આગામી દિવસોમાં પરીક્ષાનું ટાઇમટેબલ બોર્ડની વેબસાઇટ પર વિધીવત રીતે જાહેર કરવામાં આવશે
અબતક,નવી દિલ્હી
કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો.10 અને ધો.12ની બીજા ટર્મની પરીક્ષા જાહેર કરવામાં આવી છે. આ પરીક્ષાનો પ્રારંભ આગામી 26મી એપ્રિલથી થશે. અને આ તમામ પરીક્ષાઓ ઓફલાઇન મોડમાં જ લેવામાં આવશે તેમ સીબીએસઇ દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. ટર્મ-2ની પરીક્ષાનો ટાઇમટેબલ આગામી દિવસોમાં જાહેર કરવામાં આવશે અને આ ટાઇમટેબલ સીબીએસઇની વેબસાઇટ પર મુકવામાં આવશે.
કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડના જણાવ્યા મુજબ બીજા ટર્મની પરીક્ષા 26મી એપ્રિલથી શરૂ કરવામાં આવશે અને ટર્મ-2ના પેપરની સ્ટાઇલ સેમ્પલ અનુસાર જ રાખવામાં આવશે. આ પરીક્ષા કોવિડ-19ની ગાઇડલાઇન મુજબ ઓફલાઇન લેવામાં આવશે.
સીબીએસઇ ટર્મ-2ની પરીક્ષા માટે નક્કી કરાયેલા કેન્દ્રો પર વિદ્યાર્થીઓએ પરીક્ષા દેવાનું રહેશે. તેવી રીતે ગયા વર્ષે પરીક્ષા કેન્દ્રની ફાળવણી કરવામાં આવી હતી. તેમ આ વર્ષે પણ તે મુજબ જ વ્યવસ્થા રહેશે. સીબીએસઇ બોર્ડમાં દર વર્ષે લગભગ 13 લાખથી વધારે વિદ્યાર્થીઓ પરીક્ષા આપતા હોય છે તેમજ ધો.10માં લગભગ 18 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપતા હોય છે. વર્ષ-2021માં કોરોનાને લીધે આંતરિક મૂલ્યાંકન પધ્ધતિ અનુસાર વિદ્યાર્થીઓને પાસ કરી દેવામાં આવ્યા હતા. મહામારીને જોતા સીબીએસઇ દ્વારા બે ટર્મમાં પરીક્ષા લેવાનું નક્કી કરવામાં આવ્યું હતું. ટર્મ-1ની પરીક્ષા 2021માં પૂર્ણ થઇ ગઇ હતી અને હવે બીજા ટર્મની પરીક્ષા આગામી 26 એપ્રિલ-2022ના રોજ યોજવામાં આવશે.