્યારે મહાપાલિકાની જવાબદારી પણ વધી છે. બજેટમાં પ્રામાણીક કરદાતાઓ, વિકલાંગ કરદાતાઓ વળતર આપવાની, નવા ભળેલા વિસ્તારોમાં વિકાસ કામો માટે જોગવાઇ કરવામાં આવી છે. આરોગ્ય લક્ષી સુવિધા વધારવામાં પણ ધ્યાન આપવામાં આવ્યું છે. બજેટ સ્પીચના અંતે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઇ પટેલે સાયરાના અંદાજમાં જણાવ્યું હતું કે……
એકવાર “યાદ” કરી તો જુઓ, મને “તસવીર” બનતા વાર નહિ લાગે..
એક વાર “શબ્દ” બની તો જુઓ, મને “ગઝલ” બનતા વાર નહિ લાગે..
એક વાર “આંખો” મીલાવી તો જુઓ, મને “નજર” બનતા વાર નહિ લાગે..
એક વાર “દિલ” સાંભળી તો જુઓ, મને “ધબકારા” બનતા વાર નહિ લાગે..
તેવું તેમણે જણાવી બોર્ડ સમક્ષ બજેટ મંજૂરી માટે રજૂ કર્યું હતું. વિરોધપક્ષ કોંગ્રેસના નગરસેવકોએ બજેટને સંપૂર્ણપણે અવાસ્તવિક ગણાવી તેને વખોડીયું હતું. સાથોસાથ ચાલુ નાણાકીય વર્ષના બજેટમાં પણ હજુ 31 યોજનાઓ શરૂ પણ થઇ ન હોવાનું જણાવી વિરોધ કર્યો હતો. બોર્ડ સમક્ષ મંજૂરી અર્થે રજૂ થયેલી દરખાસ્તો પૈકી 9 દરખાસ્તો સર્વાનુમતે મંજૂર થઇ હતી. જ્યારે વાહન વેરામાં વધારો કરવાની દરખાસ્તમાં કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. ભાજપના નગરસેવકોએ બજેટને વાસ્તવિક અને પ્રજાલક્ષી ગણાવી બોર્ડમાં અંદાજપત્રના વણાખ કર્યા હતા અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઇ પટેલ તથા સંપૂર્ણ કમિટીને અભિનંદન પાઠવ્યા હતા.
વાહન વેરામાં વધારો કરવાની દરખાસ્તના વિરોધ વચ્ચે બહુમતીથી બજેટ જનરલ બોર્ડમાં મંજૂર કરવામાં આવ્યુ હતું. અત્રે ઉલ્લેખનીય છે કે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે આ પાંચમુ બજેટ છે.