બ્રિજના નિર્માણ કામમાં મુદ્ત કોઇ કાળે નહીં વધારાય સમય મર્યાદામાં કામ પૂર્ણ કરવા એજન્સીને કડક ભાષામાં પદાધિકારીઓને તાકીદ
અબતક, રાજકોટ
ટ્રાફીકની સમસ્યા હલ કરવા માટે કોર્પોરેશન દ્વારા શહેરના અલગ-અલગ વિસ્તારોમાં પાંચ સ્થળોએ હાલ ઓવરબ્રિજનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. સિવિલ હોસ્પિટલ ચોક, 150 ફૂટ રીંગ રોડ પર રામાપીર ચોકડી અને નાનામવા સર્કલ ઓવરબ્રિજનું કામ આગામી જુલાઇ અથવા ઓગષ્ટમાં પૂર્ણ થઇ જશે. મોડામાં મોડું ઓગષ્ટ માસમાં આ ત્રણેય બ્રિજ વાહન ચાલકો માટે ખૂલ્લા મુકી દેવામાં આવશે. જ્યારે જડ્ડુસ ચોક બ્રિજનું ઓક્ટોબરમાં લોકાર્પણ કરી દેવામાં આવશે. જ્યારે કેકેવી ચોક મલ્ટીલેવલ બ્રિજનું કામ ડિસેમ્બરના પૂર્ણ થશે. જે વિધાનસભાની ચુંટણી પૂર્ણ થયા બાદ વાહન ચાલકો માટે ખૂલ્લો મુકી દેવામાં આવશે. આજે પદાધિકારીઓએ બ્રિજના કોન્ટ્રાક્ટર સાથે બેઠક યોજી હતી. જેમાં નિર્માણ કામમાં મુદ્ત વધારવામાં આવશે નહીં તેવી કડક તાકીદ કરી હતી અને સમય મર્યાદામાં કામ પૂર્ણ કરવા જણાવ્યું હતું.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નં. 3માં હોસ્પિટલ ચોકમાં થ્રી આર્મ બ્રિજ બનાવવાનું કામ રૂ. 101.39 કરોડના ખર્ચે, વોર્ડ નં.8માં 150 ફુટ રીંગ રોડ પર કે.કે.વી. ચોકમાં સ્પ્લીટ ફ્લાય ઓવર બ્રીજ બનાવવાનું કામ રૂ. 129.53 કરોડના ખર્ચે, વોર્ડ નં.10માં કાલાવડ રોડ પર જડુશ રેસ્ટોરન્ટ પાસે ફ્લાય ઓવરબ્રિજ બનાવવાનું કામ રૂ. 28.52 કરોડના ખર્ચે, વોર્ડ નં.8માં 150 ફુટ રીંગ રોડ પર નાના મવા જંકશન પર ફ્લાય ઓવરબ્રિજ બનાવવાનું કામ રૂ. 40.22 કરોડના ખર્ચે તથા વોર્ડ નં.1 માં 150 ફુટ રીંગ રોડ પર રામાપીર ચોક જંકશન પર ફ્લાય ઓવરબ્રિજ બનાવવાનું કામ રૂ. 41.12 કરોડના ખર્ચે બનાવવાની કામગીરી ચાલી રહી છે. આ બ્રિજ માટે રાજ્ય સરકાર દ્વારા આર્થિક સહયોગ મળનાર છે.
ઓવર બ્રિજની કામગીરીના અનુસંધાને આજે મેયર ડો.પ્રદિપ ડવના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠક યોજાઈ. આ બેઠકમાં ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલ, મ્યુનિ.કમિશનર અમિત અરોરા, શાસકપક્ષ નેતા વિનુભાઈ ઘવા, બાંધકામ સમિતીના ચેરમેન કેતનભાઈ પટેલ, વોટર વર્કસ સમિતીના ચેરમેન દેવાંગભાઈ માંકડ, સિટી એન્જીનિયર એચ.યુ.દોઢિયા, એમ.આર.કામલિયા તેમજ તમામ એજન્સીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આમ, આ મિટીંગમાં ગહન ચર્ચા કરવામાં આવેલ. જેમાં રામાપીર ચોકડી તથા નાનામવા સર્કલના બ્રિજ માટે એજન્સીએ બ્રિજના સ્ટીલ ગર્ડર માટે ઓર્ડર તેમજ પેમેન્ટ પણ કરી દીધેલ છે. પરંતુ કોરોના મહામારીને કારણે તમામ કંપનીઓને માલ પુરો પાડવામાં ખૂબ જ મુશ્કેલી છે. ચર્ચાના અંતે ત્રણેય બ્રિજ જુલાઈ-ઓગષ્ટ 2022 માં પૂર્ણ થશે તેવો નિર્ણય કરાયેલ. આ ઉપરાંત હોસ્પિટલ ચોક ઓવરબ્રિજ પણ જુલાઈ 2022ની સમય મર્યાદામાં પૂર્ણ થશે. આ ઉપરાંત કે.કે.વી.ચોક ડિસેમ્બર અથવા જાન્યુઆરી 2023 સુધીમાં પૂર્ણ થશે. હોસ્પિટલ ચોકમાં ચાલી રહેલ ઓવરબ્રિજની કામગીરીમાં એકાદ માસમાં હોસ્પિટલ ચોકથી કુવાડવા તરફ જવા માટે સર્વિસ રોડ ખુલ્લો મુકાશે. આ સર્વિસ રોડમાં વાહનને અવર-જવરમાં સરળતા રહેશે.
રૈયા ખાતે તથા જેટકો ચોકડી પાસે ચાલી રહેલ ફિલ્ટર પ્લાન્ટની કામગીરીની પણ સમીક્ષા કરવામાં આવેલ. બંને ફિલ્ટર પ્લાન્ટની કામગીરી પણ સમય મર્યાદામાં પૂર્ણ કરવા તાકીદ કરી હતી.