સરકારી ટેન્ડરમાં વધુ ભાવ માંગતા કોન્ટ્રાક્ટરોના પ્રશ્ર્નોનો ઉકેલ લાવવા પ્રયાસ: મંત્રી પૂર્ણેશ મોદી
અબતક-અમદાવાદ
એસ.ટી. અમારી ખોટની સવારી આ કહેવત હવે હકીકતમાં સાર્થક છે કેમ કે ગુજરાત એસ.ટી. નિગમને વર્ષે 1000 કરોડ રૂપિયાની ખોટ જાય છે અને પેટ્રોલ-ડીઝલના ભાવ વધુ છે પરંતુ એસ.ટી. ભાડાંમાં વધારો નહીં કરવામાં આવે તેમ માર્ગ, મકાન અને વાહન વ્યવહાર મંત્રી પૂર્ણેશ મોદીએ જણાવ્યું હતું. રસ્તા અને પુલનું કામકાજ કરતા કોન્ટ્રાક્ટરો સરકારી કામના ટેન્ડરમાં વધુ ભાવની માંગણી કરી રહ્યા છે તેવામાં વિભાગમાં વાતચીત કરીને ઉકેલ લાવવા પ્રયાસ કરાઇ રહ્યો છે. રાજ્યમાં ટૂંક સમયમાં 2937 કરોડ રૂપિયાના ખર્ચે 2406 કિલોમીટર લંબાઇના 233 જેટલા રોડની મરામત કરવામાં આવશે.
મંત્રીએ જણાવ્યું હતું કે એસ.ટી. બસમાં બેસનારા મોટા ભાગના મુસાફરો જરૂરીયાતવાળા છે ત્યારે આટલી ખોટ હોવા છતાં પણ ભાડામાં વધારો કરવાનો કોઇ પ્રશ્ર્ન નથી. રોજના હજારો લોકો એસ.ટી. બસની મુસાફરીનો લાભ લેતા હોય છે. કોન્ટ્રાક્ટરના પ્રશ્ને તેઓએ જણાવ્યું હતું કે સ્ટીલ અને સિમેન્ટના ભાવ ભારે વધી જતાં તેમના દ્વારા વધુ ભાવની માંગણી કરાઇ છે. જો કે, બેઠકનો દૌર ચાલુ છે અને ત્યારબાદ તેમના પ્રશ્ર્નો ઉકેલવામાં આવશે.
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે બીજા તબક્કાના ભાગરૂપે પાલનપુર, અમરેલી, નવસારી, ભરૂચ, પાટણ, નડીયાદ, ભૂજ અને મોડાસા વગેરે બસ ડેપો પીપીપી ધોરણે લોકાપર્ણ કરવામાં આવશે અને માર્ગોના મરામતની કામગીરી પણ તાકીદે કરવામાં આવશે.